‘હાલના સમયના હિટલર...’, વોશિંગ્ટનની રેસ્ટોરન્ટમાં ભોજન કરવા પહોંચેલા ટ્રમ્પ સામે પેલેસ્ટાઇન સમર્થકોની નારેબાજી
Trump Jeered by Protesters : અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પેલેસ્ટાઇન સમર્થકો દ્વારા નારેબાજીનો સામનો કરવો પડ્યો હતો. હકીકતમાં, ટ્ર્મ્પ વોશિંગ્ટન ડીસીની એક રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા. તે સમયે કેટલાક પેલેસ્ટાઇન સમર્થકોએ તેમની વિરૂદ્ધ ‘ફ્રી ડીસી’ અને ‘ફ્રી પેલેસ્ટાઇન’ ના નારા લગાવ્યા હતા. આ ઉપરાંત વિરોધીઓએ તેમને ‘વર્તમાન સમયના હિટલર’ પણ ગણાવ્યા હતા.
વીડિયો વાઇરલ
હાલ સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જેમાં કેટલાક વિરોધી ટ્રમ્પ સામે નારેબાજી કરતા દેખાય છે. ટ્રમ્પ પહેલા આ વિરોધીઓ સામે સ્મિત કરીને માથું હલાવે છે અને પછી સિક્યોરિટીને તેમને દૂર કરવાનો ઇશારો આપે છે. મીડિયા અહેવાલ મુજબ, આ દરમિયાન રેસ્ટોરન્ટમાં ભોજન કરનારા અન્ય લોકોને ખલેલ પહોંચતા, સિક્યોરિટીએ વિરોધીઓને ધમકાવીને બહાર કાઢી દીધા હતા. આ ઘટના દરમિયાન ટ્રમ્પની સાથે અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો, ઉપ-પ્રમુખ જેડી વેન્સ અને ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથ હાજર હતા.
પ્રદર્શનકારીઓની સોશિયલ મીડિયા પર પોસ્ટ
કોડ પિંક નામના મહિલાવાદી જૂથે આ ઘટનાની જવાબદારી સ્વીકારી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું કે, ‘જ્યારે ટ્રમ્પ, જેડી વેન્સ, માર્કો રુબિયો, પીટ હેગસેથ અને અન્ય લોકો ભોજન કરી રહ્યા હતા, ત્યારે અમે સત્ય માટે અવાજ ઉઠાવ્યો હતો. અમે તેમને કહ્યું: ફ્રી ડીસી (વોશિંગ્ટન ડીસી છોડો). ફ્રી પેલેસ્ટાઇન (પેલેસ્ટાઇન છોડો). ટ્રમ્પ વર્તમાન સમયનો હિટલર છે.’