VIDEO: જ્યોર્જિયા મેલોનીનું આવું સ્વાગત જોઈ સૌ કોઇ ચોંક્યા, આલ્બેનિયાના PM ચર્ચામાં આવ્યા!
Italy PM Giorgia Meloni Welcome by Albanian PM Edi Rama: ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયો મેલોની હંમેશા હેડલાઇન્સમાં રહે છે. હાલ મેલોની યુરોપિયન પોલિટિકલ કોમ્યુનિટી કમિટીમાં હાજરી આપવા માટે તિરાના પહોંચ્યા છે. જ્યાં આલ્બેનિયાના વડા પ્રધાન એડી રામાએ તેમનું સ્વાગત એવી રીતે કર્યું કે તે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયું. સ્વાગત દરમિયાન, એક અનોખો નજારો જોવા મળ્યો જ્યાં અલ્બેનિયાના વડા પ્રધાને ઘૂંટણિયે બેસીને મેલોનીનું સ્વાગત કર્યું.
વડા પ્રધાન એડી રામાએ 40 થી વધુ દેશોના નેતાઓનું કર્યું સ્વાગત
જણાવી દઈએ કે તાજેતરની ચૂંટણીઓમાં સતત ચોથી વખત જીત મેળવનારા રામાએ '2030 સુધીમાં આલ્બેનિયાને યુરોપિયન યુનિયનમાં સામેલ કરવાના' તેમના ચૂંટણી વચન સાથે EPC (યુરોપિયન પોલિટિકલ કોમ્યુનિટી) કોન્ફરન્સમાં હાજરી આપતા 40 થી વધુ દેશોના નેતાઓનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું.
વરસાદમાં છત્રી લઈને ઉભા રહ્યા વડા પ્રધાન એડી રામા
વડા પ્રધાન એડી રામાએ શિખર સંમેલનની પૂર્વસંધ્યાએ સોશિયલ મીડિયા પર લખ્યું: 'તિરાનાથી, જ્યાં આજે આખું યુરોપ ભેગું થયું છે અને જે આખી દુનિયા જોઈ રહી છે, હું તમારા બધાનું સ્વાગત કરું છું.' શિખર સંમેલનની શરૂઆત રેડ કાર્પેટથી થઈ, જેના પર બ્લૂ છત્રી પકડીને ઉભા રહેલા રામાએ EPC લોગોવાળી ટાઈ અને તેમના સિગ્નેચર સ્નીકર્સ પહેરીને યુરોપિયન નેતાઓનું સ્વાગત કર્યું.
આલ્બેનિયાના પીએમએ મેલોનીનું નમન કરીને સ્વાગત કર્યું
સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક વીડિયોમાં, જ્યોર્જિયો મેલોની રેડ કાર્પેટ પર ચાલતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન,આલ્બેનિયાના વડા પ્રધાનના હાથમાં છત્રી હતી, જેને તેમણે જમીન પર મૂકી અને મેલોનીનું સ્વાગત કરવા માટે ઘૂંટણિયે બેસી ગયા. મેલોની પણ આ સ્વાગતથી આશ્ચર્યચકિત થઈ ગયા. જોકે તેઓ ઘણીવાર તેમની 'ઇટાલિયન બહેન' માટે આવું કરે છે.
આ પણ વાંચો: આખરે પાકિસ્તાનના PM એ સ્વીકાર્યું, ઓપરેશન સિંદૂરમાં નુરખાન એરબેઝને થયું હતું નુકસાન
આ પહેલા પણ કર્યું છે આવું સ્વાગત
જણાવી દઈએ કે 3 મહિના પહેલા પણ આવી જ ઘટના બની હતી. આલ્બેનિયાના પીએમએ યુએઈમાં ફ્યુચર એનર્જી સમિટ દરમિયાન ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયો મેલોનીનું આવી જ રીતે સ્વાગત કર્યું હતું. મેલોની સમિટમાં હાજરી આપવા માટે અબુ ધાબી પહોંચ્યા હતા, જ્યાં આલ્બેનિયાના પીએમએ તેમનું ઘૂંટણિયે બેસીને સ્વાગત કર્યું.
તે દરમિયાન મેલોનીનો 48મો જન્મદિવસ હતો અને આલ્બેનિયાના વડા પ્રધાને ગીત ગાઈને મેલોનીને બર્થડે વિશ કર્યું હતું. તે પછી, તેણે મેલોનીને પોતાના હાથે સ્કાર્ફ પણ પહેરાવ્યો હતો.