Get The App

અમેરિકાનો મોટો નિર્ણય, અકસ્માતને બહાનું બનાવી કોમર્શિયલ ટ્રક ડ્રાઈવરના વર્કર વિઝા અટકાવ્યા

Updated: Aug 22nd, 2025

GS TEAM

Google News
Google News
US Pauses Worker Visas for Commercial Truck Drivers


US Pauses Worker Visas for Commercial Truck Drivers: અમેરિકાએ તમામ વિદેશી ટ્રક ડ્રાઇવરો માટે વિઝા ઇશ્યૂ કરવાનું તાત્કાલિક ધોરણે બંધ કરી દીધું છે. યુએસના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ 21 ઓગસ્ટે X પર આ અંગે જાહેરાત કરતા લખ્યું કે, 'અમે તાત્કાલિક અસરથી કોમર્શિયલ ટ્રક ડ્રાઇવરો માટે વર્કર વિઝા ઇશ્યૂ કરવાનું બંધ કરી રહ્યા છીએ. વર્કર વિઝા રોકવા પાછળનું કારણ ભારતમાંથી ગેરકાયદેસર રીતે અમેરિકા ગયેલો હરજિન્દર સિંહ છે, જેણે એક ભૂલને કારણે મોટો અકસ્માત સર્જ્યો હતો, જેમાં ત્રણ લોકોના જીવ ગયા હતા.

રુબિયોએ વધુમાં લખ્યું કે, 'અમેરિકાના રસ્તાઓ પર મોટા ટ્રેક્ટર-ટ્રેલર ટ્રક ચલાવતા વિદેશી ડ્રાઇવરોની વધતી સંખ્યા અમેરિકનોના જીવનને જોખમમાં મૂકી રહી છે અને અમેરિકન ટ્રક ડ્રાઇવરોની આજીવિકા ઘટી રહી છે.'

અમેરિકામાં આ નિર્ણય શા માટે લેવાયો?

અમેરિકામાં આ કાર્યવાહી એક મોટા અકસ્માત બાદ કરવામાં આવી છે. ફ્લોરિડાના એક હાઈવે પર ટ્રેક્ટર-ટ્રેલર ચલાવી રહેલા હરજિન્દર સિંહે જ્યાંથી મંજૂરી નહોતી ત્યાંથી યુ-ટર્ન લીધો, જેના કારણે પાછળ આવી રહેલી કારનો અકસ્માત થયો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા. હરજિન્દર પર બેદરકારીથી વાહન ચલાવીને હત્યા કરવાનો આરોપ મૂકાયો છે.

અકસ્માતથી શરૂ થયેલું રાજકારણ

અમેરિકાના ફેડરલ અધિકારીઓ અનુસાર, હરજિન્દર સિંહ ભારતનો છે. તેણે કથિત રીતે મેક્સિકોના રસ્તે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કર્યો હતો. અકસ્માત બાદ તે અંગ્રેજીની પરીક્ષામાં પણ નિષ્ફળ ગયો. આ મામલો અમેરિકન મીડિયામાં ખૂબ ચર્ચામાં છે અને ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના નિયંત્રણવાળા ફ્લોરિડામાં અધિકારીઓ દ્વારા તેને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

અમેરિકામાં ચાલી રહેલી રાજનીતિ

આ દુર્ઘટનાએ એક રાજકીય સ્વરૂપ પણ ધારણ કરી લીધું છે. તેનું કારણ એ છે કે હરજિન્દર સિંહે પોતાનું કમર્શિયલ લાઇસન્સ કેલિફોર્નિયાથી લીધું છે અને ત્યાં જ રહે છે. હવે કેલિફોર્નિયા પર ટ્રમ્પના વિરોધી ડેમોક્રેટિક પાર્ટીનું શાસન છે અને તે ઈમિગ્રેશન પર ટ્રમ્પની કાર્યવાહીનો વિરોધ કરે છે.

આ પણ વાંચો: યુક્રેન સામેનું યુદ્ધ ખતમ કરવા પુતિન તૈયાર પણ મૂકી 3 શરત, શું ઝેલેન્સ્કીને મંજૂર હશે?

ટ્રમ્પ પ્રશાસને આ દુર્ઘટના માટે કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસોમને જવાબદાર ગણાવ્યા છે, કારણ કે હરજિન્દર સિંહને લાઇસન્સ કેલિફોર્નિયાથી જ આપવામાં આવ્યું હતું. તે સામે ગવર્નર ગેવિન ન્યૂસોમની ઓફિસે જવાબ આપ્યો કે ટ્રમ્પના શાસન હેઠળ જ ફેડરલ સરકારે હરજિન્દર સિંહને તેનું વર્ક પરમિટ આપ્યું હતું અને કેલિફોર્નિયાએ તેના પ્રત્યાર્પણમાં સહયોગ કર્યો છે.

અમેરિકાનો મોટો નિર્ણય, અકસ્માતને બહાનું બનાવી કોમર્શિયલ ટ્રક ડ્રાઈવરના વર્કર વિઝા અટકાવ્યા 2 - image

Tags :