End of New START Treaty Raises Fears of New Nuclear Arms Race : શીતયુદ્ધના દિવસોમાં અમેરિકા અને તત્કાલીન સોવિયેત યુનિયન એકબીજાના કટ્ટર દુશ્મન હતા. આમ છતાં બંને દેશે પરમાણુ હથિયારોની બેકાબુ દોડને અટકાવવા અને શાંતિ જાળવવા માટે અનેક સંધિઓ કરી હતી. આ સંધિઓએ વિશ્વને પરમાણુ યુદ્ધના ભયમાંથી સુરક્ષિત રાખ્યું હતું. એક પછી એક કરીને એ સંધિઓ સમાપ્ત થઈ ગઈ છે. હવે એ સુરક્ષા કવચની છેલ્લી અને મહત્ત્વની કડી પણ તૂટવા જઈ રહી છે. ‘New START’ (ન્યૂ સ્ટ્રેટેજિક આર્મ્સ રિડક્શન ટ્રિટી) નામની યુએસ-રશિયા પરમાણુ સંધિ 5 ફેબ્રુઆરી 2026ના રોજ સમાપ્ત થઈ રહી છે. અત્યાર સુધી બંને દેશે યુક્રેન યુદ્ધ અને બીજા મતભેદોને કારણે નવી સંધિ માટે વાટાઘાટો શરુ કરી નથી. તેનો અર્થ એ છે કે હવે, પાંચ દાયકા બાદ અમેરિકા અને રશિયા પર, એકબીજા માટે તહેનાત પરમાણુ હથિયારોની સંખ્યા ઓછી રાખવાનું કે ઘટાડવાનું બંધન રહેશે નહીં.
New START સંધિ શું છે?
New START સંધિ એ યુનાઇટેડ સ્ટેટ્સ અને રશિયા વચ્ચેની ‘પરમાણુ શસ્ત્ર નિયંત્રણ સંધિ’ છે. પરમાણુ હરીફાઈ અંકુશમાં રહે અને વિશ્વ સુરક્ષિત રહે એ માટે 2011માં અમલમાં મૂકાયેલી આ સંધિ બંને દેશ માટે નીચે મુજબની મર્યાદા નક્કી કરતી હતી:
- એકબીજા માટે તહેનાત પરમાણુ શસ્ત્રોની મહત્તમ સંખ્યા 1,550
- ઇન્ટરકોન્ટિનેન્ટલ બૅલિસ્ટિક મિસાઇલ, સબમરીન લોન્ચ્ડ બૅલિસ્ટિક મિસાઇલ અને ભારે બોમ્બર વિમાનોની મહત્તમ સંખ્યા 700
- દરેક પક્ષને બીજા પક્ષના શસ્ત્રાગારનું નિરીક્ષણ(ઇન્સ્પેક્શન)નો અધિકાર, જેથી પરસ્પર વિશ્વાસ જળવાઈ રહે

હવે શું થશે? જાણો ત્રણ શક્યતા...
1. મુદત વધારો (Extension): રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને પ્રસ્તાવ મૂક્યો છે કે New STARTની મુદત વધુ 12 મહિના માટે વધારાય. આ એક સારો અને સરળ ઉપાય છે, જેથી બંને દેશોને સમય મળી રહે અને હથિયારોની અનિયંત્રિત હરીફાઈ તાત્કાલિક શરુ થતી અટકે. અમેરિકાએ હજુ સુધી આ પ્રસ્તાવ સ્વીકાર્યો નથી.
2. નવી વાટાઘાટો (New Negotiations): આ આદર્શ, પરંતુ જટિલ માર્ગ છે. આજની દુનિયા શીતયુદ્ધ જેવી નથી. હવે ચીન પણ મોટી પરમાણુ શક્તિ બની રહ્યું છે. અમેરિકા ઇચ્છે છે રશિયા-અમેરિકા વચ્ચે હાલમાં છે એવી ત્રિપક્ષીય સંધિ બને અને ચીન પણ એમાં જોડાય. પરંતુ ચીન તેને અવાસ્તવિક કહે છે કારણ કે તેના હથિયારોની સંખ્યા અમેરિકા અને રશિયા કરતાં ઘણી ઓછી છે. એ જ રીતે, રશિયા ઇચ્છે છે કે બ્રિટન અને ફ્રાન્સ(જે નાટોના સભ્ય છે)ના પરમાણુ હથિયારો પણ હવેથી ગણતરીમાં લેવાય, જે માટે એ બંને દેશ તૈયાર નથી.
3. સંધિનો સંપૂર્ણ અંત (Collapse)
જો કોઈ સહમતિ ન થાય, તો સંધિ સમાપ્ત થશે, જેનો અર્થ એ હોઈ શકે કે...
- શસ્ત્રોની નવી હરીફાઈ શરુ થઈ શકે છે. બંને દેશ પોતાના પરમાણુ શસ્ત્રાગારને ફરી વધારવાનું શરુ કરી શકે છે.
- પારદર્શકતા ખતમ થશે. એકબીજાના હથિયારોની નિરીક્ષણ પ્રક્રિયા બંધ થઈ જશે, જેથી શંકા અને ભૂલથી યુદ્ધ થવાનું જોખમ વધશે.
- વિશ્વના પરમાણુ હથિયારો અનિયંત્રિત થઈ જશે. પૃથ્વી પરના કુલ પરમાણુ શસ્ત્રોમાંથી 87% હથિયારો રશિયા અને અમેરિકા પાસે છે. આ બે દેશ પાસે આવા કેટલા શસ્ત્ર છે, એ આંકડાનો ખ્યાલ ન રહે, તો આખી દુનિયા માટે જોખમ વધી જશે.
નિષ્ણાતો શું કહે છે?
નિષ્ણાતોના મતે હવે નવી સંધિ બનાવવી ઘણું મુશ્કેલ છે. એક વિકલ્પ એ છે કે બંને દેશ ‘જોખમ ઘટાડવા’ (Risk Reduction) પર ધ્યાન કેન્દ્રિત કરે. ઉદાહરણ તરીકે...
- અકસ્માતે યુદ્ધ શરુ ન થાય તે માટેની કોમ્યુનિકેશન ચેનલો મજબૂત કરવી.
- એકબીજા પર અચાનક હુમલો ન કરવો તેની ખાતરી આપવી.
- હાલ ફક્ત રશિયા અને અમેરિકા પાસે જ પરમાણુ કટોકટીના સમયે વાતચીત માટેની સીધી હોટલાઇન છે. નાટો અને રશિયા વચ્ચે આવી કોઈ સીધી લાઇન નથી, જે ઝડપથી શરુ કરવી.
માનવજાતના અસ્તિત્વ માટે ચેતવણીની ઘંટડી
New START સંધિનો અંત એ આખી માનવજાત માટે ચેતવણીની ઘંટડી છે. આપણે એક એવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ જ્યાં બે મહા શક્તિ વચ્ચે પરમાણુ હથિયારો પર કોઈ નિયંત્રણ રહેશે નહીં. આનાથી નવી, ખર્ચાળ અને ભયાનક શસ્ત્રદોડ ફરી શરુ થઈ શકે છે. બંને પક્ષે રાજકારણ અને યુદ્ધથી ઉપર ઉઠીને આ અત્યંત જોખમી સ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધવો પડશે. નહીં તો પરમાણુ યુદ્ધનો ભય ફરીથી વધશે અને આખી દુનિયાની સુરક્ષા ખતરામાં આવી પડશે.


