US Senator Ted Cruz Audio Leaked: ભારત અને અમેરિકા વચ્ચે એક સમયે અત્યંત નજીક મનાતી વ્યાપારિક સમજૂતી (Trade Deal) છેલ્લા કેટલાક મહિનાઓથી અટવાયેલી છે. હાલમાં જ લીક થયેલા એક ઓડિયો ટેપમાં અમેરિકન સેનેટર ટેડ ક્રૂઝે આ ડીલમાં વિલંબ માટે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રના જ બે મહત્વના હોદ્દેદારોને જવાબદાર ઠેરવ્યા છે. આ ઘટસ્ફોટથી બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં વળાંક આવવાની શક્યતા છે.
નવારો અને જેડી વેન્સ 'અસલી વિલન'?
એક્સિયોસના અહેવાલ મુજબ, સેનેટર ટેડ ક્રૂઝે કેટલાક પાર્ટી ડોનર્સ સાથેની વાતચીત દરમિયાન સ્વીકાર્યું હતું કે વ્હાઇટ હાઉસના વ્યાપાર સલાહકાર પીટર નવારો અને ઉપપ્રમુખ જેડી વેન્સ ભારત સાથેના આ સમજૂતીને પટાંગણે ચડાવવામાં મુખ્ય અવરોધરૂપ છે. આ બંને નેતાઓ અગાઉ પણ ભારત વિરોધી નિવેદનો કરી ચુક્યા છે અને રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર મોટો ટેરિફ (જકાત) લાદવાના પક્ષમાં છે.
2026ની ચૂંટણી અને મોંઘવારીનો ભય
લીક થયેલા ઓડિયો મુજબ, ટેડ ક્રૂઝે ટ્રમ્પને ટેરિફ લાદવા બાબતે ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જો વિશ્વભરના દેશો પર, ખાસ કરીને ભારત પર ટેરિફ વધારવામાં આવશે, તો અમેરિકામાં વસ્તુઓની કિંમતો વધશે. ક્રૂઝ ચિંતિત છે કે જો મોંઘવારી વધશે તો વર્ષ 2026માં યોજાનારી મિડ-ટર્મ (મધ્યાવધિ) ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીને મોટી હારનો સામનો કરવો પડી શકે છે. જોકે, ટ્રમ્પે આ સાંસદોની ચેતવણીને નજરઅંદાજ કરી હોવાનું મનાય છે.
હાલની સ્થિતિ: 50% ટેરિફનો માર
નોંધનીય છે કે અમેરિકા છેલ્લા પાંચ મહિનાથી ભારતમાંથી આવતી કેટલીક પ્રોડક્ટ્સ પર 50 ટકા જેટલો ટેરિફ વસૂલી રહ્યું છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ થયેલી વાટાઘાટો હજુ સુધી કોઈ તાર્કિક અંત સુધી પહોંચી નથી. જોકે, પ્રમુખ ટ્રમ્પે અનેકવાર જાહેરમાં વડાપ્રધાન મોદી સાથેના મિત્રતાભર્યા સંબંધોની વાત કરી છે, પરંતુ વહીવટીતંત્રની અંદર ચાલી રહેલી ખેંચતાણ ભારત માટે મુશ્કેલી ઊભી કરી રહી છે.


