Rising Attacks on Indians in the US Raise Alarms Over Racial Violence : ‘અમેરિકન ડ્રીમ’ને સાકાર કરવાની આશાએ ડૉલરિયા દેશમાં પહોંચેલા ભારતીય નાગરિકોને હવે એક ભયાનક વાસ્તવિકતાનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રમ્પના નેતૃત્વ હેઠળના અમેરિકામાં ભારતીય મૂળના નાગરિકો સતત હિંસા અને નફરતનો ભોગ બની રહ્યા છે. માત્ર બે મહિનાની અવધિમાં બનેલી ઘટનાઓએ ભારતીય સમુદાયને સ્તબ્ધ અને ભયભીત કરી દીધો છે. અમેરિકન સમાજ અને અર્થતંત્રમાં અતુલ્ય યોગદાન આપનારા આ લોકોને હવે પોતાની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા થઈ રહી છે.
તાજેતરમાં થયેલી ભારતીયોની હત્યાઓમાં રહેલી ક્રૂરતા કોઈને પણ ધ્રુજાવી દે એવી છે. અમુક ઘટનાઓ જોઈએ.
માથું કાપીને ફૂટબોલની જેમ લાત મારી!
10 સપ્ટેમ્બરના રોજ ટેક્સાસ રાજ્યના ડલાસ શહેરમાં 50 વર્ષીય ચંદ્રમૌલી ‘બોબ’ નાગમલ્લૈયાની હત્યા તેમના એક સહકર્મી દ્વારા કરવામાં આવી હતી. ચંદ્રમૌલી ‘ડાઉનટાઉન સ્યુટ્સ’ મોટેલના મેનેજર હતા. તૂટેલી વોશિંગ મશીન પર થયેલા વિવાદ દરમિયાન યોર્ડાનિસ કોબોસ-માર્ટિનેઝે તેમના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. હત્યારાની ક્રૂરતા એ હદની હતી કે એણે ચંદ્રમૌલીનું માથું કાપીને ધડથી અલગ નાખ્યું અને પછી માથાને ફૂટબોલની જેમ લાત મારીને કચરાપેટીમાં ફેંકી દીધું! આ ઘટના ચંદ્રમૌલીની પત્ની અને પુત્રની નજર સામે જ બની હતી. હત્યારો ક્યુબન હતો. તેણે બીજા ગુના પણ કર્યા હોવાથી તેને ક્યુબા પાછો મોકલવાનો હતો, પણ એમ બને એ પહેલાં જ તે એક ભારતીય માટે કાળ બની ગયો.
લૂંટ દરમિયાન મહિલાની હત્યા
49 વર્ષીય ગુજરાતી મહિલા કિરણ પટેલ દક્ષિણ કેરોલિનાના એક પેટ્રોલ પંપના કન્વીનીઅન્સ સ્ટોરમાં કામ કરતાં હતાં. 19 સપ્ટેમ્બરના રોજ આ સ્ટોરમાં લૂંટને ઈરાદે ત્રાટકેલા ગુનેગારે ગોળી મારીને કિરણની હત્યા કરી દીધી હતી.
પોલીસે ભારતીય મુસ્લિમને ગોળી મારી
સપ્ટેમ્બર મહિનામાં જ કેલિફોર્નિયામાં એક પોલીસ કર્મચારીએ 30 વર્ષીય ભારતીય મોહમ્મદ નિઝામુદ્દીનને ગોળી મારીને મારી નાખ્યો હતો. એવું જાણવા મળ્યું છે કે નિઝામુદ્દીને તેના રૂમમેટ પર છરી વડે હુમલો કર્યો હોવાથી પોલીસે એને ગોળી મારવી પડી હતી. નિઝામુદ્દીનના પરિવારે તેમનો દીકરો વંશીય નફરતનો ભોગ બન્યો હોવાનો આરોપ લગાવ્યો છે અને તેના મૃત્યુના સંજોગોની સંપૂર્ણ તપાસની માંગ કરી છે.
જાહેરમાં પેશાબ કરતાં રોકવા બદલ હત્યા કરાઈ!
સપ્ટેમ્બર મહિનામાં જ હરિયાણાના કપિલ નામના એક યુવાનની હત્યા ફક્ત એટલા માટે કરવામાં આવી હતી, કારણ કે તેણે એક પુરુષને જાહેરમાં પેશાબ કરતાં અટકાવ્યો હતો. આ ઘટના અમેરિકાના કેલિફોર્નિયામાં બની હતી.
લૂંટ માટે એકીસાથે બે ભારતીયોને ગોળીએ દીધા
2 ઑક્ટોબરના રોજ બપોરે 1:15 વાગ્યે ઉત્તર કેરોલિનાના ઉત્તર-પશ્ચિમ શાર્લોટમાં ‘લેમ્પલાઇટર ઇન’ મોટેલમાં લૂંટ કરવા માટે ઘૂસેલા લૂંટારાએ બે ગુજરાતી વ્યવસાયીઓ અનિલ પટેલ અને પંકજ પટેલને ગોળી મારીને એમની હત્યા કરી દીધી હતી. આ ઘટના દરમિયાન સાત રાઉન્ડ ગોળીબાર થયો હતો. પોલીસે આ કેસના સંદર્ભમાં ઓઝુના સિએરા નામના શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે.
ડૉક્ટર બનવાનું સપનું રોળાયું
હૈદરાબાદના 27 વર્ષીય વિદ્યાર્થી ચંદ્રશેખર પોળ ડેન્ટલ સર્જરીમાં ભવિષ્ય બનાવવા માટે અમેરિકા ગયા હતા. તેમણે અમેરિકામાં ડેન્ટલ સર્જરીમાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી હતી અને છેલ્લા છ મહિનાથી નોકરી શોધી રહ્યા હતા. તેઓ ટેક્સાસના એક પેટ્રોલ પંપ પર પાર્ટ-ટાઇમ કામ કરતા હતા ત્યારે 3 ઑક્ટોબરના રોજ એક હુમલાખોરે તેમને ગોળી મારી દીધી હતી.
સહાનુભૂતિની ઘાતક કિંમત ચૂકવવી પડી
5 ઑક્ટોબરના રોજ 51 વર્ષીય રાકેશ એહાગાબન પોતાની મોટેલમાં હતા ત્યારે તેમણે એક પુરુષને મોટેલમાં હથિયાર સાથે ફરતો જોયો. તે કોઈક વાતે ગુસ્સામાં હતો. રાકેશે તેને સહાનુભૂતિથી પૂછ્યું, ‘તું ઠીક છે ને, મિત્ર?’ 37 વર્ષના સ્ટેનલીએ ગુસ્સામાં રાકેશ એહાગાબનને પોઇન્ટ-બ્લેન્ક રેન્જથી ગોળી મારી દીધી અને પછી તેની કાર લઈને ભાગી ગયો. રાકેશે મિત્રનું સંબોધને કરીને ખબરઅંતર પૂછ્યા એની પણ હુમલાખોર પર કોઈ અસર નહોતી થઈ.
ભારતીય સમુદાયમાં ભયનો માહોલ
ઉપર વર્ણવેલી તમામ હત્યાઓના મૂળમાં વંશીય નફરત જ હતી, એમ કહી શકાય એમ નથી. લૂંટ, કાર્યસ્થળના તણાવ અથવા વ્યક્તિગત વિવાદો જેવા કારણો હોવા છતાં ટૂંકા સમયમાં ભારતીયોની મોટી સંખ્યામાં થયેલી હત્યાઓને લીધે ભારતીય સમુદાયમાં ભય અને અસુરક્ષાની લાગણી વધી ગઈ છે. અમેરિકાના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહેલા ભારતીય ઇમિગ્રન્ટ્સ તેમની સલામતી અને સુરક્ષા અંગે વધુ સજાગ અને સતર્ક બની રહ્યા છે.


