ભારતીયનું માથું વાઢી નાખવાની ઘટના પર ભડક્યાં ટ્રમ્પ, કહ્યું- ગેરકાયદે ઈમિગ્રન્ટના દિવસો પૂરાં થયા
Donald Trump News : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું છે કે મારા દેશમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પ્રત્યે નરમ વલણ અપનાવવાનો સમય હવે પૂરો થઈ ગયો છે. ટ્રમ્પે આ ટિપ્પણી ક્યુબનના નાગરિક દ્વારા એક ભારતીય નાગરિકની હત્યા બાદ કરી હતી.
ટ્રમ્પે લીધી પ્રતિજ્ઞા
ગયા અઠવાડિયે ટેક્સાસના ડલ્લાસમાં એક ક્યુબન ઇમિગ્રન્ટે ભારતીય નાગરિક ચંદ્ર નાગમલ્લૈયાની હત્યા કરી હતી. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે આ જ ઘટના પર આ પ્રતિક્રિયા આપી છે. આ સાથે તેમણે અમેરિકાને ફરીથી સુરક્ષિત બનાવવાની પ્રતિજ્ઞા લીધી અને કહ્યું કે મારી સરકાર મારા કાર્યકાળ દરમિયાન ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ ગુનેગારો પ્રત્યે નરમ વલણ નહીં અપનાવે.
ભારતીયનું માથું વાઢી નાખ્યું હતું
ટ્રમ્પે તેમના સોશિયલ પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું, "મને ટેક્સાસના ડલ્લાસમાં એક આદરણીય વ્યક્તિ ચંદ્ર નાગમલ્લૈયાની હત્યા સંબંધિત ભયાનક સમાચારની જાણ છે, જેની ક્યુબાના એક ગેરકાયદેસર ઇમિગ્રન્ટ દ્વારા પત્ની અને પુત્રની સામે ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી, આવી ઘટના અમેરિકામાં ક્યારેય ન બનવી જોઇએ."
બાઈડેનની પૂર્વ સરકાર ભડક્યાં ટ્રમ્પ
ટ્રમ્પે કહ્યું કે આરોપી ક્યુબન ગેરકાયદેસર ઇમિગ્રન્ટ યોર્ડાનિસ કોબોસ માર્ટિનેઝની બાળ જાતીય શોષણ, કાર ચોરી અને ખોટી કેદ સહિતના ભયાનક ગુનાઓ માટે અગાઉ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ જો બાઈડેનના કાર્યકાળ દરમિયાન તેને આપણી માતૃભૂમિ પર છોડી દેવામાં આવ્યો હતો કારણ કે ક્યુબા આવા દુષ્ટ વ્યક્તિને તેના દેશમાં પાછો લઈ જવા માંગતું ન હતું.
ટ્રમ્પે કહ્યું- ચિંતા ના કરતો આ લોકોના દિવસો પૂરા થયા
ટ્રમ્પે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું, “ચિંતા ન કરશો, મારા શાસન હેઠળ આ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગુનેગારો પ્રત્યે નરમ વલણ અપનાવવાનો સમય પૂરો થઈ ગયો છે! હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમ, એટર્ની જનરલ પામ બોન્ડી, બોર્ડર ઝાર ટોમ હોમન અને મારા વહીવટમાં ઘણા અન્ય લોકો અમેરિકાને ફરીથી સુરક્ષિત બનાવવામાં અવિશ્વસનીય કાર્ય કરી રહ્યા છે. આ ગુનેગાર, જેને અમે કસ્ટડીમાં લીધો છે, તેના પર કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેના પર પ્રથમ કેટેગરીની હત્યાનો આરોપ મૂકવામાં આવશે!