Get The App

અમેરિકામાં ઉડતાંની સાથે જ અગનગોળો બન્યું વિમાન, 8 મુસાફરોના મોતની આશંકા

Updated: Jan 26th, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકામાં ઉડતાંની સાથે જ અગનગોળો બન્યું વિમાન, 8 મુસાફરોના મોતની આશંકા 1 - image


US Plane Crash 2026 : અમેરિકાના મેન (Maine) રાજ્યમાં રવિવારે સાંજે એક મોટી વિમાન દુર્ઘટના સામે આવી છે. બેંગર ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પરથી ઉડાન ભરતી વખતે એક પ્રાયવેટ જેટ આગની જ્વાળાઓમાં ઘેરાઈને ક્રેશ થઈ ગયું હતું. સ્થાનિક સમય મુજબ સાંજે 7:45 કલાકે બનેલી આ ઘટનામાં વિમાનમાં આઠ લોકો સવાર હતા. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને(FAA) આ અકસ્માતની પુષ્ટિ કરી છે.



વિમાનની ઓળખ અને ભીષણ આગ 

દુર્ઘટનાગ્રસ્ત વિમાન ટ્વિન-એન્જિન ટર્બો-ફેન જેટ 'બોમ્બાર્ડિયર ચેલેન્જર 600' હતું. ટેકઑફના થોડા સમય બાદ જ વિમાનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ક્રેશ બાદ ઘટનાસ્થળે આગની લપેટો એટલી તીવ્ર હતી કે દૂરથી પણ જોઈ શકાતી હતી. જોકે, હજુ સુધી વિમાનમાં સવાર મુસાફરો કે ક્રૂ મેમ્બર્સની સ્થિતિ અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી. જોકે તમામ લોકો મૃત્યુ પામ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

ખરાબ હવામાન અને બરફવર્ષાનું જોખમ 

અકસ્માત સમયે ઍરપોર્ટ પર હળવી બરફવર્ષા શરુ થઈ ગઈ હતી. સમગ્ર મેન રાજ્ય, જેમાં બેંગર શહેરનો પણ સમાવેશ થાય છે, તે સમયે 'વિન્ટર સ્ટોર્મ વોર્નિંગ' (શિયાળુ તોફાનની ચેતવણી) હેઠળ હતું. જોકે, સત્તાવાળાઓએ હાલમાં આ દુર્ઘટના માટે હવામાન જવાબદાર છે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. બેંગર એ મેન રાજ્યનું ત્રીજું સૌથી મોટું શહેર છે.

હ્યુસ્ટનની લો ફર્મનું છે પ્રાયવેટ જેટ

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રાયવેટ જેટ ટેક્સાસથી મેન પહોંચ્યું હતું. વિમાનના રજિસ્ટ્રેશન રૅકોર્ડ મુજબ, આ જેટ હ્યુસ્ટનમાં આવેલી 'અર્નોલ્ડ એન્ડ ઇટકિન' નામની પર્સનલ ઇન્જરી લો ફર્મના નામે નોંધાયેલું છે. FAA રેકોર્ડ્સ દર્શાવે છે કે આ વિમાન એપ્રિલ 2020માં જ સેવામાં આવ્યું હતું, એટલે કે તે માત્ર છ વર્ષ જૂનું વિમાન હતું.

ટેક્નિકલ ખામી અંગે ઉચ્ચ સ્તરીય તપાસ 

FAA એ જણાવ્યું છે કે આ અકસ્માતની વિગતવાર તપાસ 'નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ' (NTSB) સાથે મળીને કરવામાં આવશે. તપાસ ટીમ એ જાણવાનો પ્રયાસ કરશે કે ટેકઑફ વખતે વિમાનમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી કે કેમ. તપાસ પૂરી ન થાય ત્યાં સુધી મુસાફરોની ઓળખ અને જાનહાનિના આંકડા વિશે સ્થિતિ સ્પષ્ટ થવાની શક્યતા ઓછી છે.