પૃથ્વીથી 23 અબજ કિમી દૂરથી વોઇજર મોકલી રહયું છે મેસેજ, એલિયન હોવાના ભણકારા,
45 વર્ષથી સતત આપે છે સેવા, આટલા પરફોર્મની સંશોધકોને કલ્પના ન હતી
વોયજરે સ્પેસ સાયન્સને ડેટા મોકલીને સમૃધ્ધ કર્યુ છે
વોશિંગ્ટન,29 ઓગસ્ટ,2022,સોમવાર
અમેરિકાની સ્પેસ સંસ્થા નાસાના નિષ્ણાતોની ટીમ વર્ષો પહેલા મોકલવામાં આવેલા વોયેજર -1 અને વોયજર-2ની હરકતથી ચિંતામાં પડયા છે. આ બંને યાનને સ્પેસ સંશોધન માટે 1977માં પ્રક્ષેપિત કરવામાં આવ્યા હતા. કેલિફોર્નિયાના પાસેડેનામાં આવેલી નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી આ બંને યાનનું મોનિટરિંગ સંભાળે છે.
વર્ષો સુધી ડેટા મોકલીને માહિતી આપનારા વોયજર-1 યાનમાંથી એવા ડેટા મળી રહયા છે જે હવે વાંચી-સમજી શકાતા નથી. વોયજર કોઇ એલિયનના હાથમાં આવ્યું હોય અને ભેદી મેસેજ છુટતા હોય એવું પણ બની શકે છે. 45 વર્ષથી સેવા આપી રહેલા આ યાન ગુરુ, શનિ,યૂરેનસ અને નેપ્ચ્યૂમન જેવા સૌર મંડળના ગ્રહ પાસેથી પસાર થયા હતા. વોયજરે સ્પેસ સાયન્સને ડેટા મોકલીને સમૃધ્ધ કર્યુ છે.
1980-81માં વોયેજર-1 ગુરુ અને તેના ઉપગ્રહોની સુંદર તસ્વીરો મોકલી હતી. એક એવા પર્વતની તસ્વીર મોકલી હતી જે માઉન્ટ એવરેસ્ટ કરતા 30 ગણો ઉંચો હતો. સતત અવિરત આગળ વધતા રહીને આ યાન એટલા આગળ નિકળી ગયા છે કે તેના લોકેશન અંગે જાણી શકાતું નથી. વોઇજર -1 યાન પૃથ્વીથી 23.4 અબજ કિલોમીટર દૂર છે. દર વર્ષે તે 53.50 લાખ કિમીનું અંતર કાપીને પૃથ્વીથી દૂર જઇ રહયા છે.
આટલી કાર્યક્ષમતા સાથે વોયજર કામ કરતા હશે તેવી સંશોધકોએ પણ કલ્પના કરી ન હતી. હવે એટલા દૂર નિકળી ગયા છે કે પૃથ્વી પરથી કોઇ સંદેશો મોકલવામાં આવે તેને પહોંચતા 20 કલાકને 35 મીનિટનો સમય લાગે છે. માનવ જાતે બનાવેલું આ એક એવું ઉપકરણ છે જે સ્પેસમાં આટલા દૂર સુધી પહોંચ્યું છે. વોયેજર યાનમાં 55 જેટલી ભાષાઓમાં અભિવાદન સંદેશા અને મહાન જર્મન સંગીતકાર યોહાન સેબાસ્ટિયન સંગીતનું રેકોર્ડિગ ફિટ કરવામાં આવ્યું હતું.
આનો હેતું પરગ્રહવાસી એટલે કે એલિયન જો મળે તો તે આ સાંભળે અને સમજે એવો હતો. ટુંકમાં વોયજર ને સ્પેસમાં પૃથ્વીવાસીઓનો દૂત બનીને મોકલવામાં આવ્યું છે. યાન પ્રક્ષેપિત કરવામાં આવ્યા ત્યારે ડિજીટલ ટેકનોલોજી અને તેના સંશોધનની મર્યાદા હતી આથી તેના ઉપકરણો ઓછા કામ કરતા હોય તેવું બની શકે છે.
હાલમાં તો ના સમજી શકાય તેવા ડેટા આવવાનું કારણ નિવારવા ઉપકરણોના ડેટાને વારંવાર ચાલુ બંધ કરવામાં આવી રહયા છે. યાનની પ્લૂટોનિયમ બેટરી 45 વર્ષ કરતા વધુ સમય સક્રિય રહીને તેની કાર્યક્ષમતા ગુમાવી રહી છે. આ બેટરી માઇનસ 250 ડિગ્રીથી ઓછા તાપમાનમાં પણ કામ કરી રહી છે.