World

યુ.એસ. શટડાઉન 4થા સપ્તાહમાં પ્રવેશે છે : કામદારો અને સૈનિકોનાં કુટુમ્બીઓ 'ફૂડ બેંક' બહાર કતાર લગાવે છે

By GS TEAM
25 Oct 20252 mins read
યુ.એસ. શટડાઉન 4થા સપ્તાહમાં પ્રવેશે છે : કામદારો અને સૈનિકોનાં કુટુમ્બીઓ 'ફૂડ બેંક' બહાર કતાર લગાવે છે

- અહો, વિશ્વના સૌથી શ્રીમંત દેશમાં ફૂડ માટે કતારો

- કેલિફોર્નિયા, મેરીલેન્ડ, એરિઝોના અને ટેક્ષાસ સહિત અન્ય રાજ્યોમાં આગામી મહિને 'ફૂડ-એઈડ' નહીં મળે તેવી ભીતિ ફેલાઈ રહી છે

ન્યૂયોર્ક : અમેરિકામાં શટ-ડાઉન શુક્રવારે ૪થા સપ્તાહમાં પ્રવેશ્યું છે ત્યારે પગાર વિનાના ફેડરલ વર્કર્સ જેમાં સૈનિકોનાં કુટુમ્બીજનો પણ સમાવિષ્ટ છે. તેઓ 'ફૂડ-બેન્ક' સામે લાંબી કતારોમાં ઉભેલા દેખાતા હતા. આ પરિસ્થિતિ માત્ર એક બે રાજ્યોમાં જ નહીં પરંતુ કેલિફોર્નિયા, મેરીલેન્ડ, ટેક્ષાસ અને એરિઝોના સહિત બીજા કેટલાંયે રાજ્યોમાં જોવા મળી છે.

વિધિની વક્રતા તે છે કે વિશ્વનાં સૌથી શ્રીમંત રાષ્ટ્રમાં અમેરિકન્સ, 'ફ્રી-મીલ્સ' (નિ:શુલ્ક ભોજન) માટે લોકો કતારો લગાવી રહ્યા છે. કારણ કે તેઓને ભીતિ છે કે, આગામી મહિનાથી તો કદાચ આ પણ નહીં મળે.

અનેક સોશ્યલ મીડીયા ઉપર આ લાંબી કતારો જોવા મળતી હતી. એવો અંદાજ મળ્યો છે કે, ઓછામાં ઓછા ૪ કરોડ ૧૦ લાખ અમેરિકન્સ તો 'સપ્લીમેન્ટલ ન્યુટ્રિશ્યન આસિસ્ટન્સ પ્રોગ્રામ'' (એસ.એન.એ.પી.) ઉપર નિર્ભર છે. તે અંગેના વિડીયો હવે વાયરલ થઈ રહ્યાં છે. જેમાં મીનેસોટા, કેલિફોર્નિયા, પેન્સિલવાનિયા, મેરીલેન્ડ જેવા રાજ્યોમાં લાંબી કતારો દેખાઈ રહી છે.

સોશ્યલ મીડીયા પર ઘણાએ જણાવ્યું હતું કે ફેડરલ ગવર્નમેન્ટનું 'શટડાઉન' ચાલુ રહેતાં ૭ લાખ જેટલા ફેડરલ વર્કર્સ પડતા મુકાયા છે. લગભગ તેટલા જ પગાર વિના કામ કરે છે. મિનેસોટા, કેલિફોર્નિયા, પેન્સીલવાનિયા અને ટેક્સાસ સહિત ઘણાં રાજ્યોમાં લોકો આશંક્તિ બની ગયા છે કે, આગામી મહીને આ 'અન્ન સહાય' ચાલુ રહેશે કે કેમ ?

દરમિયાન અર્થશાસ્ત્રીઓ કહે છે કે, જો 'શટ-ડાઉન' ચાલુ રહેશે તો અમેરિકાના આર્થિક વિકાસ ઉપર તેની સીધી અસર પડશે. તેઓ કહે છે કે, શટ-ડાઉન ચાલુ રહેતાં દર સપ્તાહે અમેરિકાના આર્થિક વિકાસમાં ૦.૧ થી ૦.૨ અંકની પીછેહઠ થઈ રહી છે.