નવી દિલ્હી,31 ડિસેમ્બર,2025,બુધવાર
વર્ષના અંતિમ દિવસને થર્ટી ફર્સ્ટ તરીકે ઉજવવામાં આવે છે પરંતુ ૩૧ ડિસેમ્બરના રોજ ૧૬૦૦ની સાલમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઇ હતી. બ્રિટનની મહારાણીએ આ કંપનીને ૨૧ વર્ષ સુધી ભારત સાથે વેપાર કરવાની છુટ આપી હતી પરંતુ વેપારના નામે આ કંપનીએ અંગ્રેજોની ૩૦૦ વર્ષની ગુલામીનો પાયો નાખ્યો હતો. એ સમયે બ્રિટનની સરખામણીમાં યુરોપ ખંડના પોર્ટુગલ અને સ્પેનની અર્થ વ્યવસ્થા વધારે મજબૂત હતી.ઇસ ૧૬૦૮માં કેપ્ટન વિલિયમ હોકિંગ્સ ગુજરાતના સુરત બંદરે હેકટર નામનું ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું જહાજ લઇને આવ્યો હતો. હોકિંગ્સમાં પૂરતા જ્ઞાાન અને વાકપટ્ટુતાનો અભાવ હોવાથી ઇસ ૧૬૧૫માં બ્રિટનના સાંસદ અને રાજદૂત સર ટોમસ રો ને ભારત મોકલવામાં આવ્યો હતો.
ટોમસે અનેક ભેટ સોગાતો આપી દિલ્હીમાં મુગલ બાદશાહ જહાંગીરને ખુશ કર્યો હતો. છેવટે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં સુતરાઉ કાપડ,ગળી અને ચા નો વેપાર કરવા માંડયો હતો. અગાઉ સોનાની ચીડિયા ગણાતા ભારતમાં પોર્ટુગલ અને ડચ લોકો પણ પોતાના થાણા સ્થાપી ચુકયા હતા. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પોટુર્ગિઝ, ડચ અને ફ્રાંસિસીઓ સાથે નાની મોટી લડાઇઓ લડીને બંગાળના કાંઠા વિસ્તારો પર કબ્જો જમાવ્યો હતો. એ સમયે બંગાળ આર્થિક દ્વષ્ટીએ ભારતનું સૌથી સમૃધ્ધ રાજય હતું. રેશમ, સુતરાઉ, પોટેશિયમ નાઇટ્રેટ સહિતની અનેક ચીજ વસ્તુઓનો મોટા પાયે વેપાર થતો હતો.

બ્રિટીશ કંપનીએ ધીમે ધીમે ભારતના સ્થાનિક રજવાડાઓને ડારો બતાવવા લાગ્યો પરંતુ અસલી લડાઇ ૧૭૫૬માં બંગાળના નવાબ બનેલા સિરાજ ઉદ્ દૌલા સાથે થઇ હતી.સિરાજ ઉદ્દ દૌલાએ પડકાર ફેંકીને બ્રિટીશ કંપનીના કિલ્લાઓ ધ્વસ્ત કરીને બ્રિટીશ કારોબારીઓને કેદ કર્યા હતા. હવે અંગ્રેજોએ વળતો ઘા કરવાનો હતો પરંતુ નવાબની સેના સામે ટકી શકે તેમ ન હતા. છેવટે અંગ્રેજોએ નવાબના સેનાપતિ મિરજાફરને નવાબપદની લાલચ આપીને ૨૩ જુન ૧૭૫૭માં પ્લાસીનું યુધ્ધ જીત્યું હતું,
આ યુધ્ધમાં સિરાજ ઉદ દૌલાની હાર પછી ભારતમાં અંગ્રેજોના શાસનના મૂળિયા નખાયા હતા. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં એવો વ્યાપ વધાર્યો કે ૧૬૭૦માં બ્રિટીશ તાજે કંપનીને યુધ્ધ લડવાનો અધિકાર આપી દીધો હતો. ઇસ્ટ ઇન્ડિયા કંપની જયાં વેપારમાં ફાવતી ન હતી ત્યાં બળ પ્રયોગ કરવામાં જરાં પણ ખચકાતી નથી. નવાઇની વાત તો એ છે કે કંપનીએ સ્થાનિક લોકોની સૈન્યમાં ભરતી કરીને ૨.૫૦ લાખ સૈનિકોની વિશાળ ફૌજ તૈયાર કરી હતી. સસ્તા ભાવમાં માલસામાન ખરીદીને મોંઘા ભાવે વેચવાનો એક માત્ર હેતું હતો. બ્રિટનમાં બનેલા કાપડને ભારતમાં લોકપ્રિય બનાવવા ભારતના સદીઓ જુના પરંપરાગત કાપડ ઉધોગને નષ્ટ કરવાની શરુઆત કરી હતી.

આ નીતિ અંર્તગત ઇસ ૧૮૧૫માં બ્રિટનની ભારતમાં વસ્તુ નિકાસ ૨૫ લાખ પાઉન્ડ હતી જે વધીને ૧૮૨૨માં સુધીમાં ૪૮ લાખ પાઉન્ડ થઇ હતી. ભારતમાં ૧૮૫૭નો સ્વતંત્રતા સંગ્રામ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની રંજાળનું જ પરીણામ હતો. સ્વાતંત્રતા સંગ્રામને દાબ્યા પછી બ્રિટનની મહારાણી વિકટોરિયાએ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના તમામ અધિકારો સમાપ્ત કરીને શાસનની બાગડોર સીધી પોતાના હાથમાં લીધી હતી એટલું જ નહી કંપનીના લશ્કરને બ્રિટીશ સૈન્યમાં ભેળવી દીધું હતું.


