US Bar Mass Shooting: અમેરિકાના સાઉથ કેરોલિનામાં એક ભીડભાડવાળા બારમાં ગોળીબાર થયો છે. જેમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે 20 થી વધુ ઘાયલ થયા છે.
રવિવારે વહેલી સવારે સેન્ટ હેલેનામાં વિલીના બાર એન્ડ ગ્રીલમાં ગોળીબાર થયો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "જ્યારે અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્યાં ભારે ભીડ હતી. ગોળીબાર થતા અનેક લોકો ઘાયલ થયા હતા. લોકો ગોળીઓથી બચવા માટે નજીકની દુકાનો અને ઘરોમાં દોડી ગયા હતા."
પોલીસે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, "આ દરેક માટે ખૂબ જ દુઃખદ અને મુશ્કેલ ઘટના છે. અમે તપાસ કરી રહ્યા છીએ. લોકોને ધીરજ રાખવા વિનંતી કરીએ છીએ. અમારી સંવેદનાઓ તમામ પીડિતો અને તેમના પ્રિયજનો સાથે છે."
અમેરિકામાં ગઈકાલે પણ થયો હતો ગોળીબાર, મિસિસિપીની શાળામાં 4ના થયા હતા મોત
અમેરિકાના મિસિસિપીમાં એક હાઇસ્કૂલમાં ગઈકાલે ગોળીબારની ઘટના બની હતી. જેમાં ચાર લોકોના મોત થયા હતા અને 12 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં ચાર ઈજાગ્રસ્ત લોકોને હેલિકોપ્ટર દ્વારા સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક મેયરએ જણાવ્યું હતું કે, 'સમગ્ર ઘટના મામલે તપાસ ચાલી રહી છે. ગોળીબાર મધ્યરાત્રિની આસપાસ થયો હતો, અને ચાર ઈજાગ્રસ્તને એરલિફ્ટ કરીને સ્થાનિક હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.'
મિસિસિપીના સેનેટર ડેરિક સિમન્સે જણાવ્યું હતું કે, 'ગોળીબારમાં ચાર લોકોના મોત નીજપ્યા છે, જ્યારે એક ડઝનથી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. કુલ 20 લોકોને ગોળીઓ વાગી હતી. મૃતકોની હજુ સુધી ઓળખ થઈ નથી.'
મિસિસિપી ડિપાર્ટમેન્ટ ઓફ પોલીસ (MDPS)ના પ્રવક્તા બેલી માર્ટિને જણાવ્યું હતું કે, 'મિસિસિપી બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (MBI) લેલેન્ડ પોલીસ તપાસમાં મદદ કરશે. ગોળીબાર 4,000ની વસ્તી ધરાવતા વોશિંગ્ટન કાઉન્ટીના મિસિસિપીમાં થયો હતો.'


