Get The App

વેનેઝુએલાનાં ઉપ-પ્રમુખ ડેલ્સી રોડ્રીગ્સે અંતરિમ પ્રમુખ તરીકેના શપથ લીધા

Updated: Jan 6th, 2026

GS TEAM

Google News
Google News
વેનેઝુએલાનાં ઉપ-પ્રમુખ ડેલ્સી રોડ્રીગ્સે અંતરિમ પ્રમુખ તરીકેના શપથ લીધા 1 - image

- વેનેઝુએલાના ગાઢ મિત્રો ચીન, રશિયા અને ઈરાને સૌથી પહેલાં અભિનંદન આપ્યાં

- ''હું ભારે હૈયે અને દર્દ સાથે આ શપથ લઈ રહી છું'' ડેલ્સી રોડ્રીગ્સે શપથ સમારંભ સમયે જાહેરમાં કહ્યું

કારાકાસ : વેનેઝુએલાનાં ઉપ-પ્રમુખ ડેલ્સી રોડ્રીગ્સની ગઈકાલે (સોમવારે સ્થાનિક સમય મુજબ) વેનેઝુએલાના અંતિરમ પ્રમુખ તરીકે શપથ લીધા હતા. તેઓને નેશનલ એસેમ્બલીના પ્રમુખ જોર્જ રોડ્રીગ્સ, સંસદની વિશેષ બેઠક બોલાવી આ શપથ લેવડાવ્યા હતા. 

પ્રમુખ નિકોલસ માદુરોનું અમેરિકાએ અપહરણ કર્યા પછી પ્રમુખપદે ઉપ-પ્રમુખ ડેલ્સી રોડ્રીગ્સને સંસદે ચૂંટી કાઢતાં આ શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. સહજ છે કે તે ઉપર શોકની છાયા પથરાયેલી દેખાતી હતી.

સી.એન.એન. જણાવે છે કે, શપથ ગ્રહણ વખતે ડેલ્સી ઘણાં જ ઉદ્વિગ્ન અને ગંભીર લાગતાં હતાં. તેઓએ જમણો હાથ ઊંચો કરી, શપથ લેતી વખતે કહ્યું, ''હું ભારે હૈયે અને દર્દ સાથે આ શપથ લઊં છું. વેનેઝુએલાની જનતાનાં હૃદય ઉપર અમેરિકાએ, પ્રમુખનું ગેરકાનૂની રીતે અપહરણ કરી ભારે કુઠારાઘાત કર્યો છે. દેશના બે હીરો (માદુરો અને તેઓનાં પત્ની)નું અપહરણ કરાયું છે.

તેઓના શપથ વિધિ પછી સૌથી પહેલાં ચીન, રશિયા અને ઈરાનના રાજદૂતોએ તેઓને અભિનંદનો આપ્યાં હતાં.

ડેલ્સી રોડ્રીગ્સનો જન્મ મે ૧૮, ૧૯૬૯ના દિવસે કારાકાસમાં થયો હતો. તેઓના પિતા જોર્જ, એન્ટોનિયો રોડ્રીગ્સે ડાબેરી ગેરીલા ફાયરટ જૂથ રીવોલ્યુશનરી લિગ સોશ્યાલિસ્ટ પાર્ટીની ૧૯૭૦માં સ્થાપના કરી હતી.

ડેલ્સી રોડ્રીગ્સ અત્યારે ૫૬ વર્ષનાં થયાં છે. તેઓએ યુનિવર્સીદાદ, સેન્ટ્રલ દ'વેનેઝુએલામાંથી કાયદાનાં સ્નાતકની પદવી મેળવી છે. છેલ્લાં ૧૦ વર્ષથી તેઓ વકીલાત ઉપરાંત સમાજ સેવા અને રાજકારણ સાથે જોડાયેલાં રહ્યાં છે. તેઓ ૧૦ વર્ષમાં જ દેશમાં ખૂબ આગળ આવી ગયાં. તેઓ ૨૦૧૩-૨૦૧૪ માં દેશનાં માહિતી અને સંચાર પ્રધાન પદે પણ હતાં. ૨૦૧૮માં તેઓ વી.પી. તરીકે પણ નિયુક્ત થયાં. તેઓ ટાઈગ્રેસ તરીકે વિખ્યાત છે. તેનું કારણ વારસામાં મળેલી પિતાની લડાયક શક્તિ છે.