ઈરાનમાં 5000 ટારગેટ ધ્વસ્ત, 50 ઈરાની જહાજો પણ નષ્ટ કર્યા, અમેરિકાએ VIDEO રિલીઝ કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran America War : અમેરિકન સેનાએ ઈરાન વિરુદ્ધ આક્રમક વલણ અપનાવતા 'ઓપરેશન એપિક ફ્યુરી' તેજ કરી દીધું છે. સેન્ટ્રલ કમાન્ડના અહેવાલ અનુસાર, ઓપરેશનના પ્રથમ 10 દિવસમાં ઈરાનની અંદર અંદાજે 5,000 ટાર્ગેટ પર સચોટ હુમલા કરવામાં આવ્યા છે. આ ભીષણ હુમલામાં ઈરાની નૌસેનાના 50 જેટલા જહાજોને ભારે નુકસાન પહોંચ્યું છે અથવા તો તે સંપૂર્ણપણે નષ્ટ થઇ ચુક્યાં છે.
અમેરિકાની અત્યાધુનિક શસ્ત્રોનો પ્રયોગ
CENTCOM દ્વારા જાહેર કરવામાં આવેલા એક વીડિયોમાં ભૂગર્ભ મિસાઈલ લોન્ચરને ફૂંકી મારવાની ક્ષણો કેદ થઈ છે. અમેરિકાએ આ ઓપરેશનમાં તેના સૌથી શક્તિશાળી વિમાનો અને શસ્ત્રો તૈનાત કર્યા છે, જેમાં મુખ્યત્વે B-1, B-2 સ્ટેલ્થ અને B-52 બોમ્બર્સ, F-22, F-35 અને F-18 ફાઈટર જેટ્સ, MQ-9 રીપર ડ્રોન અને લુકાસ ડ્રોન, પેટ્રિયોટ અને THAAD મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનો સમાવેશ થાય છે.
ઈરાની આર્મીની કમર તોડવી મુખ્ય લક્ષ્ય
આ હુમલાઓનું મુખ્ય લક્ષ્ય ઈરાનનું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, એર ડિફેન્સ સિસ્ટમ, બેલેસ્ટિક મિસાઈલ સાઈટ્સ અને ડ્રોન બનાવતી ફેક્ટરીઓ છે. અમેરિકાનો દાવો છે કે ઈરાનની સૈન્ય ક્ષમતાને આનાથી મોટો ફટકો પડ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના સામસામે દાવા
અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ વિજય અંગે વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે, "યુદ્ધ લગભગ પૂર્ણતાના આરે છે." ટ્રમ્પના મતે ઈરાનની નૌસેના અને એરફોર્સની શક્તિ નબળી પડી ગઈ છે અને અમેરિકા પોતાના નિર્ધારિત લક્ષ્યોથી પણ આગળ નીકળી ગયું છે.
ઈરાને હજી 6 મહિના યુદ્ધ લડવાની તૈયારી દર્શાવી
જોકે, બીજી તરફ ઈરાને આ દાવાઓને ફગાવી દીધા છે. ઈરાનના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે, જ્યાં સુધી હુમલા ચાલુ રહેશે ત્યાં સુધી ડિપ્લોમસીને કોઈ સ્થાન નથી. ઈરાનના અધિકારીઓએ જણાવ્યું કે તેઓ લાંબા ગાળાના સંઘર્ષ માટે તૈયાર છે અને ઇઝરાયલ તથા અમેરિકા સામે ઝૂકશે નહીં.
વૈશ્વિક અસરો
આ યુદ્ધને કારણે હોર્મુઝની સામુદ્રધુનીમાં શિપિંગ સેવાઓ ઠપ થઈ ગઈ છે, જેની સીધી અસર કાચા તેલના ભાવ અને વૈશ્વિક સપ્લાય ચેઈન પર પડી રહી છે. ભારત સહિતના દેશો આ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.
શું છે હથિયારની ખાસિયત
B-1 લેન્સર: સુપરસોનિક ઝડપ ધરાવતું આ વિમાન મોટા પ્રમાણમાં પરંપરાગત હથિયારો લઈ જવા માટે જાણીતું છે.
B-2 સ્પિરિટ: આ એક 'સ્ટેલ્થ' બોમ્બર છે, જે રડારમાં પકડાયા વિના દુશ્મન દેશમાં અંદર સુધી ઘૂસીને હુમલો કરી શકે છે.
B-52 સ્ટ્રેટોફોર્ટ્રેસ: દાયકાઓથી સેવામાં રહેલું આ વિશાળ વિમાન પરમાણુ અને પરંપરાગત એમ બંને પ્રકારના હુમલા કરવા સક્ષમ છે.
અમેરિકાના અત્યાધુનિક ફાઈટર જેટ્સ છે
F-22 રેપ્ટર: વિશ્વનું સૌથી શ્રેષ્ઠ 'એર સુપિરિયોરિટી' ફાઈટર, જે રડારમાં પકડાયા વિના દુશ્મન વિમાનોને હવામાં જ તોડી પાડવા માટે જાણીતું છે.
F-35 લાઈટનિંગ II: આ મલ્ટી-રોલ સ્ટેલ્થ જેટ છે, જે જમીન અને હવા બંને પર હુમલો કરવામાં અને જાસૂસી કરવામાં માહિર છે.
F/A-18 સુપર હોર્નેટ: નૌસેનાનું મુખ્ય વિમાન, જે એરક્રાફ્ટ કેરિયર પરથી ઉડાન ભરીને યુદ્ધ જહાજો અને જમીની લક્ષ્યો પર સચોટ પ્રહાર કરે છે.
અમેરિકાની અત્યાધુનિક ડ્રોન અને ડિફેન્સ સિસ્ટમ્સ
MQ-9 રીપર: લાંબા સમય સુધી હવામાં રહીને સચોટ મિસાઈલ હુમલા અને જાસૂસી કરવા માટે જાણીતું 'હન્ટર-કિલર' ડ્રોન છે.
LUCAS ડ્રોન: આ એઆઈ-સંચાલિત (AI) આધુનિક ડ્રોન છે, જે જટિલ મિશન અને સર્વેલન્સ માટે વપરાય છે.
પેટ્રિયોટ: દુશ્મન વિમાનો અને મિસાઈલોને હવામાં જ તોડી પાડતી અત્યંત વિશ્વસનીય એર ડિફેન્સ સિસ્ટમ.
THAAD: વધુ ઊંચાઈ પર આવતી બેલેસ્ટિક મિસાઈલોને તોડી પાડવા માટેની આધુનિક શિલ્ડ સિસ્ટમ છે.









