'ભારતીયોને ચિંતા કરવાની જરૂર નહીં', H-1B વિઝા ફી વધારા પર અમેરિકાએ આપ્યા ગુડ ન્યૂઝ
H-1B visa fees: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા H-1B વિઝાની વાર્ષિક ફી 1 લાખ ડોલર (લગભગ ₹83 લાખ) કરવાની જાહેરાતથી ભારતીય આઈટી પ્રોફેશનલ્સ અને કંપનીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. કેટલીક મોટી ટેક કંપનીઓએ પોતાના કર્મચારીઓને તાત્કાલિક અમેરિકા પરત ફરવાની સલાહ આપી હતી. નવો નિયમ 21 સપ્ટેમ્બર, 2025ની મધ્યરાત્રિથી અમલમાં આવશે. પરંતુ હવે એક અમેરિકન અધિકારીએ સ્પષ્ટ કહ્યું છે કે, ભારતીયોએ ડરવાની જરૂર નથી.
'આ નવો નિયમ માત્ર નવી વિઝા અરજી પર લાગુ થશે'
અમેરિકન અધિકારીએ શનિવારે કહ્યું કે, 'H-1B વિઝા પર રહેતા ભારતીયોને રવિવાર સુધીમાં અમેરિકા પરત ફરવાની કોઈ ઉતાવળ નથી અને ન તો તેમને ફરી આવવા માટે 1 લાખ ડોલર ચૂકવવા પડશે.'
અધિકારીએ સ્પષ્ટ કર્યું કે, ટ્રમ્પ સરકારનો આ નવો નિયમ માત્ર નવી વિઝા અરજી પર જ લાગુ થશે. જે લોકો પાસે પહેલાથી H-1B વિઝા છે અથવા તો જે પોતાના વિઝાનું રિન્યૂવલ કરવા ઇચ્છે છે, તેના પર આ નવી ફી લાગૂ નહીં પડે.
ભારતીય પર સૌથી વધુ અસર
અમેરિકાના આ નિર્ણયથી સૌથી વધુ અસર ભારતીય ધંધાર્થીઓ પર સૌથી વધુ અસર પડી શકે છે, કારણ કે H-1B વિઝા ધારકોમાંથી 70% ભારતીય છે. આ જ કારણ છે કે ટેક કંપનીઓએ તાત્કાલિક તેમના કર્મચારીઓને ચેતવણી આપી હતી.
કંપનીઓમાં ચિંતા, હવે થોડી રાહત
માઇક્રોસોફ્ટ, એમેઝોન અને જેપી મોર્ગન જેવી દિગ્ગજ કંપનીઓએ પોતાના કર્મચારીઓને અમેરિકા પરત ફરવાની ચેતવણી આપી હતી. પરંતુ હવે અમેરિકન અધિકારીની આ સ્પષ્ટતાથી ભારતીય કર્મચારીઓ અને તેના પરિવારજનોને મોટી રાહત મળી છે.
કર્મચારીઓને 24 કલાકમાં અમેરિકા પરત ફરવા આપ્યા છે આદેશ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H1B વિઝાને લઈને જાહેરાત કર્યા બાદ મેટા, માઇક્રોસોફ્ટ, એમેઝોન, જે પી મોર્ગન સહિતની દિગ્ગજ કંપનીઓમાં ખળભળાટ મચ્યો છે. દિગ્ગજ ટેક કંપનીઓએ તેમના કર્મચારીઓને દેશ (અમેરિકા) ન છોડવાની સલાહ આપી છે. આટલું જ નહીં મેટા અને માઇક્રોસોફ્ટ કંપનીએ તેમના કર્મચારીઓને ઈમેલ પાઠવ્યો છે કે જો તમે હાલ અમેરિકાની બહાર ગયા હો તો 24 કલાકમાં દેશ પરત ફરો.