- સાઉથ કોરીયાની રાજધાનીમાં અમેરિકન પ્રમુખનું નિવેદન
- એફટીએ મંત્રણામાં ભારત-ઇયુ સ્ટીલ, ઓટો, કાર્બન ટેક્સને લઈને મંત્રણા જારી રાખવા માટે સંમત થયા
સીઓલ : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ફરીથી દાવો કર્યો છે કે અમે ભારત સાથે ટ્રેડ ડીલ કરવાની તૈયારીમાં છે. જો કે થોડા દિવસ અગાઉ ભારતીય વેપારવાણિજ્ય પ્રધાન પીયુષ ગોયલ પણ આ વાત જણાવી ચૂક્યા હોવાથી બંને દેશ વચ્ચે ટ્રેડ ડીલ થવાની સંભાવના પ્રબળ થઈ છે. કદાચ ક્રિસમસ સુધીમાં તેની જાહેરાત થઈ જાય તો આશ્ચર્ય નહીં થાય. ટ્રમ્પ તેને કદાચ ભારત તરફથી મળેલી ક્રિસમસ ભેટ પણ ગણાવી શકે.
આસિયન દેશોની વાર્ષિક બેઠક વખતે ભારતના વિદેશપ્રધાન એસ જયશંકર અને અમેરિકાના માર્કો રુબિયો વચ્ચે કુઆલાલામ્પુરમાં પ્રસ્તાવિત વેપાર સંધિને લઈને વાતચીત થઈ હોવાનું માનવામાં આવે છે. બંને વચ્ચે વ્યાપાર મંત્રણાને લઈને લાંબા સમય સુધી ચર્ચા ચાલી હતી. તેમા ખાસ્સી પ્રગતિ થઈ હોવાનું માનવામાં આવે છે. જો કે આમ છતાં પણ અમેરિકાએ હજી સુધી ભારતને રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ લાદેલી ૨૫ ટકા ડયુટી દૂર કરવાના કોઈ સંકેત આપ્યા નથી. આ દરમિયાન ભારત અને યુરોપીયન યુનિયન સ્ટીલ, ઓટો, કાર્બન ટેક્સ અને અત્યંત સંવેદનશીલતા ધરાવતા ક્ષેત્રો પર વ્યાપક ચર્ચા કરવા તૈયાર થયા છે, જેથી ૨૦૨૫ના અંત પહેલા ટ્રેડ ડીલ થઈ શકે. ભારતે ઇયુ સાથે વેપાર વધારવા માટે પારદર્શક માળખાની તરફેણ કરી છે. ભારતના વેપાર અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ યુરોપની ત્રણ દિવસની મુલાકાતમાં બ્રસેલ્સ ગયા હતા ત્યારે તેમણે આ વાત કહી હતી. તેઓ ત્યાં ઇયુના ટ્રેડ અને ઇકોનોમિક કમિશ્નરને મળ્યાં હતા. આ મુદ્દાઓ પર સહમતી થવાની સાથે બંને વચ્ચે એફટીએ વર્ષાંત સુધીમાં થઈ જશે તેમ માનવામાં આવે છે.
અધિકારીના જણાવ્યા મુજબ ભારત-અમેરિકા ટ્રેડ ડીલ કરવાના ઘણા નજીક પહોંચી ગયા છે. બર્લિન ગ્લોબલ ડાયલોગમાં ભારતીય વેપાર અને વાણિજ્ય ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે અમે કોઈપણ ડીલ ઉતાવળે કરતાં નથી કે અમારા માથા પર ગન મૂકીને કોઈ અમારી સાથે ડીલ કરાવી શકતું નથી. ભારત-અમેરિકા વચ્ચે વેપાર મંત્રણાના પ્રથમ રાઉન્ડના પાંચ તબકકા પૂરા થઈ ચૂક્યા છે.
ટ્રમ્પ ફરીથી ભારતીય પીએમ પર ઓળઘોળ
ટ્રમ્પે અંતે ડહાપણની દાઢ ઊગી મોદી બહુ સારા માણસ છે
- ભારત-પાક. યુદ્ધ મેં જ બંધ કરાવ્યો અને યુદ્ધમાં સાત નવા પ્લેન તૂટી ગયા હતા : ટ્રમ્પ
નવી દિલ્હી : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતાં જણાવ્યું હતું કે તેઓ અત્યારે સુધી હું જેમને મળ્યો છું તેમા સૌથી સારા માણસ છે. તે સજ્જન હોવાની સાથે એકદમ મજબૂત વ્યક્તિત્વ ધરાવે છે. તેમની સાથે ડીલ કરવું સરળ નથી.
આ વાત કરતાં ટ્રમ્પે ફરીથી જૂનો રાગ આલાપતા જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ મેં બંધ કરાવ્યું હતું. બંને પરમાણુ શક્તિ ધરાવતા દેશો વચ્ચે મેં ટ્રેડ ટેરિફનો ઉપયોગ કરીને યુદ્ધ બંધ કરાવ્યું હતું. આ વખતના દાવામાં ટ્રમ્પે ચોંકાવનારી વાત એ ઉમેરી હતી કે આ યુદ્ધમાં સાત ન્યુ બ્રાન્ડ પ્લેન તૂટી ગયા હતા. જો મેં યુદ્ધ રોકાવ્યું ન હોત તો બંને દેશને જંગી નુકસાન ગયું હોત.
મેં પીએમ મોદીને જણાવ્યું હતું કે અમેરિકા તમારી સાથે ડીલ નહીં કરી શકે, કારણ કે તમે તો હાલમાં યુદ્ધ કરો છો. આ જ રીતે મેં પાક.ના લશ્કરી વડા અસીમ મુનિરેને પણ જણાવ્યું હતું કે જો તમે યુદ્ધ ચાલુ રાખશો તો અમેરિકા તમારી સાથે વેપાર નહીં કરે. તેના પગલે બંને દેશો યુદ્ધ ખતમ કરવા તૈયાર થયા હતા. બંને દેશોએ બે દિવસ યુદ્ધ કર્યા પછી યુદ્ધ અટકાવી દીધું હતુ અને મને ફોન કર્યો હતો અને જણાવ્યું હતુંકે અમે યુદ્ધ અટકાવ્યું. શું આ જબરદસ્ત વાત નથી. જો કે ભારતે હંમેશા ટ્રમ્પનો દાવો નકાર્યો છે.


