US Tariff War : અમેરિકાએ ચીન પર રેસિપ્રોકલ ટેરિફ લગાવતા ચીને આજે (4 એપ્રિલ) વળતો જવાબ આપ્યો હતો. ચીને અમેરિકન પ્રોડક્ટ્સ પર 34 ટકા ટેક્સ લગાવવાની જાહેરાત કરી હતી. હવે આ અંગે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પની પ્રતિક્રિયા સામે આવી છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ પર એક પોસ્ટ કરીને કહ્યું છે કે, ‘ચીન ડરી ગયું છે અને ખોટા પગલાં ભરી રહ્યું છે.’
ચીન ડરી ગયુંઃ ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે પોસ્ટ કરી લખ્યું કે, ‘ચીન ડરીને ખોટા પગલાં ભરી રહ્યું છે. આ એક એવી બાબત છે જે તેઓ સહન નથી કરી શકતા.’ આ ઉપરાંત બીજી એક પોસ્ટમાં ટ્રમ્પે અમેરિકન સ્ટોક માર્કેટની સ્થિતિ વિશે કહ્યું કે, ‘વર્લ્ડ ટ્રેડવોરના લીધે શેર બજાર પર પડી રહેલી ગંભીર અસરના દાવાઓ ખોટા છે. અમેરિકામાં મોટી સંખ્યામાં રોકાણ થઇ રહ્યું છે. મારી નીતિઓ બદલાશે નહીં, આ જ તક છે વધુ ને વધુ ધનિક બનવાની.’
10 એપ્રિલથી ચીનનો ટેરિફ થશે લાગુ
ચીને ટ્રમ્પના ટેરિફ યુદ્ધનો જવાબ આપતા અમેરિકન પ્રોડક્ટ્સ પર વધારાના 34 ટકાનો ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. ચીનનો આ ટેરિફ 10 એપ્રિલથી લાગુ થશે. આ ઉપરાંત અમેરિકા તરફથી વેપારી ભાગીદારો પર રેસિપ્રોકલ ટેરિફ લગાવવામાં આવતા ચીને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (WTO)માં ફરિયાદ પણ નોંધાવી છે.
દુનિયાભરના શેર બજારોમાં કડાકો
બીજી એપ્રિલે અમેરિકાના મુક્તિ દિવસનું એલાન કરતા ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-ચીન સહિત વિશ્વના ઘણાં બધા દેશો પર ટેરિફ લગાવ્યા છે. જે પછી દુનિયાભરના શેર બજારોમાં કડાકો થઇ ગયો હતો. ભારત તેમજ અમેરિકાના શેર બજારમાં પણ સતત બીજા દિવસે ભારે કકાડો નોંધાયો હતો. આ કારણે રોકાણકારોને અબજો રૂપિયાનો ફટકો પડ્યો છે.


