કાશ્મીર મુદ્દે ભારત-પાક.ની વચ્ચે પડવામાં અમનો કોઇ રસ નથી : અમેરિકા

- ટ્રમ્પને બીજા પણ ઘણાં મહત્ત્વના પ્રશ્નો છે! અમેરિકન અધિકારી
- ભારત-પાક. વચ્ચે અમેરિકાએ યુદ્ધવિરામ કરાવ્યું હોવાની વાત પર અમેરિકન અધિકારી પણ અડગ
- રશિયન ઓઇલ ખરીદીના મુદ્દે મતભેદો ખરા, પરંતુ મંત્રણા સકારાત્મક વાતાવરણમાં આગળ વધી રહી છે
ન્યૂયોર્ક : કાશ્મીર મુદ્દે અમેરિકાના ટોચના સરકારી અધિકારીએ જણાવ્યું છે કે આ મુદ્દો ભારત-પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે. અમેરિકાને તેમા વચ્ચે પડવામાં કોઈ રસ નથી. પ્રમુખ ટ્રમ્પ પાસે બીજા ઘણા પ્રશ્નો છે. અમેરિકાની લાંબા સમયથી નીતિ રહી છે કે કાશ્મીર બંને દેશ વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે. અમેરિકા પાસેથી આ મુદ્દે કોઈ મદદ માંગવામાં આવશે તો તે ચોક્કસ કરશે, પરંતુ તે પોતે તેમાં નહીં પડે.
આશ્ચર્યની વાત એ છે કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુએન જનરલ એસેમ્બલીમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવ્યાની વાતનો પુનરોચ્ચાર કર્યા પછીના જ દિવસમાં અમેરિકન અધિકારી આ વાત જણાવી છે.
અમેરિકાના વરિષ્ઠ અધિકારીએ આ મુદ્દે જણાવ્યું હતું કે તે હકીકત છે કે અમેરિકાએ આ યુદ્ધમાં દરમિયાનગીરી કરી હતી અને આ યુદ્ધવિરામ થયો તેમા તેની મહત્ત્વની ભૂમિકા છે.
ભારતનું લાંબા સમયથી આ મુદ્દા પર સ્પષ્ટ વલણ છે કે પાકિસ્તાન સાથેના દ્વિપક્ષીય મુદ્દાને લઈને કોઈ ત્રીજા પક્ષની દરમિયાનગીરીન જરૂર નથી. દ્વિપક્ષીય મુદ્દા દ્વિપક્ષીય જ રહેવા જોઈએ.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ઘણા સારા સંબંધ છે. આગામી ક્વોડ સમિટ આ વર્ષના અંતમાં કે ૨૦૨૬ના પ્રારંભિક તબક્કામાં યોજવાનું કામ ચાલે છે. તેમા ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાન ભારતના યજમાનપદે યોજાનારી ક્વોડ સમિટમાં ભાગ લેશે.
તેમણે જણાવ્યું હતું કે અમારી વચ્ચે કેટલાક મતભેદો છે અને અમે તેના પર કામ કરી રહ્યા છીએ. તેમાથી ઘણી વાત સ્પષ્ટ થઈ છે અને બીજી કેટલીય વાત પર વાતચીત ચાલી રહી છે. આ વાતચીત ખૂબ જ હકારાત્મક વાતાવરણમાં થઈ રહી છે. આ મતભેદોમાં એક ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યુ તે છે. ભારત પર ૫૦ ટકા ટેરિફ નાખવામાં આવ્યો જ્યારે ચીન પર નાખવામાં આવ્યો નથી. તે અંગે તેમણે જણાવ્યું હતું કે અમે આ મુદ્દે ચીન સાથે પણ ડીલ કરી રહ્યા છીએ. ચીન સામે પણ અમારો આ વાંધો છે જ. અમારી તેની સાથે આ અંગે મંત્રણા ચાલી રહી છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પ એક વાત પર સ્પષ્ટ છે કે જ્યાં સુધી પુતિનનો આવકપ્રવાહ રોકવામાં આવશે નહીં ત્યાં સુધી યુદ્ધ નહીં રોકાય. તે યુરોપને પણ આ જ કહી રહ્યા છે.









