World

નાઇજીરિયામાં જો ખ્રિસ્તીઓની હત્યાઓ નહીં અટકે તો અમેરિકા હુમલા કરશે : ડોનાલ્ડ ટ્રમ્પે આપેલી ચેતવણી

By GS TEAM
2 Nov 20252 mins read
નાઇજીરિયામાં જો ખ્રિસ્તીઓની હત્યાઓ નહીં અટકે તો અમેરિકા હુમલા કરશે : ડોનાલ્ડ ટ્રમ્પે આપેલી ચેતવણી

નાઇજીરિયાના દક્ષિણ સમુદ્ર તટ પર ખ્રિસ્તીઓ વસે છે ઉત્તરના વિશાળ વિસ્તારમાં મુસ્લીમ બહુમતી છે ત્યાંથી દક્ષિણમાં હુમલાઓ થતા રહે છે ઃ સરકાર નિષ્ફળ રહી છે

વોશિંગ્ટન: ઈસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા નાઇજીરિયામાં ખ્રિસ્તીઓની શ્રેણીબદ્ધ હત્યાઓથી ગુસ્સે ભરાયેલા પ્રમુખ ટ્રમ્પે સીધી જ ધમકી આપતાં કહ્યું છે કે, 'જો નાઇજીરિયાની સરકાર આ હત્યાઓ રોકી ન શકે તેમ હોય તો, અમેરિકા તેને અપાતી સહાય બંધ કરી દેશે તેટલું જ નહીં પરંતુ નાઇજીરિયામાં રહેલા ઈસ્લામિક કટ્ટરપંથીઓના અડ્ડાઓ ઉપર બોમ્બમારો શરૂ કરી દેશે અને પછી અમેરિકાની સેના તે કટ્ટરપંથીઓને ખતમ કરી નાખશે. મેં યુદ્ધ વિભાગને તૈયારીઓ કરવાનો આદેશ આપી દીધો છે અને જે હુમલા થશે તે પ્રચંડ વિનાશકારી હશે.''

પ્રમુખ ટ્રમ્પે તેઓના ટ્રૂથ સોશ્યલ એકાઉન્ટ પરના પોસ્ટમાં લખ્યું કે, જો નાઇજીરિયાની સરકાર આ હુમલા બંધ નહીં કરાવે તો અમેરિકા નાઇજીરિયાને અપાતી તમામ સહાય તુર્તજ બંધ કરી દેશે. તેવું પણ બની શકે કે ગોળીઓ વરસાવી ઈસ્લામી આતંકીઓને સાફ કરી નાખે. મેં યુદ્ધ વિભાગને તૈયારીઓ કરવાનો હુકમ આપી જ દીધો છે. તેથી નાઇજીરિયા સરકાર વહેલામાં વહેલી તકે કાર્યવાહી કરે.

જોકે ટ્રમ્પે આ પૂર્વે માત્ર ચેતવણી જ આપી હતી ત્યારે નાઇજીરિયાના પ્રમુખ ટીન બુએ ઘટતું કરવાની પ્રમુખ ટ્રમ્પને ખાતરી પણ આપી હતી છતાં આ હુમલા ચાલુ રહ્યા છે. તેથી ટ્રમ્પ ધૂંધવાયા છે.

બીજી તરફ નાઈજીરિયાના સૂચના મંત્રી મોહમ્મદ ઈદ્રીસ તો તેમ જ કહે છે કે, ટ્રમ્પનો તે દાવો ભ્રામક અને પાયાવિહોણો છે. ટ્રમ્પ તે કથનને સ્વીકાર્ય ગણતા નથી તેઓ ખ્રિસ્તીઓની ઉપર જુલ્મો કરવા માટે અને તેમના પ્રીસ્ટસ્ તથા અન્ય અગ્રણીઓની હત્યા માટે ઈસ્લામવાદીઓને દોષિત ઠરાવે છે. તેમણે બે સંધીય સાંસદો રીલે મૂર અને ટોમ કોલને આ અંગે નાઇજીરિયા જઈ તપાસ કરવા કહ્યું છે અને જલ્દીમાંથી જલ્દી તપાસનો અહેવાલ આપવા જણાવ્યું છે.