મેક્સિકોનાં મહિલા પ્રમુખની છેડતીનો વિડિયો વાઇરલ,સરકાર સફાળી જાગી

- મેકિસકોમાં પંદર વર્ષની દસમાંથી સાત યુવતીઓ હિંસાપીડિત
- મેક્સિકોના 32 રાજ્યોમાં હવે જાતીય સતામણી એ ગંભીર ગુનો ગણાશે જેની સજા છથી દસ વર્ષની કેદ
મેક્સિકો : મેક્સિકોમાં નશામાં ચૂર એક વ્યક્તિએ દેશની મહિલા પ્રમુખ ક્લાઉડિયા શેનબોમને જબરદસ્તીથી ચુમવાનો પ્રયાસ કરતો હોય તેવો વિડિયો વાઇરલ થતાં દેશમાં મહિલા સુરક્ષાના મામલે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવતાં સરકારે જાતીય છેડતી કરનારાઓ સામે કડક પગલાં ભરવા અને તેમને કડક સજા કરવામાં આવે તેવી યોજના તત્કાળ જાહેર કરી હતી. મહિલા બાબતોની પ્રધાન સિટલાલી હર્નાન્દેઝે પ્રમુખ શેનબોમ વતી એક રાષ્ટ્રવ્યાપી યોજના રજૂ કરી છે જેમાં જાતીય સતામણીના કેસોમાં કડક સજા કરવા સહિત મહિલા સુરક્ષાના અનેક પગલાંની જાહેરાત કરવામાં આવી છે.
પોતાના મેક્સિકોમાં મહિલા બાબતોની પ્રધાન હર્નાન્દઝે જણાવ્યું હતું કે અમે તમામ મેક્સિકન યુવતીઓને જણાવવા માંગીએ છીએ કે તમે એકલા નથી. જ્યારે પણ કોઇપણ પ્રકારની હિંસા થાય ત્યારે તેનો રિપોર્ટ કરો. આજે તમારી પાસે એક એવી પ્રમુખ છે જે તમારી સુરક્ષા કરશે.મેક્સિકોની પ્રમુખનો વિડિયો વાઇરલ થવા સાથે એવી ટિપ્પણી થવા માંડી હતી કે આ દેશમાં મહિલા પ્રમુખ બની જાય તો પણ તે સુરક્ષિત નથી. આ ઘટનાની આખા દેશમાં ચર્ચા થઇ રહી છે અને લોકો દોષીઓને કડક સજા કરવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે.
સરકારી આંકડાઓ અનુસાર મેકિસકોમાં પંદર વર્ષની દસમાંથી સાત યુવતીઓ હિંસાનો ભોગ બની ચૂકી હોય છે. આ વર્ષે જ અત્યાર સુધીમાં જાતીય સતામણીની ૨૫,૦૦૦ ફરિયાદો નોંધાવવામાં આવી છે. મેક્સિકોમાં દર રોજ સરેરાશ દસ મહિલાઓની હત્યા થાય છે. આ વર્ષના પ્રથમ છ મહિનામાં ૫૦૦થી વધારે મહિલાઓને એટલા માટે મારી નાંખવામાં આવી હતી કે તે નારી હતી.
શેનબોમની પાર્ટી મોરેનાની સાંસદ રોશિયો અબુ્રએ એક અખબારને જણાવ્યું હતું કે જે પ્રમુખ સાથે થયું તે અમારી સાથે પણ થતું આવ્યું છે. પ્રમુખ પણ અમારી જેવી મહિલા છે જેણે રાજકીય અને જાતીય હિંસાની પીડા અનુભવેલી છે. મહિલાઓ સામે હિંસાની એક આખી સાંકળ છે જેમાંથી કોઇ બાકાત નથી.
પ્રમુખની યોજનામાં મહત્વપૂર્ણ બાબત એ છે કે જાતીય હુમલાને દેશના તમામ ૩૨ રાજ્યોમાંં ગંભીર ગુનો ગણવામાં આવશે અને તેને કેન્દ્રીય કાયદા હેઠળ આવરી લેવામાં આવશે. કેન્દ્રીય કાયદા હેઠળ સગીર કે મહિલાઓ સામે જાતીય હિંસા આચરવામાં આવે તો તેને માટે છથી દસ વર્ષની જેલની સજાની જોગવાઇ છે. જો કે કેટલીક નારીવાદી નેતાઓએ આ યોજનાનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે કાયદો બદલવાથી વાસ્તવિક જીવનમાં બહું ફરક પડતો નથી. આકરી સજાની જોગવાઇથી લોકો ગુનો કરતાં ડરશે તેવી થિયરી છે જે પુરવાર થઇ નથી.

