ટ્રમ્પ દ્વારા ઈટાલિયન પાસ્તા પર 107 ટેરિફ ઝીંકવાની ધમકીથી ફૂડ ઈન્ડસ્ટ્રીમાં ચિંતા ફેલાઈ

Donald Trump and Tariff News : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકન ફેડરલ સરકારે ઈટાલિયન પાસ્તાની આયાત પર 107 ટકાની ભારે ટેરિફ લાદવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે જેના કારણે ઈટાલીના ખાદ્ય ઉદ્યોગમાં ભારે ચિંતા ફેલાઈ છે. ટેરિફમાં વધારાની ભલામણ વાણિજ્ય વિભાગની એક સમીક્ષા પછી કરાઈ છે જેમાં આરોપ લગાવાયો છે કે ઈટાલિયન પાસ્તા ઉત્પાદક અમેરિકી પ્રતિસ્પર્ધીઓને પરાસ્ત કરવા અનુચિત રીતે ઓછી કિંમતે ઉત્પાદ નિકાસ કરી રહ્યા છે. અમેરિકા ઈટાલી પછી બીજો સૌથી મોટો પાસ્તા નિર્યાત કરનાર દેશ હોવાથી આ પ્રસ્તાવિત ટેરિફ ટ્રાન્સ એટલાન્ટિક વેપારને વિક્ષેપિત કરી શકે છે અને અમેરિકન ઉપભોક્તાઓ માટે કિંમતોમાં ઝડપી વધારો થઈ શકે છે.
આ વિવાદ 2024માં ત્યારે શરૂ થયો જ્યારે મિઝોરી સ્થિત પાસ્તા ઉત્પાદક 8મી એવેન્યુ ફૂડ એન્ડ પ્રોવિઝન્સે ઈટાલિયન ઉત્પાદકો પર ખર્ચ કરતા ઓછી કિંમતે પાસ્તા વેંચવાનો આરોપ કરતી ફરિયાદ કરી હતી. વાણિજ્ય વિભાગે ઈટાલીના બે સૌથી મોટા નિકાસકારોની તપાસ કરી હતી અને તારણ કાઢ્યું હતું કે સ્થાનિક બજાર દર અથવા ઉત્પાદન ખર્ચ કરતા ઓછી કિંમતે કરાતું વેચાણ ડમ્પિંગ ગણાશે. વ્હાઈટ હાઉસના પ્રવક્તા કુશ દેસાઈના જણાવ્યા અનુસાર અમેરિકી પ્રશાસન તરફથી અનેક ચેતવણીઓ છતાં ઈટાલિયન કંપનીઓ વારંવાર તેમના સબમિશનમાં ભૂલો સુધારવામાં નિષ્ફળ ગઈ હતી જેના કારણે વાણિજ્યને દંડાત્મક ટેરિફ લાગુ કરવાની જરૂર જણાઈ.
નવી ટેરિફ અમલમાં મુકાશે તો 92 ટકા નવી ડયુટી, તમામ યુરોપિયન આયાત પર અગાઉના 15 ટકા ટેરિફ સાથે ઓછામાં ઓછા 13 ઈટાલિયન પાસ્તા ઉત્પાદકોને અસર કરી શકે છે. ઈટાલી અમેરિકામાં લગભગ 4.65 અબજ ડોલરના માલની નિકાસ કરે છે, જેમાં સ્પગેટી,રિગાટોની અને ટોર્ટોલિની જેવી પાસ્તાની જાતોનો નોંધપાત્ર હિસ્સો છે. નિકાસ હબ તરીકે અમેરિકાના મહત્વને ધ્યાનમાં રાખીને અચાનક ટેરિફના ભયે ઈટાલિયન બજારો અસ્થિર બન્યા છે.
બીજી તરફ અમેરિકી નિકાસકારો પણ એટલા જ ચિંતિત છે. ફિલેડેફિયામાં ક્લાઉડિયો સ્પેશિયાલિટી ફૂડના માલિક સાલ ઓરીએમાંએ ચેતવણી આપી છે કે જો છૂટક કિંમતો બમણાથી વધુ થશે તો ઈટાલિયન પાસ્તા માટેનું અમેરિકી બજાર ભારે સંકોચાઈ જશે. પાસ્તાને મૂળભૂત ખાદ્ય પદાર્થ ગણાવતા તેમણે સરકાર દ્વારા આટલા નાના છતાં આવશ્યક ક્ષેત્રને લક્ષ્ય બનાવવા બદલી ટીકા કરી.
ચિંતામાં વધારો કરતા પ્રસ્તાવિત ટેરિફ બાર મહિના અગાઉ જૂન 2024થી થયેલી આયાત પર પૂર્વવર્તી અસરથી લાગુ પડશે. ઈટાલીની સરકાર યુરોપિયન કમિશન સાથે સંકલન કરીને રાજદ્વારી અને કાનૂની પ્રતિસાદની તૈયારી કરી રહી છે. ઈયુ ટ્રેડ કમિશનર મારોસ સેફકોવિકે અમેરિકાની ટેરિફની દરખાસ્તને અસ્વીકાર્ય ગણાવતા જણાવ્યું કે તેની પાસે આ પગલાના સમર્થનમાં પૂરતા પુરાવા નથી. યુનિયન ઈટાલિયાના ફૂડના માર્ઘેરિટા માસ્ટ્રોમોરો સહિત ઈટાલિના ઉદ્યોગના નેતાઓએ ઈટાલિયન પાસ્તા પહેલેથી જ અમેરિકામાં બનાવેલા ઉત્પાદનો કરતા વધુ ભાવે વેંચાતા હોવાનું જણાવીને ડમ્પિંગના આરોપો ફગાવી દીધા છે.

