મનોવૈજ્ઞાનિકોની ચેતવણીઃ કોરોના માનસિક રીતે ભાંગી નાખશે તો નવી મુશ્કેલીઓ સર્જાશે
ડિપ્રેશન સહિતના લક્ષણોથી પીડાતા લોકો પર નજર રાખવા નવી મોબાઈલની ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકાય
લોકડાઉન-આઈસોલેશનમાં રહેતા લોકોમાં ધંધો ભાંગી પડવાનો, નોકરી છુટવાનો અને બેઘર થવાનો ડર વ્યાપ્યો
સિડની, તા. 18 એપ્રિલ 2020, શનિવાર
નિષ્ણાંતોએ કોરોના વાયરસ સાથે સંકળાયેલી અન્ય એક મુશ્કેલીને લઈ ચેતવણી આપી છે. તેમના મતે આ મહામારીના કારણે વિશ્વભરના લોકોનું માનસિક સ્વાસ્થ્ય કથળી શકે છે અને તેનો પ્રભાવ ઘણા લાંબા સમય સુધી જોવા મળશે. ન્યૂરોસાયન્ટિસ્ટ, મનોચિકિત્સક અને મનોવૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે લોકોની માનસિક સ્થિતિ બગડે નહીં તે માટે તમામ દેશોએ અત્યારથી જ લક્ષણ આધારીત સારવાર અને સંશોધનને પ્રોત્સાહન આપવાનું શરૂ કરી દેવું જોઈએ. સાથે જ માનસિક વિકાર સાથે સંકળાયેલા વિશ્વભરના કેસનું એક સાથે મોનિટરિંગ થઈ શકે તેવી વ્યવસ્થા રચવી જોઈએ.
આ મામલે ગ્લાસગો યુનિવર્સિટીના પ્રોફેસર રોરી ઓકોનરના કહેવા પ્રમાણે જો દારૂ-જુગારની લતવાળા લોકો ઉપરાંત સાઈબર બુલિંગ, સંબંધવિચ્છેદ અને ઘર ગુમાવવાની પીડાથી ચિંતિત લોકોમાં દેખાતા અસામાન્ય વ્યવહાર સહિતના લક્ષણોને અવગણવામાં આવશે તો સમસ્યા વધુ વિકરાળ બનશે. આવી સમસ્યાની અવગણના કરવાથી તે લોકો ઉપરાંત સમાજ પણ પ્રભાવિત થશે. પ્રોફેસરના મતે ગંભીર રીતે ડિપ્રેશનમાં રહેલા અને આત્મઘાતી પગલા ભરવાનો વિચાર કરનારા લોકો પર નજર રાખવા માટે નવી મોબાઈલ ટેક્નોલોજીનો ઉપયોગ થવો જોઈએ.
બ્રિટનની 'લૈંસેટ સાઈકેટ્રી' સંસ્થાએ માર્ચના અંતમાં એક સર્વે કર્યો હતો જેમાં લોકડાઉન, આઈસોલેશનના કારણે લોકો વેપાર-ધંધા ડૂબવાના, નોકરી ગુમાવવાના અને બેઘર થવાના ભયથી પીડાવા લાગ્યા હોવાનું સામે આવ્યું હતું. કોરોના વાયરસના કારણે માનસિક રોગીઓની સંખ્યામાં 15થી 20 ટકાનો વધારો થયો છે. વિશ્વમાં સ્વાસ્થ્યકર્મીઓ પૈકીના એક ટકા જ માનસિક સ્વાસ્થ્યના ઉપચાર માટે સક્ષમ છે અને ભારતમાં તે આંકડો તેનાથી પણ નીચો છે.