શાંત નહીં રહીએ : પાક. અધિકારીઓ ઉપર પ્રતિબંધો લગાવવા અમેરિકી કોંગ્રેસમાં તૈયારી
- ટ્રમ્પે મુનીરને લંચ આપ્યો, પછી અચાનક પલટવાર
- 'માનવ અધિકાર ભંગ'નું કારણ દર્શાવવામાં આવે છે પરંતુ યુ.એસ. પછી મુનીરે તુર્તજ લીધેલી ચીનની મુલાકાત તેને ભારે પડી
વોશિંગ્ટન : અમેરિકાની સંસદમાં એક 'દ્વિ-દલીય' વિધેયક રજૂ કરાયું છે જે પાકિસ્તાનમાં માનવ અધિકારોનું ઉલ્લંઘન અને લોકતંત્રને નિર્બળ કરનારા પાકિસ્તાની અધિકારીઓ ઉપર કઠોર પ્રતિબંધો લગાડવા માટે ઘડાયું છે. તેમાં વિશેષત: પાકિસ્તાની સેનાના ઉચ્ચ અધિકારીઓને નિશાન બનાવવામાં આવ્યા છે તે વિધેયકને પાકિસ્તાન સ્વતંત્રતા અને ઉત્તરદાયિત્વ અધિનિયમ (એચ.આર. ૫૨૭૧) નામ અપાયું છે જે અમેરિકાના પ્રમુખને યથાયોગ્ય કાર્યવાહી કરવાની સત્તા આપે છે.
'ગ્લોબલ-મેગ્નેસ્ટકી' નામનો એક કાનૂન ૨૦૧૬માં પસાર કરવામાં આવ્યો હતો. જે માનવ અધિકાર હનન, અને ભ્રષ્ટાચારમાં સામેલ વિદેશી વ્યક્તિઓ અને સંસ્થાઓ ઉપર પ્રતિબંધ મુકે છે. તેમાં તેમની અમેરિકા સ્થિત સંપત્તિ ફ્રીઝ કરવા અને અમેરિકામાં મુસાફરી કરવા ઉપર પણ પ્રતિબંધ મુકે છે.
આ વિધેયક પસાર કરવામાં સત્તાધારી પાર્ટીના સાંસદ બિલ હ્યુજેંગાએ કહ્યું : 'અમે શાંત નહીં રહીએ અમેરિકા, પાકિસ્તાનની સરકાર, સૈન્ય તથા અન્ય સુરક્ષા દળોના વર્તમાન કે પૂર્વ તેવા તમામ દ્વારા સ્પષ્ટ માનવ અધિકાર ભંગને નજર અંદાજ ન કરી શકાય.'
આમા પાકિસ્તાન પ્રત્યેનાં વલણમાં એકાએક આવેલો પલટો પહેલી નજરે તો આંચકાજનક લાગે કારણ કે થોડા સમય પૂર્વે જ પાકિસ્તાનમાં સર્વેસર્વા થઈ પડેલા 'ફીલ્ડ માર્શલ' મુનીરને તો પ્રમુખ ટ્રમ્પે લંચ આપ્યો હતો પરંતુ ખરી હકીકત તે છે કે અમેરિકા પછી લગભગ તુર્તજ અસીમ મુનીરે ચીનની મુલાકાત લીધી તે પછી થોડા જ સમયે ચીનમાં ચીનના જાપાન સામેના વિજયની ૮૦મી જયંતિએ યોજાયેલી ભવ્ય શક્તિ પ્રદર્શન સમયે મુનીરે શહબાઝ શરીફની સાથે ઉપસ્થિત રહ્યા હતા. માટે વિશ્લેષકો કહે છે કે, 'માનવ અધિકાર ભંગ' તો બ્હારનું મ્હોરૃં છે મૂળ વાંધો પાકિસ્તાનની ચીન પરસતનો છે તે સહજ પણ છે.