World

'અમે ભારતના ભગોડા' : લલિત મોદી, માલ્યાનો વીડિયો વાયરલ

By GS TEAM
24 Dec 20252 mins read
'અમે ભારતના ભગોડા' : લલિત મોદી, માલ્યાનો વીડિયો વાયરલ

લંડનમાં લલિત મોદીએ માલ્યાના જન્મ દિને પાર્ટી આપી

ભાગેડુઓ ભારતની એજન્સીઓ અને સરકાર પર હસી રહ્યા છે : સોશિયલ મીડિયા પર લોકોનો રોષ

લંડન/નવી દિલ્હી: કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવીને વિદેશ ભાગી ગયેલા વિજય માલ્યા, લલિત મોદી વગેરે હાલ ખુલ્લેઆમ પાર્ટી કરી રહ્યા છે અને ભારત સરકારને પડકારી પણ રહ્યા છે. તાજેતરમાં જ લલિત મોદીએ વિજય માલ્યાના જન્મ દિવસે ધામધુમથી પાર્ટી કરી હતી.

આ દરમિયાન લલિત મોદી અને વિજય માલ્યાએ એક વીડિયો બનાવ્યો જેમાં તેઓ કહી રહ્યા છે કે અમે ભારતના સૌથી મોટા ભગોડા છીએ. આ શબ્દો લલિત મોદી બોલે છે જેના પર વિજય માલ્યા હસી પડે છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો જાહેર કરીને કહી રહ્યા છે કે ભાગેડુઓ સરકારને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે.  

લંડનમાં લલિત મોદીએ વિજય માલ્યા માટે બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતુ, આ ભવ્ય બર્થડે પાર્ટીમાં અનેક લોકો હાજર રહ્યા હતા. તમામ લોકો પાર્ટી કરતા જોવા મળ્યા જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. એવામાં કોઇએ લલિત મોદી અને વિજય માલ્યાનો સાથે પાર્ટીનો આનંદ લેતો વીડિયો બનાવ્યો હતો જેમાં લલિત મોદી કટાક્ષ કરતા કહે છે કે અમે હું અને વિજય માલ્યા બન્ને ભારતના ભાગેડુ  છીએ. લલિત મોદી અને વિજય માલ્યાનો પાર્ટીઓનો આનંદ માણતો વીડિયો વાયરલ થયો હતો જેમાં કેટલાક લોકોએ કટાક્ષ કરતા કહ્યું છે કે આ બન્ને ભાગેડુઓ ભારતની કેન્દ્ર સરકારની મજાક બનાવી રહ્યા છે. 

લલિત મોદી ૨૦૧૦માં જ ભારત છોડીને વિદેશ ભાગી ગયો, છેલ્લા ૧૫ વર્ષથી તે લંડનમાં ખુલ્લેઆમ આનંદથી હરી ફરી રહ્યો છે. જ્યારે વિજય માલ્યા ૨૦૧૬માં વિદેશ ભાગી ગયો હતો.