ટ્રમ્પે એપસ્ટીનને લખ્યો હતો 'અશ્લીલ પત્ર'? ડેમોક્રેટ્સના દાવા બાદ અમેરિકાના રાજકારણમાં ખળભળાટ
Epstein Row: તાજેતરમાં, અમેરિકન કોંગ્રેસની હાઉસ ઓવરસાઇટ કમિટીના ડેમોક્રેટ્સે એક અશ્લીલ પત્ર જાહેર કર્યો છે, જે જેફ્રી એપસ્ટીનને સંબોધીને લખાયો હતો. આ પત્ર પર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જોકે ટ્રમ્પે આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે.
કોણ છે જેફ્રી એપસ્ટીન?
જેફ્રી એપસ્ટીન, એક ધનવાન અને પ્રભાવશાળી ફાઇનાન્સર જે ક્યારેક ટ્રમ્પનો ગાઢ મિત્ર હતો, 2019માં ન્યુ યોર્કની જેલમાં આત્મહત્યા કરી હતી. આ સમયે, તે સગીર છોકરીઓના યૌન શોષણ અને તસ્કરીના કેસમાં સુનાવણીની રાહ જોઈ રહ્યો હતો. આ પત્ર 2003માં તેના 50મા જન્મદિવસના આલ્બમનો એક ભાગ હતો.
ટ્રમ્પે આરોપોને નકાર્યા
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેમણે આ પત્ર નથી લખ્યો કે નથી. ટ્રમ્પે આ મામલે સૌથી પહેલા રિપોર્ટ કરનાર 'વૉલ સ્ટ્રીટ જર્નલ' સામે 10 અબજ ડોલરનો માનહાનિનો દાવો પણ કર્યો છે. ટ્રમ્પનું કહેવું છે કે, 'આ મારા શબ્દો નથી, ન તો આ મારી બોલવાની રીત છે અને હું તસવીર બનાવતો નથી.'
વ્હાઇટ હાઉસનો પણ ઇનકાર
વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લેવિટે 'X' પર લખ્યું, "જેમ કે અમે પહેલા પણ કહ્યું છે, એ સ્પષ્ટ છે કે પ્રમુખ ટ્રમ્પે આ તસવીર બનાવી નથી કે તેના પર હસ્તાક્ષર કર્યા નથી. ડોનાલ્ડ ટ્રમ્પની કાનૂની ટીમ આ મામલે આક્રમક રીતે કાર્યવાહી ચાલુ રાખશે.' આ ઉપરાંત, ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ ટેલર બુડોવિચે ટ્રમ્પની ભૂતકાળની સહીઓની તસવીરો પોસ્ટ કરીને લખ્યું, 'આ તેમની સહી નથી.'
આ પણ વાંચો: 'તારું મોં તોડી નાખીશ', ટ્રમ્પની ડિનર પાર્ટીમાં ઝપાઝપીની નોબત; સ્કોટ બેસેન્ટ બાખડ્યા
ટ્રમ્પ અને એપસ્ટીનની મિત્રતા પર સવાલો
આ ખુલાસાથી ફરી એકવાર ટ્રમ્પ અને એપસ્ટીનની જૂની મિત્રતા પર સવાલો ઊભા થયા છે. ટ્રમ્પનું કહેવું છે કે, 'મેં લગભગ 20 વર્ષ પહેલાં એપસ્ટીન સાથે સંબંધો તોડી નાખ્યા હતા, કારણ કે તેણે માર-એ-લાગો રિસોર્ટમાં કામ કરતી ઘણી છોકરીઓને ચોરી લીધી હતી, જેમાં વર્જિનિયા ગ્યુફ્રે પણ સામેલ હતી, જેણે એપસ્ટીન પર યૌન તસ્કરીનો ગંભીર આરોપ લગાવ્યો હતો.'