World

અમેરિકા ક્રુડની ખરીદી મુદ્દે દબાણ બંધ કરે, ભારત અપમાન સહન નહીં કરે : પુતિન

By GS TEAM
4 Oct 20253 mins read
અમેરિકા ક્રુડની ખરીદી મુદ્દે દબાણ બંધ કરે, ભારત અપમાન સહન નહીં કરે : પુતિન

- ભારત સાથે વેપાર ખાધ સરભર કરવા રશિયન પ્રમુખનો તંત્રને આદેશ

- વડાપ્રધાન મોદી બુદ્ધિશાળી નેતા, ભારતને નુકસાન થાય તેવા પગલાં ક્યારેય નહીં લે : પુતિન

મોસ્કો : રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને ડિસેમ્બરમાં ભારત પ્રવાસ પહેલાં અમેરિકાના દબાણ સામે પણ રશિયા અને ભારતના સંબંધો જળવાઈ રહ્યા હોવાની બાબત પર ભાર મૂક્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભરપેટ પ્રશંસા કરતા તેમને બુદ્ધિશાળી નેતા ગણાવ્યા હતા. પુતિને રશિયન ક્રૂડ ઓઈલની ખરીદી મુદ્દે ભારત પર દબાણ નહીં કરવા અમેરિકાને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું, ભારત ક્યારેય કોઈનું અપમાન સહન નહીં કરે. સાથે જ પુતિને પોતાના તંત્રને ભારત સાથેની વેપાર ખાધ સરભર કરવા નિર્દેશ આપ્યો હતો.

રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને બ્લેક સીના રિસોર્ટ શહેર સોચીમાં આયોજિત વલદાઈ ડિસ્કશન ગુ્રપમાં ભાગ લીધો હતો. પ્રમુખ પુતિને કહ્યું, ભારત જેવો દેશ પોતાના નેતૃત્વના નિર્ણય પર નજીકથી નજર રાખે છે અને ક્યારેય પણ કોઈની સામે અપમાનજનક સ્થિતિ સ્વીકાર નહીં કરે. મારું માનવું છે કે ભારત અને રશિયાના લોકો બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોને નહીં ભૂલી શકે. લગભગ ૧૫ વર્ષ પહેલાં બંને દેશોએ વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી.

વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતા પુતિને કહ્યું કે, પીએમ મોદી હંમેશા પોતાના દેશ અંગે સૌથી પહેલા વિચારે છે. તેઓ ખૂબ જ બુદ્ધિશાળી નેતા છે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓળખું છું. તેઓ પોતે ક્યારેય એવું કોઈ પગલું નહીં ભરે, જેનાથી તેમના દેશને નુકસાન જાય.

પુતિને સ્પષ્ટ કહ્યું કે, રશિયા પાસેથી ક્રુડ ઓઈલની ખરીદીનો ભારતનો નિર્ણય પૂર્ણત: આર્થિક દૃષ્ટિએ લેવામાં આવ્યો છે. તેને રાજકારણ સાથે કોઈ સંબંધ નથી. ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ના ખરીદે તો તેને ઘણું નુકસાન થઈ શકે છે અને નુકસાનના આ અંદાજો પણ જુદા જુદા છે. કોઈ કહે છે કે તેનાથી ભારતને ૮થી ૧૦ અબજ ડૉલર થઈ શકે છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપ, ભારત અને ચીનને યુર્કેરન યુદ્ધને રોકવા માટે રશિયા પાસેથિ ક્રૂડ ઓઈલ અને ઊર્જાના સ્રોતોની ખરીદી બંધ કરવા હાકલ કરી છે તેવા સમયે પુતિને આ નિવેદન કર્યું છે.

રશિયન પ્રમુખે ચેતવણી આપી હતી કે રશિયાના ઊર્જા પૂરવઠામાં કાપ થશે તો વૈશ્વિક અર્થતંત્ર ગંભીર સંકટમાં મૂકાશે અને ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ ૧૦૦ ડોલરને પાર થઈ શકે છે. ભારત સાથે વેપાર અને પેમેન્ટ સંબંધિત સમસ્યાઓનું સમાધાન બ્રિક્સ મંચ અથવા અન્ય ચેનલો મારફત કરી શકાય છે.

પ્રમુખ પુતિને તેમના તંત્રને ભારત સાથે વેપાર ખાધ ઘટાડવા માટે પણ નિર્દેશ આપ્યા છે. પુતિને નવી દિલ્હી સાથે વેપાર અસંતુલન દૂર કરવા માટે ભારત પાસેથી કૃષિ ઉત્પાદનો અને દવાઓ વધુ પ્રમાણમાં ખરીદવા માટે તેમના તંત્રને નિર્દેશ આપ્યો હતો. પુતિને નોંધ્યું હતું કે, ભારત અને રશિયા વચ્ચે આર્થિક સહકાર માટે વ્યાપક સંભાવનાઓ છે, પરંતુ આ તકોનો પૂર્ણરૂપે ઉપયોગ કરવા માટે ચોક્કસ મુદ્દાઓનો ઉકેલ લાવવો જરૂરી છે. બંને દેશોના દ્વિપક્ષીય વેપારની સરખામણી કરતાં પુતિને કહ્યું કે, રશિયા અને ભારત વચ્ચે ૬૩ અબજ યુએસ ડોલરનો વેપાર થાય છે તેમ રશિયન સરકારી ન્યૂઝ એજન્સી તાસે જણાવ્યું હતું.

યુક્રેન સાથેનું યુદ્ધ ત્રણ વર્ષ સુધી લંબાયું હોવા મુદ્દે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે રશિયાને કાગળનો વાઘ ગણાવ્યો હતો. આ મુદ્દે જવાબ આપતા પુતિને કહ્યું કે, રશિયા કાગળનો વાઘ નથી. આ યુદ્ધ માત્ર યુક્રેન સાથે લડાતું હોત તો આટલું લાંબુ ચાલ્યું ન હોત. હકીકતમાં રશિયા યુક્રેનની સાથે સમગ્ર નાટો સામે લડી રહ્યું છે. વધુમાં અમેરિકા યુક્રેનને લાંબા અંતરના ટોમહોક મિસાઈલ આપવાનું છે તેવા સમાચારો અંગે પુતિને કહ્યું કે, અમેરિકાના આ પ્રયાસોથી યુદ્ધની સ્થિતિમાં કોઈ ફેરફાર નહીં થાય. જોકે, તેનાથી અમેરિકા અને રશિયાના સંબંધો વધુ ખરાબ થશે.