અમો પરસ્પરને સારી રીતે ઓળખીએ છીએ સંયુક્ત પત્રકાર પરિષદમાં મોદી-સ્ટારમેરની હળવી ક્ષણો
- ''ર્સ્વિંગ અને મિસ થતા હોવા છતાં અમે સ્ટ્રેઇટ બેટથી રમીએ છીએ''
- ઈન્ડીયા-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પછી એઈલેસબરીમાં યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદ આનંદસભર બની રહી
એઈલેસબરી : વડાપ્રધાન કીર સ્ટારમેર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં સંબોધેલી સંયુક્ત પત્રકાર પરિષદ આનંદસભર બની રહી હતી. લંડનમાં ઈંડીયા-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા પછી અહીં યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં જ્યારે અનુવાદકોની વાત આવી ત્યારે મોદીએ કહ્યું, 'ચિંતા ન કરો અમે અંગ્રેજી શબ્દો વાપરી જ શકીએ છીએ.' ત્યારે બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમેરે સ્મિત સાથે કહ્યું - 'મને લાગે છે કે અમે પરસ્પરને સારી રીતે ઓળખીએ છીએ.' આમ ગુરૂવારે યોજાયેલી પત્રકાર પરિષદ ઘણી જ હળવાશભરી અને આનંદસભર બની રહી.
આ પત્રકાર પરિષદમાં ક્રિકેટની પરિભાષાનો ઉપયોગ કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું - 'સ્વિંગ અને મિસ પણ કોઈક વાર થાય, પરંતુ અમે સ્ટ્રેઈટ બેટથી જ રમીએ છીએ. અમે હાઈસ્કોરિંગ, સોલિડ પાર્ટનરશિપ સતત ચાલુ રાખી છે.'
ઉલ્લેખનીય છે કે બંને નેતાઓએ 'કોમ્પ્રીહેન્સિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ' ઉપર ગુરૂવારે સહી-સિક્કાઓ કર્યા હતા. સાથે 'ઈન્ડીયા યુકે વિઝન-૨૦૩૫'નો મુસદ્દો પણ ઘડયો હતો.
અત્યારે ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. આ શ્રેણી બેટ અને બોલની તીવ્ર રસાકસીભરી બની રહી છે ત્યારે વડાપ્રધાન મોદીએ આ સંયુક્ત પત્રકાર પરિષદમાં ક્રિકેટની પરિભાષાનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ પત્રકાર પરિષદમાં વધુમાં કહ્યું હતું કે આથી વ્યાપાર, મૂડી રોકાણ અને વધુ રોજગારીની નવી તકો ઉભી થશે. બે મહાન લોકશાહીઓ વચ્ચે થયેલા આ કરારો લાંબા સમયે વૈશ્વિક અર્થતંત્રને પણ સહાયરૂપ બનશે.