Nicolas Maduro News: વેનેઝુએલાના પદભ્રષ્ટ રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરો(63 વર્ષ)ને સોમવારે (5 જાન્યુઆરી) મેનહટનની કોર્ટમાં રજૂ કરાયા હતા. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તેઓ ભૂરા રંગના કેદીના કેપડા અને જૂતામાં નજરે પડ્યા. તેઓ લંગડાતા નજરે આવી રહ્યા છે. તેમની સાથે તેમના પત્ની પણ ચાલતા જોવા મળ્યા. તેમને પણ કસ્ટડીમાં રખાયા છે. મુદારોને હેલિકોપ્ટરથી મેનહટનની કોર્ટ નજીક લવાયા અને ત્યાંથી બખ્તરબંધ વાહનમાં સ્થાનાંતરિત કરાયા.
હું સંપૂર્ણપણે નિર્દોષ છું: નિકોલસ માદુરો
વેનેઝુએલાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોએ કોર્ટમાં પોતાને દોષિત ન ગણાવ્યા. તેમણે કહ્યું, 'હું નિર્દોષ છું, હું હજુ પણ મારા દેશનો રાષ્ટ્રપ્રમુખ છું." ન્યાયાધીશ એલ્વિન હેલરસ્ટીને તેમના નિવેદન દરમિયાન તેમને અટકાવ્યા. માદુરોએ કહ્યું કે, તેમણે આરોપપત્ર જોયું છે પરંતુ તેને સંપૂર્ણપણે વાંચ્યું નથી અને તેમના વકીલ સાથે ફક્ત આંશિક રીતે ચર્ચા કરી છે.
નિકોલસ માદુરોની "દોષિત નથી" ની અરજી બાદ ન્યાયાધીશે તેમની પત્ની સિલિયા ફ્લોરેસને તેમની ઓળખ અને કાનૂની પ્રતિનિધિત્વની પુષ્ટિ કરવા કહ્યું. અનુવાદક દ્વારા બોલતા ફ્લોરેસે પણ આરોપોને નકારી કાઢ્યા. તેણે કહ્યું કે, 'હું સંપૂર્ણપણે નિર્દોષ છું.' કોર્ટે બંને અરજીઓ સત્તાવાર રેકોર્ડમાં નોંધી.
માદુરોની સુનાવણી દરમિયાન મેનહટન કોર્ટની આસપાસ સુરક્ષા વધારી દેવાઈ છે. આસપાસના વિસ્તારોમાં જબરદસ્ત રીતે બેરિકેડિંગ કરાયું છે. મુખ્ય પ્રવેશ દ્વાર પર જડબેસલાક સુરક્ષા ગોઠવી દેવાઈ છે. આ સિવાય પેટ્રોલિંગ વાળા વિસ્તારોમાં પોલીસ અધિકારીઓની તૈનાતી કરાઈ છે.
માદુરોને ન્યૂયોર્કના બ્રુકલિનની જેલમાં રખાયા છે, તેઓ લાંબા સમયથી ગંભીર અવ્યવસ્થાને લઈને ચર્ચામાં રહ્યા છે. પરિસ્થિતિ એવી રહી છે કે કેટલાક જજોએ ત્યાં આરોપીઓને મોકલવાથી ઇનકાર કર્યો છે. જોકે, આ જેલમાં સંગીતકાર આર.કેલી અને સીન ડિડી કોમ્બ્સ જેવા ચર્ચિત કેદી પણ રહી ચૂક્યા છે.


