World

100% ટેરિફ સામે ચીનની કડકાઈ બાદ ટ્રમ્પના મિજાજ બદલાયા, કહ્યું - અમે મદદ કરવા માગીએ છીએ...

By GS TEAM
13 Oct 20253 mins read
TukuTouch Logo
ચીનના રેયર અર્થ મિનરલ્સ (દુર્લભ પૃથ્વી ખનિજો)ની નિકાસ પર રોક લગાવવાના કારણે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ ગુસ્સે થયા છે અને તેમણે ચીની સામાન પર 100% ટેરિફની જાહેરાત કરી છે. જોકે, ત્યારબાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર નરમ વલણ અપનાવતા કહ્યું કે, વ્હાઇટ હાઉસ ચીનને મદદ કરવા માંગે છે, નુકસાન પહોંચાડવા નહીં. ટ્રમ્પની આ ટિપ્પણી બંને દેશો વચ્ચે વધતા વ્યાપારિક તણાવ અને પૂર્ણ વ્યાપાર યુદ્ધની આશંકા વચ્ચે આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

100% ટેરિફ સામે ચીનની કડકાઈ બાદ ટ્રમ્પના મિજાજ બદલાયા, કહ્યું - અમે મદદ કરવા માગીએ છીએ...

US China Trade Relations: ચીનના રેયર અર્થ મિનરલ્સ (દુર્લભ પૃથ્વી ખનિજો)ની નિકાસ પર રોક લગાવવાના કારણે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ ગુસ્સે થયા છે અને તેમણે ચીની સામાન પર 100% ટેરિફની જાહેરાત કરી છે. જોકે, ત્યારબાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર નરમ વલણ અપનાવતા કહ્યું કે, વ્હાઇટ હાઉસ ચીનને મદદ કરવા માંગે છે, નુકસાન પહોંચાડવા નહીં. ટ્રમ્પની આ ટિપ્પણી બંને દેશો વચ્ચે વધતા વ્યાપારિક તણાવ અને પૂર્ણ વ્યાપાર યુદ્ધની આશંકા વચ્ચે આવી છે.

ચીને 12 પ્રકારના રેયર અર્થ મિનરલ્સની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, જેનાથી અમેરિકન પ્રમુખ ટ્રમ્પ નારાજ થયા. આ રેયર અર્થ મિનરલ્સ ચીન અને અમેરિકા વચ્ચેના નવા ટ્રેડ વોરનું કારણ બન્યા છે, જેના જવાબમાં ટ્રમ્પે ચીની સામાન પર 100% ટેરિફની જાહેરાત કરી દીધી છે.

ટ્રમ્પનો સમાધાનનો સૂર: 'અમેરિકા ચીનને મદદ કરવા માંગે છે, નુકસાન નહીં'

આક્રમક નિવેદનબાજી કર્યા પછી, ટ્રમ્પે હવે સમાધાનનો સૂર અપનાવ્યો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે કે, 'ચીનની ચિંતા ન કરો, બધું ઠીક થઈ જશે! અત્યંત સન્માનનીય રાષ્ટ્રપતિ શી જિનપિંગનો હાલમાં ખરાબ સમય ચાલી રહ્યો છે. તેઓ પોતાના દેશ માટે મંદી નથી ઇચ્છતા અને હું પણ નથી ઇચ્છતો. અમેરિકા ચીનને મદદ કરવા માંગે છે, તેને નુકસાન પહોંચાડવા માંગતો નથી.'

આ મામલે અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સની પ્રતિક્રિયા 

ટ્રમ્પની આ પોસ્ટના થોડા કલાકો પહેલા ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સએ બીજિંગને ચેતવણી આપી હતી કે, તે વિવેકપૂર્ણ રસ્તો પસંદ કરે. વર્તમાન વિવાદમાં અમેરિકાની સ્થિતિ વધુ પ્રભાવશાળી છે. આ સાથે જ વેન્સે જણાવ્યું કે, 'આ એક નાજુક સમયગાળો હશે, જે ઘણોખરો ચીનની પ્રતિક્રિયા પર નિર્ભર કરશે. જો ચીન ખૂબ આક્રમક રીતે જવાબ આપશે, તો હું ખાતરી આપું છું કે અમેરિકન પ્રમુખ વધુ આક્રમક બનશે. જોકે, જો તેઓ સમજદારીથી કામ લેવા તૈયાર થશે, તો અમેરિકા પણ સમજદારી દાખવશે.'

ચીનનો પલટવાર: અમેરિકા બેવડાં ધોરણો અપનાવી રહ્યું છે

બીજિંગે વૉશિંગ્ટનના નવા ટેરિફ નિર્ણયને 'બેવડાં ધોરણો' ગણાવી તેની નિંદા કરી અને કહ્યું કે ચીન વ્યાપાર યુદ્ધ નથી ઇચ્છતું, પણ તેનાથી ડરતું પણ નથી. ચીનના વાણિજ્ય મંત્રાલયે રેયર અર્થ મિનરલ્સ પરના પ્રતિબંધોનો બચાવ વૈશ્વિક શાંતિની રક્ષા તરીકે કર્યો. મંત્રાલયે અમેરિકા પર રાષ્ટ્રીય સુરક્ષાની અવધારણાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો. ચીને ચેતવણી આપી કે ટેરિફની ધમકીઓથી સંબંધો બગડશે અને અમેરિકાને પોતાની ભૂલો સુધારી, આપસી સન્માનના આધારે મતભેદો ઉકેલવા વિનંતી કરી. ચીને સ્પષ્ટ કર્યું કે જો અમેરિકા ખોટા રસ્તે ચાલશે, તો તે પોતાના કાયદેસરના હિતોની રક્ષા માટે નિર્ણાયક પગલાં લેશે.

આ પણ વાંચો: VIDEO : અમેરિકામાં ઉડતું વિમાન ટ્રક પર આવીને પડ્યું, ક્રેશ બાદ આગ ભડકી, બેના મોત

દક્ષિણ કોરિયામાં જિનપિંગને મળી શકે છે ટ્રમ્પ

ટ્રમ્પે એ પણ ઈશારો કર્યો હતો કે તેઓ આ મહિને દક્ષિણ કોરિયામાં યોજાનારા એશિયા-પેસિફિક આર્થિક સહયોગ (APEC) સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની પોતાની બેઠક રદ કરી શકે છે, પરંતુ બાદમાં તેમણે આ સ્પષ્ટ કર્યું કે બેઠક હજી રદ નથી કરવામાં આવી. ટ્રમ્પે કહ્યું, 'અમે હજી સુધી કંઈ પણ રદ નથી કર્યું. મને બસ એ નથી ખબર કે તેઓ તેને રદ કરશે કે નહીં.'