ટ્રમ્પનો કેનેડાને ફરી મોટો ઝટકો, તમામ વેપાર સંબંધનો અંત, જાણો બંને દેશ પર શું થશે અસર
America-Canada Relations: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા સાથેના તમામ વેપાર સંબંધો બંધ કરીને કેનેડાને મોટો ઝટકો આપ્યો છે. આ આદેશ તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે, કારણ કે ટ્રમ્પે કેનેડાને વેપાર કરવા માટે મુશ્કેલ દેશ ગણાવ્યો છે. કેનેડા સાથે વેપાર સંબંધો સમાપ્ત કરવાનું કારણ કેનેડાનો ડિજિટલ સર્વિસ ટેક્સ હોવાનું કહેવાય છે, જેના કારણે અમેરિકાના વ્યાપાર ઉદ્યોગને ઘણું નુકસાન થયું હતું.
કેનેડાએ અમેરિકાના ડેરી ઉત્પાદનો મસમોટો ટેરિફ લાદ્યો
અહેવાલો અનુસાર, કેનેડાએ અમેરિકાના ડેરી ઉત્પાદનો પર 400 ટકા ટેરિફ લાદ્યો હતો અને હવે કેનેડા અમેરિકાની કંપનીઓ પર ડિજિટલ સર્વિસ ટેક્સ લાદી રહ્યું છે, તો અમેરિકા આ દેશ સાથે કોઈ સંબંધ કેવી રીતે જાળવી શકે? આગામી સાત દિવસમાં અમેરિકા સાથે વેપાર કરવા માટે ચૂકવવામાં આવતી ફીની જાણ કેનેડાને કરવામાં આવશે.
કેનેડા પર શું અસર પડશે?
અમેરિકાએ કેનેડા સાથે વેપાર સંબંધોનો અંત લાવી દીધો છે. ત્યારે એ જાણીએ કે જો અમેરિકા કેનેડા સાથે વેપાર નહીં કરે તો શું થશે? કેનેડાનું અર્થતંત્ર, સામાજિક વ્યવસ્થા અને વૈશ્વિક સ્થિતિ પર ખૂબ અસર પડશે, કારણ કે અમેરિકા કેનેડાનું સૌથી મોટું વેપાર ભાગીદાર રહ્યું છે. વર્ષ 2024માં કેનેડાએ લગભગ 75 ટકા આયાત (લગભગ 600 બિલિયન ડૉલર) અને 50 ટકા નિકાસ અમેરિકા સાથે કરી હતી. જો અમેરિકા હવે કેનેડા સાથે વેપાર નહીં કરે, તો આયાત-નિકાસ બંધ થઈ જશે.
ખાસ કરીને ઉર્જા, ઓટોમોબાઇલ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર અસર થશે. બેરોજગારી અને ફુગાવા તેના પરિણામો હશે કારણ કે કેનેડા અમેરિકાની બજાર પર ખૂબ નિર્ભર છે. અમેરિકા દ્વારા વેપાર ન કરવાને કારણે આ સેક્ટરમાં ઉદ્યોગોને નુકસાન થશે. જેના કારણે કેનેડાની જીડીપી 10થી 15 ટકા ઘટી શકે છે.
અમેરિકા હવે કેનેડા પાસેથી ક્રૂડ ખરીદશે નહીં
અમેરિકા વેપાર નહીં કરે, તો કેનેડાને મશીનરી, ઈલેક્ટ્રોનિક્સ અને ઉપભોક્તા વસ્તુઓ મળશે નહીં. આનાથી ઉત્પાદન ખર્ચ અને ફુગાવો વધશે. વેપાર કરાર ખતમ થતાં, અમેરિકા કેનેડા પાસેથી દરરોજ 4 મિલિયન બેરલ ક્રૂડ ખરીદશે નહીં. આટલું ક્રૂડ અમેરિકાની કુલ ક્રૂડ માંગનો મોટો ભાગ છે. જો અમેરિકા ક્રૂડ નહીં ખરીદે, તો ક્રૂડ અને ઉર્જા કંપનીઓ મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. કેનેડાએ વેપાર કરવા માટે ચીન, ભારત અથવા યુરોપ સાથે વાત કરવી પડશે, જે શક્ય નહીં હોય.
કેનેડિયન ડૉલર નબળો પડી શકે છે
અમેરિકા સાથેના વેપારના અંત સાથે, કેનેડાના ઓટોમોબાઇલ સેક્ટરની ફોર્ડ, જીએમ અને સ્ટેલાન્ટિસ જેવી કંપનીઓને નુકસાન થઈ શકે છે અને તેમની ઑફિસો બંધ થઈ શકે છે. અમેરિકા હવે કેનેડા પાસેથી લાકડું, સ્ટીલ અને અન્ય ખનિજો ખરીદશે નહીં. કેનેડા માટે તાત્કાલિક નવા બજારો શોધવાનું શક્ય બનશે નહીં. કેનેડિયન ડૉલર નબળો પડશે, જેના કારણે આયાત મોંઘી થશે અને દેશમાં ફુગાવો વધશે. અમેરિકા હવે કેનેડામાં રોકાણ કરશે નહીં. આનાથી કેનેડાના માળખાકીય પ્રોજેક્ટ્સ પર અસર પડશે.
અમેરિકા, કેનેડા અને મેક્સિકો વચ્ચે યુનાઇટેડ સ્ટેટ્સ-મેક્સિકો-કેનેડા એગ્રીમેન્ટ (USMCA) વેપાર કરાર તૂટી જશે, જેના કારણે પ્રાદેશિક સહયોગ ઘટશે. નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ (NORAD) અને નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન (NATO) જેવા સંરક્ષણ જોડાણો વ્યૂહાત્મક રીતે પ્રભાવિત થઈ શકે છે, જે ઉત્તર અમેરિકાને અસર કરશે. કેનેડાના ઓન્ટારિયો અને બ્રિટિશ કોલંબિયામાં આર્થિક સંકટ અને સામાજિક અસ્થિરતા વધી શકે છે.