Get The App

માણસની ઓળખ કરવા માટેની DNAની ડબલ હેલિક્સ સંરચનાના શોધક વોટ્સનનું નિધન

Updated: Nov 9th, 2025

GS TEAM

Google News
Google News
માણસની ઓળખ કરવા માટેની DNAની ડબલ હેલિક્સ સંરચનાના શોધક વોટ્સનનું નિધન 1 - image


James De Watson : શિકાગોમાં જન્મેલાં અને માત્ર 24 વર્ષની વયે 1953માં ડીએનએની ડબલ હેલિક્સ નામે ઓળખાતી વિખ્યાત સંરચના શોધી મેડિસિન, ક્રાઇમ અને એથિક્સના ક્ષેત્રોમાં ક્રાંતિ સર્જનારા શોધક નોબલ વિજેતા જેમ્સ ડી વોટસનનું 97 વર્ષની વયે અવસાન થયું હતું. 

વોટસનને 1962માં ડીઓક્સિરિબોન્યુક્લિઇક એસિડ યાને ડીએનએની ડબલ હેલિક્સ સંરચનાની શોધ કરવા બદલ ફ્રાન્સિસ ક્રિક અને મોરિસ વિલ્કિન્સ સાથે નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું.  ડબલ હેલિક્સ એટલે અંગ્રેજી આઠના આંકને આડો પાડયો હોય અને તેમાં પગથિયાં હોય એવી સંરચનાની શોધ ક્રાંતિકારી નીવડી હતી. કોષ જ્યારે વિભાજિત થાય ત્યારે તેના ડીએનએમાં કેવા ફેરફાર થાય  તે દર્શાવતી અને તેમાં વંશપરંપરાગત માહિતી સંગ્રહાયેલી હોવાનું જણાવતી આ શોધ વિજ્ઞાાનની પરિચાયક બની રહી છે. સાલ્વાડોર ડાલીના પેઇન્ટિંગથી માંડી બ્રિટિશ પોસ્ટેજ સ્ટેમ્પ પર પણ સ્થાન પામનારાં આ ડબલ હેલિક્સની શોધે જનીનશાસ્ત્રમાં વિવિધ અખતરાં કરવાના દરવાજા ખોલી આપ્યા હતા. 

આજે ડીએનએના નમૂના મેળવી ગુનેગારને પકડવાથી માંડી પરિવારજનોની ઓળખ નક્કી કરવા માટે તથા માણસના ડીએનએ પરથી તેની ઓળખ નક્કી કરવા સુધીની ટેકનિકો આ શોધને આભારી છે. પરંતુ તમામ મોટી શોધની જેમ આ શોધને પગલે પણ નૈતિક સવાલો પેદાં થયા હતા કે માનવશરીરની મૂળ રચનાને મામૂલી કારણોસર સુધારવાનું સરળ કરી આપતી આ ટેકનિક નો વ્યાપક ઉપયોગ માનવસમાજના હિતમાં છે કે નહીં. વોટસને એકવાર જણાવ્યું હતું કે ફ્રાન્સિસ ક્રિક અને મેં આ સદીની સૌથી મોટી શોધ કરી  હોવાનું સ્પષ્ટ છે પણ વિજ્ઞાાન અને સમાજ પર તેની આવી વ્યાપક અસર પડશે તે જાણવાનો એ સમયે અમારી પાસે કોઇ માર્ગ નહોતો. વોટસને એ પછી બીજી કોઇ મોટી શોધ ન કરી પણ પછીના દાયકાઓમાં પાઠય પુસ્તકો અને આત્મકથા લખી માનવ જિનોમ મેપ પ્રોજેક્ટને સાકાર કરવામાં માર્ગદર્શન આપ્યું હતું. 

પરંતુ 2007માં લંડનના સંડે ટાઇમ્સ મેગેઝિનને આપેલી મુલાકાતમાં વોટસનને ટાંકીને જણાવવામા ંઆવ્યું હતું કે આફ્રિકાના ભવિષ્ય બાબતે હું ઉદાસ છું કેમ કે આપણી તમામ નીતિઓ એ હકીકત પરઆધારિત છે કે અશ્વેતોની બુદ્ધિ આપણાં જેવી જ છે. પરંતુ પરિક્ષણો દર્શાવે છે કે આમ નથી. હું આશા રાખું છું કે દરેક જણ સમાન હોય પણ જે લોકો અશ્વેત કર્મચારીઓ સાથે કામ કરે છે તે જાણે છે કે આ સાચું નથી. બીજા શબ્દોમાં અશ્વેતો શ્વેતો જેવી બુદ્ધિ ધરાવતાં નથી તેમ વોટસને કહેતાં જ મોટો વિવાદ સર્જાયો હતો અને તેમણે માફી માંગી છતાં તેમના માન-અકરામો પાછાં ખેંચી લેવામા ંઆવ્યા હતા. આ વિધાનને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદ થતાં 40 વર્ષથી પોતે જ્યાં કામ કરતાં હતા તે પ્રતિષ્ઠિત કોલ્ડ સ્પ્રિંગ હાર્બર લેબોરેટરીના ચાન્સેલર પદેથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એક અઠવાડિયા બાદ તેઓ નિવૃત્ત થઇ ગયા હતા. રસપ્રદ બાબત એ છે કે 2019માં પ્રસારિત એક ડોક્યુમેન્ટરીમાં તેમને તેમના મંતવ્યો બદલાયા હોવાનું પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, ના.જરાય નહીં. 

વોટસનની વૈજ્ઞાાનિક સિદ્ધિ અને તેમની વિવાદાસ્પદ વિધાનોને પગલે તેમણે એક સંકુલ વારસો સર્જયો છે. તેમણે પોલિટિકલ કરેક્ટનેસના તૂતની પણ તેમના પુસ્તક ધ ડબલ હેલિક્સમાં હાંસી ઉડાવી હતી.

Tags :