૩૦.૫૧ ટ્રિલિયન સાથે અમેરિકા વિશ્વની નંબર વન ઇકોનોમિ, ચીન બીજા અને જર્મની ત્રીજા ક્રમે
યુએસના ઇયું પરના ૧૫ ટકા ટેરિફથી જર્મનીને ફટકો પડશે
અમેરિકા પછી ચીન ૧૯.૨૩ ટ્રિલિયન સાથે ચીન સૌથી નજીકનું હરિફ
ન્યૂયોર્ક,૩૧ જુલાઇ,૨૦૨૫,ગુરુવાર
અમેરિકાએ ભારત પર ૨૫ ટકા ટેરિફ લાગું પાડવાની જાહેરાત કરી છે એટલું જ નહી દેશની ઇકોનોમીને નબળી ગણાવતા વિવાદ સર્જાયો છે પરંતુ અર્થશાસ્ત્રીઓના મત અનુસાર ભારત વિકાસ પાંમી રહેલું અર્થતંત્ર છે. ફોર્બ્સ મેગેઝીન અનુસાર અમેરિકા હજુ પણ ૩૦.૫૧ ટ્રિલિયન સાથે વિશ્વની નંબર વન ઇકોનોમિ ધરાવે છે.
અમેરિકા પછી ચીન ૧૯.૨૩ ટ્રિલિયન સાથે દુનિયાની બીજી જયારે જર્મની ૪.૭૪ ટ્રિલિયન સાથે ત્રીજા સ્થાને છે. ભારતની વાત કરીએ તો ૪.૧૯ ટ્રિલિયન સાથે દુનિયાની ચોથા ક્રમની ઇકોનોમિ છે. આંતરરાષ્ટ્રીય મુદ્વા કોષ (આઇએમએફ) તાજેતરમાં ભારતના આર્થિક વિકાસ દરના અનુમાનને હાલમાં વધાર્યુ છે. ૨૦૨૫-૨૬માં ભારતની અર્થ વ્યવસ્થા ૬.૪ ટકાના દરથી વધશે તેવું અનુમાન છે. ચીનની ઇકોનોમિ ૨૦૨૫માં ૪.૮ ટકા જયારે ૨૦૨૬માં ૪.૨ ટકાના દરથી વધવાની શકયતા છે. જયારે અમેરિકાની ઇકોનોમિ ૨૦૨૫માં ૧.૯ ટકા જયારે ૨૦૨૬માં ૨ ટકાના દરથી વધશે તેવી ધારણા છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દુનિયામાં ટેરિફ પોલિટિકસ રમી રહયા છે. તેની માત્ર ભારત જ નહી ઓછા વત્તા પ્રમાણમાં વિશ્વના દરેક દેશ પર અસર પડશે. અમેરિકા જર્મનીનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે છેલ્લા વર્ષમાં બંને વચ્ચે ૨૭૮ અબજ ડોલરનો વેપાર થયો હતો. અમેરિકાએ યુરોપિયન યુનિયન પર ૧૫ ટકા ટેરિફ લગાવ્યું છે પરંતુ જાણકારોનું માનવું છે કે ટેરિફની સૌથી વધુ અસર જર્મની પર પડશે. આથી જર્મનીનું અર્થતંત્ર સંઘર્ષની સ્થિતિ અનુભવે તેવી શકયતા છે. એ પછીના વર્ષે ફિસ્કલ સ્ટીમ્યૂલસના કારણે ઇકોનોમીમાં ઝડપ આવી શકે છે.