| (IMAGE - IANS) |
US-UK Seize Russian Oil Tanker: ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં રશિયન ધ્વજ ધરાવતા ઓઈલ ટેન્કર 'Bella 1'ને જપ્ત કરવાની અમેરિકાની કાર્યવાહીએ વૈશ્વિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. આ ઓપરેશનમાં બ્રિટને અમેરિકાને સંપૂર્ણ સૈન્ય સમર્થન પૂરું પાડ્યું છે, જેના કારણે રશિયા રોષે ભરાયું છે.
બ્રિટનનું ઓપરેશનલ સપોર્ટ
બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયે સત્તાવાર પુષ્ટિ કરી છે કે આ સૈન્ય સહયોગ અમેરિકાના વિશેષ અનુરોધ પર અને આંતરરાષ્ટ્રીય કાયદાની મર્યાદામાં રહીને પૂરો પાડવામાં આવ્યો હતો. આ ઓપરેશન દરમિયાન યુકેની રોયલ નેવીનું જહાજ RFA Tideforce અમેરિકન દળોને સતત ઓપરેશનલ સપોર્ટ આપી રહ્યું હતું, જ્યારે બ્રિટિશ રોયલ એરફોર્સ(RAF)એ સમગ્ર વિસ્તારમાં હવાઈ દેખરેખ રાખીને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત, બ્રિટને અમેરિકી સૈન્ય સંસાધનો માટે જરૂરી બેઝિંગ સુવિધાઓ અને લોજિસ્ટિક્સ સહાય પણ પૂરી પાડી હતી, જેનાથી આ મિશનને સફળતાપૂર્વક પાર પાડી શકાયું.
ક્યાં અને કેવી રીતે થઈ કાર્યવાહી?
અમેરિકન યુરોપિયન કમાન્ડના જણાવ્યા અનુસાર, આ ટેન્કરને સ્કોટલેન્ડ અને આઇસલેન્ડ વચ્ચેના આંતરરાષ્ટ્રીય જળસીમામાં રોકવામાં આવ્યું હતું. યુએસ કોસ્ટ ગાર્ડ આ જહાજનો અઠવાડિયાથી પીછો કરી રહ્યું હતું. વેનેઝુએલા સાથે જોડાયેલી કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે આ જહાજ લાંબા સમયથી અમેરિકન એજન્સીઓના રડાર પર હતું.
રશિયાનો વળતો પ્રહાર: 'આ દરિયાઈ લૂંટફાટ છે'
આ કાર્યવાહીના જવાબમાં મોસ્કોએ આકરી પ્રતિક્રિયા આપી છે. રશિયાના પરિવહન મંત્રાલયે નિવેદન આપ્યું છે કે કોઈ પણ દેશને બીજા દેશના રજિસ્ટર્ડ જહાજ પર બળપ્રયોગ કરવાનો અધિકાર નથી. રશિયન નેતાઓએ આ ઘટનાને આંતરરાષ્ટ્રીય સમુદ્રી કાયદાનું ઉલ્લંઘન અને ખુલ્લેઆમ 'પાયરસી'(દરિયાઈ ડકૈતી) ગણાવી છે.
20 લાખ બેરલ ક્રૂડ ઓઈલ અને પ્રતિબંધો
ડેટા એનાલિટિક્સ ફર્મના રિપોર્ટ મુજબ, આ ટેન્કરમાં આશરે 20 લાખ બેરલ કાચું તેલ ભરેલું હતું, જે વેનેઝુએલાનું હોવાનું મનાય છે. વ્હાઇટ હાઉસનું કહેવું છે કે આ ટેન્કર અમેરિકન પ્રતિબંધોનું ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હતું.
ક્રૂ મેમ્બર્સ પર ચાલશે કેસ?
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે સંકેત આપ્યા છે કે જપ્ત કરાયેલા જહાજના ક્રૂ મેમ્બર્સ પર અમેરિકન કાયદા હેઠળ કેસ ચલાવવામાં આવી શકે છે. જો જરૂર પડશે તો તેમને ટ્રાયલ માટે અમેરિકા પણ લાવવામાં આવશે.


