ટ્રમ્પ-પુતિનની મુલાકાત પહેલા ઝેલેન્સ્કીનું ભારત અંગે મોટું નિવેદન, જાણો શું કહ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Zelenskyy Statement on India: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન અલાસ્કાના એક એરબેઝ પર મુલાકાત કરવાના છે, જેના પર યુક્રેન સહિત સમગ્ર વિશ્વ નજર રાખી રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદીમીર ઝેલેન્સ્કી રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધનો અંત આવે તેવી આશા રાખી રહ્યા છે. આ દરમિયાન ભારતના 79માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદીમીર ઝેલેન્સ્કીએ શુભકામનાઓ પાઠવી છે.
અમને આશા છે કે ભારત યુદ્ધનો અંત લાવવાના પ્રયાસોમાં યોગદાન આપશે: ઝેલેન્સ્કી
ઝેલેન્સ્કીએ ટ્વીટ કરીને લખ્યું કે, '...આ અઠવાડિયે મારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સારી, નિખાલસ વાતચીત થઈ હતી, જ્યારે મને આ પ્રસંગે વ્યક્તિગત રીતે શુભકામનાઓ પાઠવવાની તક મળી... અમને આશા છે કે ભારત યુદ્ધનો અંત લાવવાના પ્રયાસોમાં યોગદાન આપશે, જેથી અમારી સ્વતંત્રતા અને સાર્વભૌમત્વ ખરેખર સુરક્ષિત રહે. મને વિશ્વાસ છે કે વિજ્ઞાન, ટેકનોલોજી, વેપાર અને સંસ્કૃતિમાં પરસ્પર ફાયદાકારક યુક્રેન-ભારત સહયોગની સંભાવના આગળ છે...'
બધું જ દાવ પર લાગ્યું, આ યુદ્ધ ખતમ કરવાનો સમય: ઝેલેન્સ્કી
ટ્રમ્પ અને પુતિન વચ્ચેની મુલાકાત પહેલા ઝેલેન્સ્કીએ અન્ય એક 'X' પર પોસ્ટમાં કહ્યું હતું કે, 'અલાસ્કામાં યોજાનારી બેઠકમાં ઘણું બધું દાવ પર છે. આ સમિટ યુરોપિયન સુરક્ષા અને યુક્રેનમાં યુદ્ધની દિશાને અસર કરી શકે છે.'
ઝેલેન્સ્કીએ સુરક્ષા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી
ઝેલેન્સ્કીએ કહ્યું કે, 'તેમણે કીવમાં સુરક્ષા અધિકારીઓની બેઠક બોલાવી છે, જેમાં યુદ્ધની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. અમે રશિયન સેનાના પગપેસારો કરવાના પ્રયાસોનો સામનો કરી રહ્યા છીએ અને તેમને જે સ્થાનો પર કબજો જમાવ્યો છે ત્યાંથી દૂર કરવા દબાણ કરી રહ્યા છીએ. અમે અમારા સાથીઓને જમીની વાસ્તવિકતાથી વાકેફ કરી રહ્યા છીએ.'
બધું જ દાવ પર છે: ઝેલેન્સ્કી
તેમણે કહ્યું કે, 'ખરેખર, ઘણું બધું દાવ પર છે. મુખ્ય વાત એ છે કે આ બેઠક ન્યાયી શાંતિ તરફનો વાસ્તવિક માર્ગ ખોલે છે અને રશિયા, યુક્રેન, અમેરિકા વચ્ચે નક્કર ચર્ચા થાય.' તેમણે યુદ્ધનો અંત લાવવા માટે નક્કર પગલાં લેવા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, 'યુદ્ધનો અંત લાવવાનો સમય આવી ગયો છે અને આ માટે રશિયાએ જરૂરી પગલાં લેવા જોઈએ. અમે અમેરિકા પર વિશ્વાસ કરી રહ્યા છીએ.'
નાટોના રૂપમાં યુક્રેનને સુરક્ષા પૂરી નથી પાડી શકતા નથી: ટ્રમ્પ
ઝેલેન્સ્કી શક્ય તેટલી વહેલી તકે યુદ્ધવિરામ ઇચ્છે છે અને યુક્રેનને સુરક્ષાની ખાતરી આપવી જોઈએ. અલાસ્કા જતા પહેલા ટ્રમ્પે કહ્યું કે, 'એવી શક્યતા છે કે અમેરિકા યુરોપિયન દેશો સાથે યુક્રેનને સુરક્ષા ગેરંટી આપી શકે છે, પરંતુ નાટોના રૂપમાં આ કરી શકાતું નથી. શાંતિ કરાર હેઠળ રશિયાને જમીન આપવાનો નિર્ણય યુક્રેનિયનોએ લેવો પડશે. હું યુક્રેન માટે વાટાઘાટો કરવા આવ્યો નથી. હું તેમને વાટાઘાટોના ટેબલ પર લાવવા આવ્યો છું.'








