ચીને ઈરાનને ‘મિસાઈલ કેમિકલ’ની ભેટ મોકલી ! જહાજ જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો કટાક્ષ, બેઈજિંગે આક્ષેપો નકાર્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US-China Iranian Ship Controversy : અમેરિકાની સેનાએ ઓમાન સાગરમાં મિસાઈલ કેમિકલ ભરેલું ઈરાની જહાજ જપ્ત કર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ગંભીર આક્ષેપ કર્યો છે, તો ચીને પણ આક્ષેપોનો વળતો જવાબ આપ્યો છે. વાસ્તવમાં ઈરાની જહાજમાં મિસાઈલ નિર્માણ માટે ઉપયોગમાં લેવાતા કેમિકલ સામગ્રી હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેને લઈને અમેરિકા અને ચીન વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ શરૂ થઈ ગયા છે.
યુદ્ધમાં આવું થાય છે : ટ્રમ્પનો ચીન પર કટાક્ષ
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે મિસાઈલ કેમિકલ મામલે પ્રતિક્રિાય આપીને ચીન પર કટાક્ષ કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે, ‘અમે એક જહાજ પકડ્યું છે, તેમાં ખતરનાક ચીજો હતી, કદાચ તે ચીને આપેલી ભેટ હતી.’ જોકે તેમણે એવું પણ કહ્યું કે, તેમના અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ વચ્ચે સારા સંબંધે, પરંતુ ‘યુદ્ધમાં આવું થાય છે.’
ચીને ટ્રમ્પના આક્ષેપોને નકાર્યા
બીજીતરફ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને ટ્રમ્પના આક્ષેપોને રદીયો આપ્યો છે. તેમણે કહ્યું કે, ‘જે જહાજ જપ્ત કરાયું છે, તેના પર વિદેશી ધ્વજ છે અને તેની સાથે ચીનને કોઈ લેવા-દેવા નથી. ચીન તથ્યહીન દાવાઓનો વિરોધ કરે છે અને આ મામલે અમારું નામ જોડવું સંપૂર્ણ ખોટું છે.’
જહાજ ચીનથી ઈરાન જતું હતું : નિક્કી હેલીનો આક્ષેપ
અમેરિકાના પૂર્વ સંયુક્ત રાષ્ટ્ર રાજદૂત નિક્કી હેલીએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે, આ જહાજ ચીનથી ઈરાન જઈ રહ્યું હતું. આ ઉપરાંત તેમણે જહાજમાં મિસાઈલ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું કેમિકલ લદાયેલું હોવાનો દાવો કર્યો હતો. હેલીએ આક્ષેપ કર્યો છે કે, ચીન ઈરાન સરકારને મજબૂત કરવા માટે મદદ કરી રહ્યું છે.
અમેરિકાએ જહાજ જપ્ત કરતા ઈરાન ભડક્યું
રિપોર્ટ મુજબ, અમેરિકન સેનાએ ઓમાન સાગરમાં ઈરાની જહાજને અટકાવાનો પ્રયાસ કર્યો હતો. જહાજે આદેશ ન માનતા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, પછી અમેરિકન મરીન સૈનિકોએ જહાજને જપ્ત કરી લીધું છે. આ કાર્યવાહી બાદ ઈરાન ભડક્યું છે. ઈરાની સેનાએ અમેરિકા પર દરિયાઈ લૂંટનો આક્ષેપ કર્યો છે અને કહ્યું કે, અમેરિકાએ જહાજના નેવિગેશન સિસ્ટમને નુકસાન પહોંચાડ્યું છે અને તેના પર સૈનિકો તહેનાત કર્યા છે. ઈરાને ચેતવણી આપી છે કે, તેઓ આ કાર્યવાહીનો વળતો જવાબ આપશે.








