ભારત આતંકીઓ સામે કાર્યવાહી કરે પણ યુદ્ધ ન ભડકે એનું ધ્યાન રાખે: અમેરિકન ઉપપ્રમુખ જેડી વેન્સ
Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર કરીને 26 પ્રવાસીઓને નિર્મમ હત્યા કરી હતી. આ ઘટના અંગે અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે કહ્યું કે, 'ભારતે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો જવાબ એવી રીતે આપવો જોઈએ કે તેનાથી યુદ્ધ ન ભડકે.' આ ઉપરાંત તેમણે એવી પણ આશા વ્યક્ત કરી કે પાકિસ્તાન ભારતને સહયોગ કરશે.
પાકિસ્તાનમાંથી આતંકીઓનો ખાત્મો કરી શકાય
પત્રકાર પરિષદમાં પહેલગામ હુમલા પર પ્રતિક્રિયા આપતા અમેરિકન ઉપપ્રમુખ જેડી વેન્સે કહ્યું કે, 'અમને આશા છે કે ભારત આ આતંકી હુમલાનો જવાબ એવી રીતે આપશે કે તેનાથી વ્યાપક પ્રાદેશિક યુદ્ધ ન થાય. અમને એવી પણ આશા છે કે પાકિસ્તાન જો તે કોઈપણ રીતે જવાબદાર હોય, તો આતંકીઓને પકડવામાં અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં ભારતને સહયોગ કરશે.'
હુમલા સમયે જેડી વેન્સ પરિવાર ભારતની મુલાકાતે હતા
અહેવાલો અનુસાર, આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પહલગામ આતંકી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઝડપથી વધી રહ્યો છે. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, અને તેને 2019ના પુલવામા હુમલા પછીનો સૌથી મોટો આતંકી હુમલો માનવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, હુમલા સમયે જેડી વેન્સ પરિવાર ચાર દિવસની ભારતની મુલાકાતે હતા.
આ પણ વાંચો: જૈસલમેરથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ, ISIને સૈન્ય સંબંધિત સીક્રેટ લીક કરવાનો આરોપ
ઉલ્લેખનીય છે કે, પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોએ બુધવારે ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે ફોન પર વાત કરી હતી. તેમણે પાકિસ્તાની અધિકારીઓને તપાસમાં સહયોગ કરવા અને તણાવ ઘટાડવા માટે કામ કરવા જણાવ્યું હતું.