Get The App

ટ્રમ્પે ભારે કરી! ગ્રીનલેન્ડમાં અમેરિકાનો ઝંડો લગાવતી તસવીર શેર કરી દુનિયાભરમાં ચર્ચા જગાવી

Updated: Jan 20th, 2026

GS TEAM

Google News
Google News
ટ્રમ્પે ભારે કરી! ગ્રીનલેન્ડમાં અમેરિકાનો ઝંડો લગાવતી તસવીર શેર કરી દુનિયાભરમાં ચર્ચા જગાવી 1 - image


Donald Trump: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ગ્રીનલેન્ડ પર દાવો કરી રહ્યા છે. બીજી તરફ હવે ગ્રીનલેન્ડને લઈને યુરોપ અને અમેરિકા  આમને-સામને આવી ગયા છે. હવે આ સમગ્ર ઘટના વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક તસવીર શેર કરી છે. આ તસવીર જોયા બાદ હવે ડેનમાર્ક સહિત અનેક યુરોપિયન દેશોમાં ચિંતા વધી ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ આ તસવીરમાં  ગ્રીનલેન્ડમા અમેરિકાનો ઝંડો લગાવતા દેખાઈ રહ્યા છે. આ તસવીરમાં ટ્રમ્પ સાથે જેડી વાન્સ અને માર્ક રુબિયો પણ જોવા મળે દેખાઈ રહ્યા છે. બીજી તરફ તસવીરમાં એક બોર્ડ પર લખેલું છે, "ગ્રીનલેન્ડ - યુએસ ટેરિટરી - EST 2026".

કેનેડા, ગ્રીનલેન્ડ અને વેનેઝુએલાને અમેરિકાનો હિસ્સો બતાવ્યો

ટ્રમ્પે એક નકશો પણ શેર કર્યો છે, જેમાં કેનેડા, ગ્રીનલેન્ડ અને વેનેઝુએલાને અમેરિકાનો હિસ્સો બતાવ્યો છે. તમને જણાવી દઈએ કે, ગત વર્ષે ટ્રમ્પે સૂચવ્યું હતું કે, કેનેડા અમેરિકાનું 51મું રાજ્ય બની જાય. ચૂંટણી જીત્યા પછી તરત જ મે મહિનામાં વડા પ્રધાન માર્ક કાર્નીએ પોતાની પહેલી પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પના આ સૂચનને સ્પષ્ટપણે નકારી કાઢતા કહ્યું હતું કે, ઈચ્છાઓ અને વાસ્તવિકતા વચ્ચે તફાવત કરવો મહત્વપૂર્ણ છે. મંગળવારે અમેરિકન પ્રમુખે નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટ્ટે સાથે ગ્રીનલેન્ડ વિશે ફોન પર વાત કરી હતી અને કહ્યું હતું કે, તેઓ દાવોસમાં ઘણા પક્ષો સાથે મુલાકાત કરશે. તેમણે ગ્રીનલેન્ડ પરના પોતાના વલણને પુનરાવર્તિત કરતા તેને અમેરિકન અને વૈશ્વિક સુરક્ષા માટે અભિન્ન ગણાવ્યું.

ટ્રમ્પે ભારે કરી! ગ્રીનલેન્ડમાં અમેરિકાનો ઝંડો લગાવતી તસવીર શેર કરી દુનિયાભરમાં ચર્ચા જગાવી 2 - image

NORAD વિમાન તહેનાત કરશે અમેરિકા

તમને જણાવી દઈએ કે, ગ્રીનલેન્ડ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે અમેરિકા હવે ગ્રીનલેન્ડના પિટુફિક સ્પેસ બેઝ પર નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ (NORAD) એરક્રાફ્ટ તહેનાત કરવા જઈ રહ્યું છે. પ્રમુખ ટ્રમ્પ દ્વારા ગ્રીનલેન્ડ પર કબજો કરવાની ધમકીઓ વચ્ચે તણાવ વધી ગયો છે. NORAD એ કહ્યું છે કે, વિમાન વિવિધ લાંબા સમયથી આયોજિત પ્રવૃત્તિઓ પૂર્ણ કરવા માટે બેઝ પર પહોંચશે. તેમણે એમ પણ કહ્યું કે, આ કાર્યવાહી ડેનમાર્ક અને ગ્રીનલેન્ડને કોઓર્ડિનેશનથી કરવામાં આવી છે. NORAD નિયમિતપણે ઉત્તર અમેરિકાના હવાઈ અને અવકાશ સંરક્ષણ માટે કામ કરે છે, જેમાં તેના ત્રણ ક્ષેત્રો અલાસ્કા, કેનેડા અને ખંડીય અમેરિકા સામેલ છે. અમેરિકાનું આ પગલું ડેનિશ સૈન્યની આગેવાની હેઠળ બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયત પછી તરત જ આવ્યું છે.