World News: વેનેઝુએલાનું એક તેલ ટેન્કર યુએસ કોસ્ટ ગાર્ડને ચકમો આપી ભાગી છૂટ્યું હતું. તેને ઝડપી લેવા અમેરિકા છેલ્લા બે અઠવાડિયાથી એટલાન્ટિક મહાસાગરમાં ઓપરેશન ચલાવી રહ્યું હતું. આ વચ્ચે અમેરિકી સેનાએ કહ્યું છે કે તેને રશિયન ઝંડાવાળા એક તેલ ટેન્કરને કબજે કર્યું છે. રશિયાએ તેને બચાવવા માટે એક સબમરીન ઉતારી હતી, અમેરિકા દ્વારા જપ્ત કરેલા ટેન્કરનું નામ બેલા-1 છે.
'બેલા 1' પર USની કાર્યવાહી
ન્યૂઝ એજન્સી એસોસિએટેડ પ્રેસના રિપોર્ટ મુજબ ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં જ્યાં અમેરિકાની સેનાએ ટેન્કર જપ્ત કર્યું ત્યાં રશિયન સબમરીન અને યુદ્ધ જહાજ પણ જોવા મળ્યું, યુએસ યુરોપિયન કમાન્ડે X પરની એક પોસ્ટમાં કહ્યું, 'બેલા 1 ને પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવા બદલ કબજે કરવામાં આવ્યું, આ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી અને યુએસ લશ્કરી કર્મચારીઓ દ્વારા સંયુક્ત કાર્યવાહી હતી, ગયા મહિનાથી જ્યારે તેણે વેનેઝુએલાની આસપાસ યુએસની ઘેરાબંધીથી બચવાનો પ્રયાસ કર્યો ત્યારથી અમેરિકાની સેના તેનો પીછો કરી રહી હતી.'
અન્ય એક ટેન્કરને પણ રોક્યું
અમેરિકી કોસ્ટ ગાર્ડએ ગયા મહિને પહેલી વખત દરિયામાં ઉતરેલા વેનેઝુએલાના તેલ ટેન્કરને રોકવાની કોશિશ કરી હતી. એક રિપોર્ટ મુજબ આ જહાજ રશિયન ધ્વજ નીચે રજિસ્ટર્ડ છે. તે ઉપરાંત અમેરિકાએ લેટિન અમેરિકન જળક્ષેત્રમાં વધુ એક ટેન્કરને રોક્યું છે.
US ગૃહ વિભાગેવીડિયો જાહેર કર્યો
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ ઇન્સ્ટાગ્રામ પર આ ઓપરેશનનો એક વીડિયો શેર કર્યો છે. સેક્રેટરી ક્રિસ્ટી નોએમે વિગતો જણાવતા કહ્યું કે 'યુએસ કોસ્ટ ગાર્ડે બે શેડો ફ્લીટ ટેન્કર, બેલા 1 અને સોફિયા જપ્ત કર્યા છે. મોટર ટેન્કર, બેલા 1, ઘણા અઠવાડિયાથી કોસ્ટ ગાર્ડથી બચી રહ્યું હતું.જે દરમિયાન, તેણે પોતાનો ધ્વજ બદલી નાખ્યો અને પોતાનું નામ બદલી નાખ્યું. યુએસસીજીસી મુનરોના ક્રૂ સભ્યોએ તોફાની સમુદ્ર અને ખતરનાક તોફાનો વચ્ચે જહાજનો પીછો કર્યો હતો'
રશિયાનો વિરોધ, કહ્યું UNCLOSનું ઉલ્લંધન
બીજી તરફ રશિયાના પરિવહન મંત્રાલયે પુષ્ટિ કરી છે કે અમેરિકાની સેનાએ સવારે 7 વાગ્યે (ET) જહાજ પર ચઢી હતી જે બાદ Marineraથી તેનો સંપર્ક તૂટી ગયો છે. મંત્રાલયે અમેરિકાની આ કાર્યવાહીની નિંદા કરતાં કહ્યું કે '1982ના સંયુક્ત રાષ્ટ્ર દરિયાઈ કાનૂન (UNCLOS) મુજબ કોઈ પણ દેશને અન્ય દેશમાં સત્તાવાર રીતે નોંધાયેલા જહાજ પર બળ પ્રયોગ કરવાનો અધિકારી નથી'
આ સમુદ્રમાં ખુલ્લી લૂંટ: રશિયન નેતા
રશિયન સંસદના ઉપલા ગૃહના વરિષ્ઠ નેતા આન્દ્રે ક્લિશાસે પણ અમેરિકાની કાર્યવાહીનો કડક શબ્દોમાં વિરોધ કર્યો, તેમણે આ કાર્યવાહીને દરિયામાં ખુલ્લી લૂંટ ગણાવી અને કહ્યું કે 'અમેરિકા તેના કહેવાતા નિયમો હેઠળ આંતરરાષ્ટ્રીય કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યું છે, આવી કાર્યવાહી વૈશ્વિક દરિયાઈ સુરક્ષા માટે ખતરનાક છે'
શું ખરેખર રશિયન ટેન્કર છે?
ત્યારે સવાલ થઈ રહ્યો છે કે શું ખરેખર રશિયન ટેન્કર છે કે પછી વેનેઝુએલાનું? અમેરિકાનો દાવો છે કે જ્યારે ટેન્કર જહાજ ચુંગાલમાંથી છટકી ગયું ત્યારે ટેન્કરના ક્રૂએ તેના પર રશિયન ધ્વજ ચીતરી નાખ્યો હતો જે બાદ દાવો કર્યો કે જહાજ રશિયન સુરક્ષા હેઠળ કામ કરી રહ્યું છે. આ ઘટનાની થોડી ક્ષણો પછી ટેન્કર જહાજ રશિયાના સત્તાવાર રજીસ્ટરમાં 'મેરિનેરા'ના નામથી નોંધાયું, રશિયાએ ગયા મહિને જ ચેતવણી આપી હતી કે અમેરિકા તે જહાજનો પીછો કરવાનું બંધ કરી દે, ગેરકાયદેસર તેલ પરિવહન કરતા ટેન્કરો પર લગામ લાવવાનો દાવો કરી અમેરિકાએ 2024માં જ આ જહાજ પર પ્રતિબંધ લાગુ કર્યો હતો.
આ પણ વાંચો: સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: ચાંદી એક ઝાટકે રૂ.9,600 સસ્તી થઈ, રોકાણકારો ખાસ વાંચે
બ્રિટને હાથ અધ્ધર કર્યા
બીજી તરફ બ્રિટને કહ્યું છે કે તે વેનેઝુએલાથી જોડાયેલા 'મેરિનેરા' ઓઇલ ટેન્કર પર થયેલી કાર્યવાહીમાં અમેરિકા ઓપરેશન અંગે કોઈ ટિપ્પણી નહીં કરે, વડા પ્રધાન કીર સ્ટાર્મરના સત્તાવાર પ્રવક્તા કહ્યું અમે 'અન્ય દેશોની ગતિવિધિઓ પર કોઈ ટિપ્પણી કરતા નથી. આ યુકે સરકારમાં લાંબા સમયથી ચાલ્યું આવતું વલણ છે'


