શટડાઉનથી અમેરિકાનું અર્થતંત્ર પડી ભાંગવાનો ડર ખોટો પડ્યો, મંદીનું જોખમ ઘટીને 35% થી 30% થયું
તસવીર : Envato
US economy slowdown : ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં લાગુ કરેલા શટડાઉનને લીધે ત્યાંનું અર્થતંત્ર પડી ભાંગશે, ભયંકર બેરોજગારી સર્જાશે, અને એ બધાંની અસર દુનિયાના અન્ય દેશોને પણ પડશે, એવો ડર ખોટો પડતો જણાઈ રહ્યો છે. વૈશ્વિક આર્થિક રેટિંગ એજન્સી S&P ગ્લોબલના મુખ્ય અર્થશાસ્ત્રી સત્યમ પાંડેના મતાનુસાર આગામી બાર મહિનાના સમયગાળામાં અમેરિકામાં મંદી આવવાની સંભાવના ઘટીને 30% થઈ છે, જે આ વર્ષની શરૂઆતમાં 35% હતી. ગુરુવારે વોલ સ્ટ્રીટ સૂચકાંકો પણ રેકોર્ડ ઊંચાઈએ બંધ થયા હતા. S&P 500 0.1 ટકા વધ્યો હતો અને Nasdaq 100 0.4 ટકા વધ્યો હતો.
મંદીના જોખમમાં ઘટાડા પાછળના મુખ્ય કારણો
મંદીની સંભાવના ઘટવા માટના કારણો તરીકે સત્યમ પાંડેએ નીચેના પરિબળોને જવાબદાર ગણાવ્યા છે.
1. ટ્રમ્પે દુનિયાના અનેક દેશો પર લાગુ કરેલા વ્યાપારિક ટેરિફને લીધે શરૂઆતમાં જે ભય ફેલાયો હતો એ હવે ઓછો થઈ ગયો છે, કારણ કે વ્યાવસાયિકોએ નવી વેપાર નીતિઓ સાથે સમયસર સમાયોજન કરી લીધું છે.
2. બીજું અને વધુ મહત્ત્વનું કારણ છે, ટેક્નોલોજી ક્ષેત્રે થયેલો મજબૂત મૂડીનો ખર્ચ (કેપિટલ એક્સપેન્ડિચર). હાઈ-ટેક ક્ષેત્રમાં મૂડી ખર્ચના આંકડા ખરેખર મજબૂત રહ્યા છે, જે એક સુખદ આશ્ચર્ય છે. આ સ્થિતિસ્થાપકતાએ જ મંદીની સંભાવના ઘટાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
ચિંતાના વાદળો હજી છવાયેલા છે
હળવા સુધારા થયા હોવા છતાં અર્થશાસ્ત્રીએ ચેતવણી આપી છે કે, અમેરિકન અર્થતંત્રમાં નબળાઈઓ ચાલુ જ રહેશે, કેમ કે શ્રમ બજાર, ગ્રાહક ખર્ચ અને ઉપભોક્તા ભાવના સૂચકાંકો જેવા અનેક મુદ્દા હજુ નબળા છે. ખાસ કરીને શ્રમ બજારની ચિંતાઓ હવે ફેડરલ રિઝર્વ (અમેરિકન કેન્દ્રીય બેંક)ની નીતિઓને પ્રભાવિત કરી રહી છે.
ફેડરલ રિઝર્વની નજર શ્રમ બજાર પર કેન્દ્રિત છે
સત્યમ પાંડે જણાવે છે કે, ‘ફેડરલ રિઝર્વ હવે શ્રમ બજારનું નિરીક્ષણ કરી રહ્યું છે. હજુ પણ ફુગાવાના દબાણ હોવા છતાં, કેન્દ્રીય બેંક હવે રોજગારી સુધારવા પર વધુ ભાર આપી રહી છે. તેઓ નથી ઇચ્છતા કે બેરોજગારીનો દર વધુ વધે. તેઓ ઓક્ટોબરની બેઠકમાં અને એ પછી ડિસેમ્બરમાં 25 બેસિસ પોઈન્ટ (0.25%)ના વ્યાજ દરમાં કમી કરશે, એવું લાગે છે.’
ધીમી પરંતુ સ્થિર પ્રગતિ થશે
સત્યમ પાંડેએ સ્પષ્ટ કર્યું છે કે, ફેડરલ રિઝર્વના પ્રયાસોને લીધે ધીમેધીમે પ્રગતિ થશે. એમના પગલાં નીતિગત દરોને તટસ્થ સ્તર પર પાછા લાવવા પર કેન્દ્રિત છે. તેમનો અંદાજ છે કે આ તટસ્થ વ્યાજદર 3.1% થી 3.3% ની વચ્ચે રહેશે.
સાવધાનીથી આગળ વધવું પડશે
એક તરફ અમેરિકન અર્થતંત્રમાં ‘મંદીના જોખમમાં ઘટાડો’ અને ‘ટેક્નોલોજી ક્ષેત્રે મજબૂત રોકાણ’ જેવા સકારાત્મક સૂચકો છે, તો બીજી તરફ શ્રમ બજાર અને ગ્રાહક ખર્ચ જેવા મુખ્ય સૂચકાંકો હજુ પણ ચિંતાજનક છે. ફેડરલ રિઝર્વની નીતિઓ આગામી સમયમાં આ બંને પાસાંઓ વચ્ચે સંતુલન સાધવા માટે નિર્ણાયક સાબિત થશે. સરકારી શટડાઉન જેવી ઘટનાઓથી ટૂંકા ગાળાની અસર થઈ શકે છે, પરંતુ મોટા પાયે અર્થતંત્ર પર તેની લાંબા ગાળાની ગંભીર અસર થવાની શક્યતા નહીંવત જણાય.