'બધું જ દાવ પર લાગ્યું, આ યુદ્ધ ખતમ કરવાનો સમય', ટ્રમ્પ-પુતિનની મુલાકાત પહેલા બોલ્યાં ઝેલેન્સ્કી
Trump and Putin to meet in Alaska: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન અલાસ્કાના એક એરબેઝ પર મુલાકાત કરવાના છે, જેના પર યુક્રેન સહિત સમગ્ર વિશ્વ નજર રાખી રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદીમીર ઝેલેન્સ્કી રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધનો અંત આવે તેવી આશા રાખી રહ્યા છે. ટ્રમ્પ અને પુતિન વચ્ચેની મુલાકાત પહેલા ઝેલેન્સ્કીએ 'X' પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, 'અલાસ્કામાં યોજાનારી બેઠકમાં ઘણું બધું દાવ પર છે. આ સમિટ યુરોપિયન સુરક્ષા અને યુક્રેનમાં યુદ્ધની દિશાને અસર કરી શકે છે.'
ઝેલેન્સ્કીએ સુરક્ષા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી
ઝેલેન્સ્કીએ કહ્યું કે, 'તેમણે કીવમાં સુરક્ષા અધિકારીઓની બેઠક બોલાવી છે, જેમાં યુદ્ધની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. અમે રશિયન સેનાના પગપેસારો કરવાના પ્રયાસોનો સામનો કરી રહ્યા છીએ અને તેમને જે સ્થાનો પર કબજો જમાવ્યો છે ત્યાંથી દૂર કરવા દબાણ કરી રહ્યા છીએ. અમે અમારા સાથીઓને જમીની વાસ્તવિકતાથી વાકેફ કરી રહ્યા છીએ.'
બધું જ દાવ પર છે: ઝેલેન્સ્કી
તેમણે કહ્યું કે, 'ખરેખર, ઘણું બધું દાવ પર છે. મુખ્ય વાત એ છે કે આ બેઠક ન્યાયી શાંતિ તરફનો વાસ્તવિક માર્ગ ખોલે છે અને રશિયા, યુક્રેન, અમેરિકા વચ્ચે નક્કર ચર્ચા થાય.' તેમણે યુદ્ધનો અંત લાવવા માટે નક્કર પગલાં લેવા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, 'યુદ્ધનો અંત લાવવાનો સમય આવી ગયો છે અને આ માટે રશિયાએ જરૂરી પગલાં લેવા જોઈએ. અમે અમેરિકા પર વિશ્વાસ કરી રહ્યા છીએ.'
નાટોના રૂપમાં યુક્રેનને સુરક્ષા પૂરી નથી પાડી શકતા નથી: ટ્રમ્પ
ઝેલેન્સ્કી શક્ય તેટલી વહેલી તકે યુદ્ધવિરામ ઇચ્છે છે અને યુક્રેનને સુરક્ષાની ખાતરી આપવી જોઈએ. અલાસ્કા જતા પહેલા ટ્રમ્પે કહ્યું કે, 'એવી શક્યતા છે કે અમેરિકા યુરોપિયન દેશો સાથે યુક્રેનને સુરક્ષા ગેરંટી આપી શકે છે, પરંતુ નાટોના રૂપમાં આ કરી શકાતું નથી. શાંતિ કરાર હેઠળ રશિયાને જમીન આપવાનો નિર્ણય યુક્રેનિયનોએ લેવો પડશે. હું યુક્રેન માટે વાટાઘાટો કરવા આવ્યો નથી. હું તેમને વાટાઘાટોના ટેબલ પર લાવવા આવ્યો છું.'