અમેરિકાનો નવો દાવ: પહેલા 50 ટકા ટેરિફની ધમકી બાદ હવે વેનેઝુએલા પાસેથી ઓઇલ ખરીદવાની ટ્રમ્પની ઓફર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US Iran War: મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષ અને તણાવ અત્યારે ચરમસીમાએ પહોંચી ગયો છે. આ દરમિયાન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બીજા મોરચે ચીન સાથે એક નવો વિવાદ ઊભો કરતા જોવા મળી રહ્યા છે. હકીકતમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે બેઇજિંગ આગામી થોડા અઠવાડિયામાં ઈરાનને નવી એર ડિફેન્સ સિસ્ટમ આપવાની તૈયારી કરી રહ્યું છે. તેવામાં ટ્રમ્પે ધમકી આપતા ચીનને કહ્યું છે કે 'જો આ સાચું ઠરશે તો 50 ટકા ટેરિફ લગાવી દઇશું, ચીન અમેરિકા અને વેનેઝુએલા પાસેથી ક્રૂડની ખરીદી કરી શકે છે'
ડોનાલ્ડ ટ્રમ્પે ચીન અંગે શું કહ્યું?
ફોક્સ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યૂમાં ડોનાલ્ડ ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે જો ચીન પણ ઈરાનને મદદ કરવા અને સૈન્ય સાધનો મોકલનારા દેશોમાં સામેલ થશે, તો શું તેણે પણ 50 ટકા ટેરિફનો સામનો કરવો પડશે? તેના પર ટ્રમ્પે કહ્યું, 'હા, અન્ય દેશો પણ, પરંતુ હા, ચીન પણ.' જો કે ટ્રમ્પે આ અહેવાલોને ખોટા ગણાવ્યા છે, પરંતુ સાથે જ ચેતવણી પણ આપી છે કે જો આ સાચું સાબિત થશે તો ચીન પર ભારે ટેરિફ લગાવી દેવામાં આવશે.
ચીન પકડાશે તો 50 ટકા ટેરિફ ઝીંકી દઇશું
તેમણે કહ્યું, ‘મારા માટે કોઈ ન્યૂઝ રિપોર્ટ બહુ મહત્વ ધરાવતા નથી, કારણ કે તે અવારનવાર ખોટા હોય છે, પરંતુ મેં સાંભળ્યું છે કે ચીન શોલ્ડર મિસાઈલ આપી રહ્યું છે. મને નથી લાગતું કે તેઓ આવું કરશે કારણ કે મારે તેમની સાથે સંબંધો છે. કદાચ શરૂઆતમાં થોડું કર્યું હોય, પણ હવે નહીં કરે. પરંતુ જો અમે તેમને આવું કરતા પકડીશું, તો તેમના પર 50 ટકા ટેરિફ લાગશે, જે ઘણો મોટો છે.’
અમેરિકા અને વેનેઝુએલા પાસેથી ક્રૂડ ખરીદો
ચીનને આટલી મોટી ધમકી આપ્યા બાદ અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને અમેરિકા અને વેનેઝુએલા પાસેથી ક્રૂડ ખરીદવાનું સૂચન પણ કર્યું છે. તેમણે કહ્યું, ‘ચીન પોતાના જહાજો અમારી પાસે મોકલી શકે છે. તેઓ વેનેઝુએલા પણ જઈ શકે છે. અમે તેમને વેનેઝુએલા પાસેથી ખરીદવા કહ્યું છે. અમારી પાસે ક્રૂડનું ઘણું વધારે ઉત્પાદન છે. અમે તેમને ક્રૂડ વેચીશું અને કદાચ ઓછી કિંમતે પણ વેચીશું.’
ચીન ઈરાનને હથિયાર સપ્લાય કરી રહ્યું છે?
CNNના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીન આગામી થોડા અઠવાડિયામાં ઈરાનને ખભા પરથી છોડી શકાય તેવી એન્ટી-એર મિસાઈલ સિસ્ટમ (MANPADS) મોકલી શકે છે અને તેની ચીની ઓળખ છુપાવવા માટે તેને ત્રીજા દેશો દ્વારા મોકલવામાં આવી શકે છે. જ્યારે આ અંગે ટ્રમ્પને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, ‘જો ચીન આવું કરશે તો તેને મોટી મુશ્કેલી પડશે.’
આ પણ વાંચો: ‘લેબેનોનમાં સીઝફાયરની તારીખ ઈરાન નક્કી નહીં કરે’, ઈઝરાયલનો મોજતબા ખામેનેઈને આકરો મેસેજ
ચાલાક ચીને કર્યો બચાવ
બીજી તરફ, વોશિંગ્ટન સ્થિત ચીની દૂતાવાસના પ્રવક્તાએ આ તમામ આરોપોને ફગાવી દેતા કહ્યું કે, ‘ચીને આ સંઘર્ષમાં કોઈ પણ પક્ષને હથિયાર આપ્યા નથી અને જે સમાચાર સામે આવી રહ્યા છે તે સંપૂર્ણપણે ખોટા છે.’








