- અમેરિકા ઇરાનની ઉગ્ર ટીકા કરે છે : કહે છે ઇરાનના સત્તાધીશો પોતાના જ લોકો ઉપર જુલ્મ ગુજારે છે
નવી દિલ્હી : દિવસે દિવસે ઇરાનની પરિસ્થિત તંગદિલી ભરેલી થતી જાય છે. ૨૮ ડિસેમ્બરથી તો જનતા, સરકાર અને તેના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલિ ખામેનીની સામે મેદાને પડયા છે. અનેક સ્થળોએ દેખાવો હિંસક બની રહ્યા છે. સલામતી દળો આ દેખાવકારોને રોકવા જબરજસ્ત બળપ્રયોગ કરી રહ્યા છે. અનેકનાં મૃત્યુ થયાં છે. અસંખ્યને ઇજાઓ થઇ છે. અનેકની ધરપકડો પણ થઇ છે.
ઇરાન-સરકારની આ ગતિવિધિનો અમેરિકાએ ઉગ્ર વિરોધ કર્યો છે અને કહ્યું છે કે જો પરિસ્થિતિ વધુ બગડશે તો અમેરિકા લશ્કરી પગલાં પણ તેની સામે લેશે.
અમેરિકાએ ઇરાન નજીક તેનો એક નૌકા કાફલો પણ ગોઠવી દીધો છે. તેનું નેતૃત્વ અમેરિકાનાં પ્રચંડ વિમાનવાહક જહાજ યુ.એસ.એસ. અબ્રહામ લિંકને લીધું છે. આ પ્રચંડ યુદ્ધ જહાજ જે દક્ષિણ ચીન સમુદ્રમાં હતું ત્યાંથી મધ્યપૂર્વમાં આવી પહોંચ્યું છે, આ દર્શાવે છે કે અમેરિકા ઇરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાની સંભાવના પણ રહેલી છે.
અબ્રહામ લિંકન સાથેનું સ્ટ્રાઇક ગુ્રપ દુનિયાનાં સૌથી પ્રબળ સ્ટ્રાઇક ગુ્રપ પૈકીનું એક માનવામાં આવે છે. આ ન્યુક્લિયર પાવર્ડ એરક્રાફ્ટ કેરીયર ૧ લાખ ટનનું ડીસ્પેસમેન્ટ ધરાવે છે. હજી સુધીમાં બંધાયેલાં વિમાન વાહક જહાજો પૈકી તે સૌથી વધુ આધુનિક અને સૌથી વધુ પ્રબળ વિમાનવાહક જહાજ છે. ૮,૦૦૦ સૈનિકો, ૭૦ યુદ્ધ વિમાનો અને સબમરીન્સના સાથ સાથેનો અબ્રહામ લિંકનનાં નેતૃત્વ નીચેનો કાફલો અત્યારે મધ્યપૂર્વમાં પહોંચતાં તંગદિલી પ્રસરી રહી છે. પ્રશ્ન તે છે કે જો ઇરાન અમેરિકા વચ્ચે યુદ્ધ ફાટી જ નીકળે તો શું થશે ?


