World

અમે મજા કરવા ઇરાન પર વધુ હુમલા કરીશું : ટ્રમ્પ

By GS TEAM
16 Mar 20263 mins read
અમે મજા કરવા ઇરાન પર વધુ હુમલા કરીશું : ટ્રમ્પ

- ઇરાને દુબઇ, કુવૈતના એરપોર્ટ પર ફરી હુમલા કર્યા, યુએઇનું ઓઇલ ટર્મિનલ ખાખ

- સુપ્રીમ લીડર ખામેનેઇની હત્યાનો બદલો લઇશું, અનેક બાળકોના હત્યારા નેતન્યાહુને ગમે ત્યાંથી શોધીને ઠાર કરીશું : ઇરાની સૈન્ય વધુ રોષે ભરાયું

- અમેરિકાએ યુએઇના સૈન્ય મથકેથી ઇરાન પર હુમલા કર્યા હતા, વળતા જવાબમાં ઇરાને ૧૬૦૦ ડ્રોન, ૩૦૦ મિસાઇલો છોડી હતી

- હોર્મુઝની ખાડીને ઇરાનથી મુક્ત કરાવવા અમારા તમામ સાથી દેશો મદદ કરે, યુદ્ધ જહાજો મોકલે ઃ ટ્રમ્પની માગ

તેહરાન/તેલ અવિવ: ઇરાન પર ઇઝરાયેલ અને અમેરિકાના સંયુક્ત હુમલામાં સુપ્રીમ લીડર અલી ખામેનેઇના મોતને પગલે હવે ઇરાની સૈન્ય બદલો લેવાના મૂડમાં છે. ઇરાનના ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે ખામેનેઇની હત્યાનો બદલો ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુની હત્યા 

કરીને લઇશું. જ્યારે બીજી તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમે મજા કરવા માટે ઇરાન પર વધુ કેટલાક હુમલા કરી શકીએ છીએ. 

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમે મજા કરવા માટે ઇરાન પર વધુ કેટલાક હુમલા કરી શકીએ છીએ, આ સાથે જ ટ્રમ્પે ઇરાનના ખારગ દ્વીપ સ્થિત નિકાસ કેન્દ્ર પર હુમલો કરવાની ધમકી આપી હતી અને સહયોગી દેશોને હોર્મુઝ ખાડીમાં મદદરૂપ થવા માટે યુદ્ધપોત મોકલવાનો આગ્રહ પણ કર્યો હતો. ટ્રમ્પે ઇરાન પર પ્રહારો કરતા કહ્યું હતું કે તે યુદ્ધ સમાપ્ત કરવા માગે છે પરંતુ કેટલીક શરતો સ્વીકારવા તૈયાર નથી.  બીજી તરફ ઇરાને પણ ઝુકવાની ના પાડી દીધી હતી અને અમેરિકા, ઇઝરાયેલના સૈન્ય મથકો પર ડ્રોન હુમલા તેજ કરી દીધા છે.  જ્યારે ઇરાની સૈન્ય રિવલ્યૂશનરી ગાર્ડે એક નિવેદન જાહેર કર્યું છે જેના પરથી સ્પષ્ટ થાય છે કે ઇરાન હાલ યુદ્ધ રોકવાની તૈયારીમાં નથી. 

ઇસ્લામિક રિવલ્યૂશનરી ગાર્ડે ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુની હત્યા કરવાનો પડકાર ફેંક્યો હતો. અને કહ્યું હતું કે અમે નેતન્યાહુને ગમે ત્યાંથી શોધી કાઢીશું અને તેની હત્યા કરીશું. ઇરાની ગાર્ડે પોતાની વેબસાઇટ સેપાહ ન્યૂઝ પર નિવેદન જારી કરીને કહ્યું હતું કે બાળકોનો જીવ લેનારો આ હત્યારો નેતન્યાહુ જીવીત છે તો અમે તેની હત્યા માટે પુરી તાકાત લગાવી દઇશું. ઇઝરાયેલના સંરક્ષણ મંત્રીએ કહ્યું છે કે અમે યુદ્ધ નહીં રોકીએ. ઇરાને ફરી દુબઇ, કુવૈત એરપોર્ટ પર હુમલા શરૂ કરી દીધા છે. 

ઇરાને આશરે ૧૮૦૦ જેટલી મિસાઇલો અને ડ્રોન છોડયા હતા. આ તમામ હુમલા યુએઇ પર કરવામાં આવ્યા હતા, ઇરાન દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો માનવામાં આવે છે. આ હુમલામાં ૨૯૪ બેલિસ્ટિક મિસાઇલ, ૧૫ ક્રૂઝ મિસાઇલો, ૧૬૦૦ ડ્રોનનો સમાવેશ થાય છે. ઇરાને કહ્યું હતું કે અમારા પર અમેરિકાએ જે હુમલો કર્યો તેના માટે યુએઇના પોતાના સૈન્ય મથકનો ઉપયોગ કર્યો હતો. યુએઇ પર કરાયેલા હુમલામાં ફુજૈરાહ ઓઇલ ટર્મિનલને પણ ઉડાવી દેવાયું છે. કુવૈતના એરપોર્ટ પર ઇરાને મિસાઇલો નાખી હતી. કુવૈતના ઓઇલ ટર્મિનલ પર હુમલામાં એટલો મોટો ધમાકો થયો હતો કે દૂર સુધી કાળા વાદળો છવાયા હોય તેવો ધુમાડો થયો હતો.  યુએઇ ઉપરાંત બેહરીન પર પણ ઇરાને બોમ્બવર્ષા કરી હતી, જ્યારથી ઇરાન સાથે યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધી કુલ ૧૨૫ મિસાઇલો ૨૧૧ ડ્રોન ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યા હતા.  બીજી તરફ લેબનોનમાં બૈરુતમાં ભારે પવન સાથે વરસાદ પડયો હતો જેને કારણે અહીંયા આ યુદ્ધને કારણે જે લોકો વિસ્થાપિત થયા છે તેમના જીવન પર વધુ માઠી અસર પહોંચી હતી.    

- રશિયાએ ઘાયલોની સારવાર માટે ઇરાનને ૧૩ ટન સામાન મોકલ્યો

ઇરાન પર ઇઝરાયેલ અને અમેરિકા દ્વારા સંયુક્ત હુમલા કરાયા હતા જેમાં અનેક લોકો માર્યા ગયા હોવાના અહેવાલો છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે રશિયા ખુલ્લેઆમ ઇરાનની મદદ માટે સામે આવ્યું છે, રશિયાએ ઇરાનને માનવતાના ધોરણે લોકોની સારવાર કરવામા ંમદદરૂપ ઇમર્જન્સી મેડિકલનો આશરે ૧૩ ટન સામાન મોકલ્યો છે. જેમાં હોસ્પિટલના આધુનિક મશીન વગેરેનો પણ સમાવેશ થાય છે. ઇરાનીયન રેડ ક્રેસન્ટ સોસાયટીને આ સામાન રશિયા દ્વારા પુરો પાડવામાં આવ્યો જેને બાદમાં પીડિતો સુધી અને હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવ્યો હતો. આ અહેવાલો એવા સમયે સામે આવ્યા છે જ્યારે ખુદ ઇરાને જાહેર કર્યું છે કે તેને આ યુદ્ધમાં હથિયારો સહિતની મદદ રશિયા અને ચીન તરફથી મળી રહી છે. આ મદદ ખરેખર મળી રહી હોવાનો પુરાવો રશિયાનો આ ૧૩ ટન મેડિકલ સામાન છે.