VIDEO: અમેરિકામાં ગરબાનો ક્રેઝ, ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાનીએ પણ ખેલૈયાઓ સાથે તાલ મિલાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

New York Garba : અમેરિકામાં નવરાત્રિ પર્વની ઉજવણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં ન્યૂયોર્ક સિટીના મેયર ઝોહરાન મમદાની પણ ભારતીય સમુદાય સાથે ગરબે ઘૂમતા નજરે પડ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં તેઓ સંપૂર્ણપણે ઉત્સવના રંગમાં રંગાયેલા દેખાઈ રહ્યા છે અને સ્થાનિક ખેલૈયાઓ સાથે ગરબાના સ્ટેપ્સ મિલાવી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો તેમનો આ અંદાજ હાલ ઇન્ટરનેટ પર ભારે ચર્ચામાં છે.
ગળામાં દુપટ્ટો નાખીને ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમ્યા
ઈન્સ્ટાગ્રામ પર સામે આવેલા વીડિયોમાં મેયર મમદાની લોકોની વચ્ચે ઉત્સાહપૂર્વક ગરબા રમતા જોવા મળે છે. તેમણે ગળામાં પરંપરાગત દુપટ્ટો પહેર્યો છે અને ગરબાની ધૂન પર અન્ય લોકો સાથે તાલ મિલાવી રહ્યા છે. તેમની આસપાસ હાજર ભારતીય સમુદાયના લોકો પણ ભારે જોશ સાથે ગરબા કરી રહ્યા છે. ન્યૂયોર્કના મેયરનો આવો સરળ અને મિલનસાર અંદાજ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ તેમના ભરપૂર વખાણ કરી રહ્યા છે.
મંદિરમાં પૂજારી પાસેથી લીધા આશીર્વાદ
સોશિયલ મીડિયા પર શેર કરાયેલા અન્ય એક વીડિયોમાં મમદાની મંદિરના પૂજારી પાસેથી આશીર્વાદ લેતા પણ જોવા મળ્યા હતા. આ બંને વીડિયોમાં તેઓ ભારતીય સમુદાય સાથે નવરાત્રિની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લેતા સ્પષ્ટપણે દેખાય છે, જે અમેરિકામાં વસતા ભારતીયો સાથેના તેમના જોડાણને દર્શાવે છે.
સોશિયલ મીડિયા પર પાઠવી તહેવારોની શુભેચ્છાઓ
મેયર મમદાનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ મૂકીને નવરાત્રિ, દુર્ગા પૂજા સહિત હિન્દુ સમુદાયના વિવિધ તહેવારોની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે હિન્દુ સમુદાયની વિવિધ પરંપરાઓનો ઉલ્લેખ કરતા લખ્યું કે, આ તહેવારોની સિઝનમાં લોકો ગરબા કરે છે, માં દુર્ગાની પૂજા-અર્ચના કરે છે, સિંદૂર ખેલામાં ભાગ લે છે અને ઘરોમાં પરંપરાગત રીતે ગોલુ સજાવે છે.
વિવિધતામાં એકતાનો આપ્યો સંદેશ
તેમણે વધુમાં જણાવ્યું કે, જુદા-જુદા પરિવારો અને સમુદાયો આ તહેવારોને અલગ-અલગ નામો અને પરંપરાઓ સાથે ઉજવે છે. તેમણે દુર્ગા પૂજા, દશેરા અને નવરાત્રિનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, તહેવારનું નામ ભલે ગમે તે હોય, પરંતુ આ સમય આત્મમંથન કરવાનો અને એક નવી શરૂઆત કરવાનો છે. ઉલ્લેખનીય છે કે, ન્યૂયોર્ક સિટી સહિત સમગ્ર અમેરિકામાં હિન્દુ સંગઠનો દ્વારા નવરાત્રિ અને દુર્ગા પૂજાના ભવ્ય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં મેયરની આ ઉપસ્થિતિ આકર્ષણનું કેન્દ્ર બની છે.




