- ટ્રમ્પ વહીવટી તંત્ર સમગ્ર વસાહતીઓને ધીક્કારે છે
- ટ્રમ્પે તે સાથે કહ્યું : 'તેઓ જ્યાંથી આવ્યા ત્યાં પાછા ધક્કેલી દો : ત્યારે જે.ડી. વાન્સે ટેબલ પર હાથ પછાડયા, હેગસેથે કહ્યું 'બરોબર જ કહ્યું'
વોશિંગ્ટન : હવે તો તે જગ જાહેર થઈ ગયું છે કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તમામ કાયદેસરના કે ગેરકાયદે તેવા તમામ વસાહતીઓને ધિક્કારે છે. કાયદેસર વસેલાઓને તો ના-છૂટકે રાખવા પડે છે. તેવામાં સોમાનિયાથી આવેલા વસાહતીઓ ઉપર તૂટી પડતાં પ્રમુખે કહી દીધું કે, આપણને તે કચરા-પૂંજીની જરૂર નથી. તેઓ જયાંથી આવ્યા હોય ત્યાં તેમને પાછા ધક્કેલી દો.
વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પે તેના મંત્રી મંડળની બેઠકમાં તે સમયે ઉપપ્રમુખ જે.ડી. વાન્સ અને સંરક્ષણ મંત્રી, પેટ હેગ સેથ પણ ઓફિસમાં ઉપસ્થિત હતા. ટ્રમ્પના આ વિધાનોને ઉપપ્રમુખ જે વાન્સે ટેબલ પર હાથ પછાડી વધાવી લીધા હતા. જયારે, પેટ હેગસેથે ઉત્સાહભેર કહી દીધું ઃ 'બરોબર જ કહ્યું.'
ટ્રમ્પ માત્ર આફ્રો-એશિયાઈ દેશોના વસાહતીઓને જ ધકેલવા માગે છે, તેવું નથી. તેઓ મેક્ષિકો જેવા લેટિન અમેરિકન દેશોમાંથી પણ આવતા વસાહતીઓને પાછા ધક્કેલી રહ્યા છે.
મેક્ષિકો સાથેની સરહદે દિવાલ ચણી દીધી છે. છતાં જયાં જયાં દિવાલમાં છીંડા રહે છે. ત્યાંથી મેક્ષિકન્સ ઘૂસી જાય છે. તે પૈકી કેટલાક ઉપર બળાત્કારો કરવાના પણ આક્ષેપો છે. તેથી તેઓએ કહી દીધું કે, આપણે બળાત્કારીઓને પણ ધક્કેલી દેશું.'
ઉલ્લેખનીય છે કે પ્રમુખ પદની ચૂંટણી સમયે ટ્રમ્પના ચૂંટણી પ્રચારનો મહત્વનો મુદ્દો જ વસાહતીઓને દેશમાંથી દૂર કરવાનો હતો. સાથે તેઓ કહેતા હતા કે, આ ગેરકાયદે વસાહતીઓ અમેરિકનોની રોજી-રોટી ઝુંટવી લે છે. માટે તેમને દેશમાંથી ફગાવી દેવા જોઈએ. તેઓએ કાયદેસરના વસાહતીઓ પૈકી જે ટેકનીકલ કે વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન ન આપી શકે, તેમને પણ દૂર કરવા માર્ગ શોધી રહ્યા છે. જો કે વાન્સ તેટલું સ્વીકારે છે કે કાયદેસર રહેતા વિદેશીઓએ અમેરિકાના ઉત્કર્ષમાં ઘણો ભાગ ભજવ્યો છે. તેમ છતાં ટ્રમ્પ તે પૈકી પણ ઘણાને પાછા કાઢવા તત્પર છે. બીજી તરફ ૬૯ દેશો તેવા તારવ્યા છે કે, જેમાંથી આવતા વસાહતીઓની પૂરેપૂરી ચકાસણી કરવા હુકમ કર્યો છે. તૈ પૈકી ૭ દેશો તેવા છે કે જેમાંથી કોઈને પણ આવવા દેવા પર પ્રતિબંધ છે.


