VIDEO : ટ્રમ્પ-પુતિન વચ્ચે ગુપ્ત ડીલ? અમેરિકન સૈન્ય વિમાનના મોસ્કોમાં રહસ્યમય લેન્ડિંગથી સસ્પેન્સ વધ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US Military Plane Lands In Moscow : અમેરિકા અને રશિયા વચ્ચેના સંબંધો હાલમાં સૌથી ખરાબ તબક્કામાં છે. રશિયાને એકલું પાડવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે(Donald Trump) ફરી એકવાર વ્લાદિમીર પુતિન(Vladimir Putin)ના ‘મિત્રો’ પર ટૅરિફનો પ્રહાર શરૂ કર્યો છે. આ તણાવભર્યા માહોલ વચ્ચે અચાનક એવી ઘટના બની છે, જેના કારણે સમગ્ર યુરોપમાં ખળભળાટ મચી ગયો છે. તાજેતરમાં અમેરિકાનું વિશાળ સૈન્ય વિમાન C-17 ગ્લોબમાસ્ટર III અચાનક મોસ્કોના વનુકોવો ઍરપૉર્ટ પર ઉતર્યું હતું. ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા અનુસાર, વિમાને લાતવિયાની રાજધાની રીગાથી ઉડાન ભરી હતી અને સીધું મોસ્કોમાં લેન્ડ થયું હતું. અમેરિકન સૈન્યનું આટલું મોટું વિમાન મોસ્કોમાં શું કરી રહ્યું હતું, તે અંગે દુનિયાભરના સંરક્ષણ નિષ્ણાતો પણ આશ્ચર્યમાં છે.
રીગાથી સીધું મોસ્કો પહોંચ્યું અમેરિકન મિલિટરી વિમાન
FlightRadar24ના આંકડા અનુસાર, આ અમેરિકન સૈન્ય વિમાને RCH4555 ફ્લાઇટ નંબર સાથે ઉડાન ભરી હતી. વિમાને મોસ્કોના સ્થાનિક સમય અનુસાર મંગળવારે સવારે લગભગ 8:50 વાગ્યે રીગા(લાતવિયા)થી ઉડાન ભરી અને લગભગ 10:04 વાગ્યે મોસ્કોના વનુકોવો ઍરપૉર્ટ પર ઉતર્યું હતું. વનુકોવો ઍરપૉર્ટનો રશિયામાં ઘણીવાર VIP અને સરકારી મિશન માટે ઉપયોગ થાય છે. વિમાનના લેન્ડિંગના સમાચાર સોશિયલ મીડિયા અને ફ્લાઇટ ટ્રેકિંગ એપ્સ પર ફેલાતાં જ લોકોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ હતી.
અમેરિકાના જોઇન્ટ બેઝ એન્ડ્ર્યૂઝથી શરૂ થઈ હતી ઉડાન
આ સમગ્ર ઘટનાની પૃષ્ઠભૂમિ પણ રસપ્રદ છે. ડેટા દર્શાવે છે કે આ જ C-17 ગ્લોબમાસ્ટર વિમાન 23 ઓગસ્ટે અમેરિકાના મેરીલેન્ડ સ્થિત ‘કેમ્પ સ્પ્રિંગ્સ’થી રીગા પહોંચ્યું હતું. કેમ્પ સ્પ્રિંગ્સ એ જ વિસ્તાર છે જ્યાં અમેરિકાનું જાણીતું ‘જોઇન્ટ બેઝ એન્ડ્ર્યૂઝ’ આવેલું છે. જોઇન્ટ બેઝ એન્ડ્ર્યૂઝનો ઉપયોગ અમેરિકી રાષ્ટ્રપ્રમુખના સત્તાવાર વિમાન ‘એર ફોર્સ વન’ ઉપરાંત અમેરિકાના ઉચ્ચ અધિકારીઓ અને રાજદ્વારી મિશનનાં વિમાનોના બેઝ તરીકે થાય છે. આવી સ્થિતિમાં આ ખાસ સ્થળેથી ઉડેલું વિમાન સીધું મોસ્કો પહોંચતાં અનેક પ્રકારની અટકળો શરૂ થઈ છે.
ક્રેમલિનની ચુપ્પી, કોઈ સત્તાવાર બેઠકની માહિતી નહીં
આ રહસ્યમય લેન્ડિંગ અંગે રશિયાના રાષ્ટ્રપ્રમુખ ભવન ‘ક્રેમલિન’ને સવાલ કરવામાં આવ્યો હતો. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે(Dmitry Peskov) સ્પષ્ટ કહ્યું કે મોસ્કોને આ અમેરિકન સૈન્ય વિમાનના આગમન અંગે કોઈ માહિતી નથી. બીજી તરફ, રશિયાના સરકારી મીડિયાએ પણ અહેવાલ આપ્યો કે આ અઠવાડિયે મોસ્કોમાં અમેરિકન પ્રશાસનના કોઈ પ્રતિનિધિ કે અધિકારી સાથે કોઈ સત્તાવાર બેઠક નક્કી કરવામાં આવી નથી. બંને દેશો તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે ન આવતાં આ ફ્લાઇટનું રહસ્ય વધુ ઘેરાયું છે.
શું છે C-17 ગ્લોબમાસ્ટર III?
C-17 ગ્લોબમાસ્ટર III અમેરિકન વાયુસેનાનું વિશાળ અને શક્તિશાળી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ ભારે સૈન્ય સાધનો, ટેન્ક, યુદ્ધ સામગ્રી અને મોટી સંખ્યામાં સૈનિકોને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવા માટે થાય છે. જોકે, તેનો ઉપયોગ માત્ર સૈન્ય સામગ્રી માટે જ થતો નથી. અમેરિકી સરકાર અને પેન્ટાગન મોટા રાજદ્વારી મિશન, દૂતાવાસ માટેની લોજિસ્ટિક સપ્લાય અથવા કટોકટીની સ્થિતિમાં પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે પણ આ વિમાનનો ઉપયોગ કરે છે.




