US Military Interventions: ઈઝરાયલ સાથે મળીને ઈરાનનો ઘડોલાડવો કરવા જંગે ચઢેલા અમેરિકા માટે વિદેશી બાબતોમાં હસ્તક્ષેપ કરવો કોઈ નવી વાત નથી. ઈતિહાસ સાક્ષી છે કે સદીઓથી 'અંકલ સેમ' દુનિયાભરના દેશોમાં ઊંબાડિયાં ચાંપતો આવ્યો છે. અમેરિકાની સ્થાપના થઈ એ વર્ષ 1776થી લઈને 2026 સુધીના 250 વર્ષો દરમિયાનઅમેરિકા લગભગ 400 લશ્કરી હસ્તક્ષેપોમાં સામેલ રહ્યું છે! એમાના અડધા પ્રસંગો 1950 પછી બન્યા છે અને 25%થીવધુ શીત યુદ્ધ પછીના સમયગાળામાં થયા છે.
હસ્તક્ષેપના કારણો કયા?
અમેરિકાની વિદેશ નીતિ વિશે બે મુખ્ય વિચારો રહ્યા છે.
1. હસ્તક્ષેપવાદ(Interventionism) – આ વિચાર મુજબ, અમેરિકાએ જરૂર પડે ત્યારે અન્ય દેશોની બાબતોમાં લશ્કરી કે રાજકીય રીતે દખલ કરવી જોઈએ. એનો ઉદ્દેશ્ય હોય છે પોતાના હિતોનું રક્ષણ કરવું, આતંકવાદ રોકવો અથવા લોકશાહી પ્રોત્સાહિત કરવી.
2. એકલતાવાદ(Isolationism) – આ વિચાર મુજબ, અમેરિકાએ અન્ય દેશોના ઝઘડાઓથી દૂર રહેવું જોઈએ અને પોતાની ઘરેલુ બાબતો પર વધારે ધ્યાન આપવું જોઈએ. અન્ય દેશોમાં લશ્કરી દખલ કરવાથી બચવું એ આનો મુખ્ય વિચાર છે.
જોકે, અમેરિકાએ 'એકલતાવાદ'ના વિચારને બદલે 'હસ્તક્ષેપવાદ'ના વિચારને જ વધુ અમલમાં મુક્યો હોવાનું ઈતિહાસ જણાવે છે. જગતજમાદાર વિદેશમાં હસ્તક્ષેપ કરે છે એના મુખ્ય કારણો નીચે મુજબ છે.
- આર્થિક લાભ
- અમેરિકન નાગરિકો અને રાજદ્વારીઓનું રક્ષણ
- પ્રાદેશિક વિસ્તરણ
- આતંકવાદનો વિરોધ
- અમૈત્રીપૂર્ણ શાસન પરિવર્તન
- લોકશાહીની સ્થાપના
- આંતરરાષ્ટ્રીય કાયદાનો અમલ
વધુ દૂરના ભૂતકાળમાં ન જતાં આપણે 1990 પછીના સમયગાળામાં અમેરિકાના વિદેશી હસ્તક્ષેપો પર એક નજર નાંખીએ.
ઈરાક (1991, 2003-2011)
1990માં ઈરાકે કુવૈત પર આક્રમણ કર્યું એ પછી અમેરિકાએ 42 દેશોના ગઠબંધનનું નેતૃત્વ કર્યું અને ‘ઓપરેશન ડેઝર્ટ સ્ટોર્મ’ શરૂ કર્યું, જેમાં ઈરાક અને કુવૈતમાં ઈરાકી દળો પર વ્યાપક હવાઈ બોમ્બમારો કરવામાં આવ્યો. 2003માં અમેરિકાએ ‘શોક એન્ડ ઓ’(shock and awe) નામના અભિયાન હેઠળ ઈરાક પર આક્રમણ કર્યું, જેણે સદ્દામ હુસૈનના શાસનને ઉથલાવી દીધું. આ આક્રમણ અને ત્યારબાદના કબજા દરમિયાન ઈરાકમાં હિંસા અને અસ્થિરતા ફેલાઈ, જે 2011 સુધી ચાલુ રહી.
સોમાલિયા (1992-1994)
અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રના માનવતાવાદી અભિયાન હેઠળ સોમાલિયામાં લશ્કરી દળો મોકલ્યા હતા. 1993માં સોમાલિયાની રાજધાની મોગાદિશુના યુદ્ધ ‘બેટલ ઑફ મોગાદિશુ’માં 18 અમેરિકન સૈનિકો માર્યા ગયા બાદ આ અભિયાને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. સોમાલી નાગરિકો અને લડવૈયાઓએ અમેરિકન સૈનિકોના મૃતદેહોને મોગાદિશુની શેરીઓમાં ઘસડ્યા, જેના ચિત્રો વિશ્વભરમાં પ્રસારિત થયા. આ દૃશ્યોએ અમેરિકન જનતાને ભારે આઘાત પહોંચાડ્યો અને તાત્કાલિક સૈનિકો પાછા ખેંચવાની માંગ ઉઠી. જેને પરિણામે અમેરિકન પ્રમુખ બિલ ક્લિન્ટને તમામ અમેરિકન દળો પાછા ખેંચી લીધા. 2007માં અમેરિકાએ સોમાલિયામાં ફરી આતંકવાદ વિરોધી કામગીરી તેજ કરી, જેમાં અલ-શબાબ જૂથ સામે હવાઈ હુમલાઓનો સમાવેશ થાય છે.
હૈતી (1994)
પ્રમુખપદે બિલ ક્લિન્ટન હતા ત્યારે અમેરિકાએ આફ્રિકી દેશ હૈતીમાં ‘ઓપરેશન અપહોલ્ડ ડેમોક્રેસી’ શરૂ કર્યું. ચૂંટાયેલા પ્રમુખ જીન-બર્ટ્રાન્ડ એરિસ્ટાઇડને લશ્કરી બળવા બાદ હટાવી દેવામાં આવ્યા હતા. તેમને ફરીથી સત્તા પર સ્થાપિત કરવા માટેનું એ સંયુક્ત રાષ્ટ્રનું અભિયાન હતું.
બોસ્નિયા (1994–1995)
બોસ્નિયામાં ચાલતા યુદ્ધ દરમિયાન નાટોનું નેતૃત્વ કરતાં અમેરિકા ‘ઓપરેશન ડેનાઇ ફ્લાઇટ’માં જોડાયું હતું. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ બોસ્નિયા ઉપર નો-ફ્લાય ઝોન લાગુ કરવાનો હતો, એટલે કે લડાકુ વિમાનોને ઉડાન ભરવા પર પ્રતિબંધ મૂકવો. સાથે સાથે, બોસ્નિયન સર્બ દળોના ઠેકાણાઓ પર હવાઈ હુમલા પણ કરવામાં આવ્યા.
સુદાન (1998)
1998માં કેન્યા અને તાંઝાનિયામાં આવેલા અમેરિકન દૂતાવાસો પર બોમ્બ હુમલા થયા હતા. તેના જવાબમાં અમેરિકાએ સુદાનની અલ-શિફા ફાર્માસ્યુટિકલ ફેક્ટરી પર ક્રુઝ મિસાઇલથી હુમલો કર્યો. અમેરિકાનો દાવો હતો કે આ ફેક્ટરીમાં રાસાયણિક હથિયારો બનાવવામાં આવી રહ્યા હતા. પરંતુ આ દાવા અંગે બાદમાં ઘણા પ્રશ્નો ઊભા થયા અને મામલો વિવાદાસ્પદ રહ્યો.
યુગોસ્લાવિયા (કોસોવો) – 1999
1999માં નાટોનું નેતૃત્વ કરતાં અમેરિકાએ કોસોવોમાં વધતી માનવતાવાદી કટોકટીનો હવાલો આપીને યુગોસ્લાવિયા સામે ‘ઓપરેશન એલાઇડ ફોર્સ’ શરૂ કર્યું. લગભગ 78 દિવસ ચાલેલા આ હવાઈ અભિયાનમાં યુગોસ્લાવિયાના સૈનિક લક્ષ્યો ઉપરાંત નાગરિક લક્ષ્યો પર પણ બોમ્બમારો કરવામાં આવ્યો, જે આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ હોવાથી વૈશ્વિક સ્તરે વિવાદ પણ ઊભા થયા હતા.
અફઘાનિસ્તાન (2001-2021)
11 સપ્ટેમ્બરના હુમલા બાદ અમેરિકાએ આતંકવાદ વિરોધી અભિયાન હેઠળ અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું અને તાલિબાન શાસનને હટાવી દીધું. આ અમેરિકાનું સૌથી લાંબું યુદ્ધ હતું, જે 20 વર્ષ ચાલ્યું અને 2021માં તાલિબાનના પુનરુત્થાન સાથે સમાપ્ત થયું.
યમન (2002, 2009–હાલ)
અમેરિકા યમનમાં મુખ્યત્વે અલ-કાયદાના શાખા સંગઠનો સામે ડ્રોન હુમલાઓ અને ખાસ દળોની કાર્યવાહી કરતું આવ્યું છે.
પાકિસ્તાન (2004–2018)
અફઘાનિસ્તાન યુદ્ધ દરમિયાન અમેરિકાએ પાકિસ્તાનના આદિવાસી વિસ્તારોમાં આતંકવાદી નેતાઓ સામે વ્યાપક ડ્રોન હુમલાઓ અને ગુપ્ત કામગીરી હાથ ધરી હતી. ડ્રોન હુમલાઓમાં નાગરિકોના મોતનો પ્રશ્ન ખૂબ જ વિવાદાસ્પદ બન્યો હતો.
લિબિયા (2011)
અમેરિકાએ નાટો દળોના નેતૃત્વ હેઠળ ‘ઓપરેશન ઓડિસી ડોન’ શરૂ કર્યું હતું. આ કાર્યવાહી મુઅમ્મર ગદ્દાફીના શાસન વિરુદ્ધ ચાલી રહેલા ગૃહયુદ્ધ દરમિયાન બળવાખોરોને ટેકો આપવા અને નો-ફ્લાય ઝોન અમલમાં મૂકવા માટે કરવામાં આવી હતી.
નાઇજર (2013–2024)
સાહેલ વિસ્તારમાં વધતા આતંકવાદી જોખમોને ધ્યાનમાં રાખીને અમેરિકાએ નાઇજરમાં લશ્કરી બેઝ સ્થાપીને આતંકવાદ વિરોધી અભિયાનો માટે ખાસ દળો તૈનાત કર્યા. 2024માં સૈન્ય સરકારના દબાણ પછી અમેરિકન દળોએ ત્યાંથી પરત ખેંચાણ શરૂ કર્યું.
આ પણ વાંચો: ઈરાને અમેરિકાની 'આકાશી આંખ' ફોડી, કતારમાં 9000 કરોડનું બેલિસ્ટિક મિસાઈલ રડાર ઉડાવ્યું
સીરિયા (2014–હાલ)
અમેરિકાએ આતંકવાદ વિરોધી અભિયાનના ભાગરૂપે સીરિયામાં લશ્કરી દખલગીરી શરૂ કરી. તેમાં Islamic State(ISIS) સામે વ્યાપક હવાઈ હુમલાઓ અને કુર્દિશ દળોને ટેકો આપવાનો સમાવેશ થાય છે.
વેનેઝુએલા (2026)
3 જાન્યુઆરી, 2026ના રોજ, અમેરિકાએ વેનેઝુએલા સામે લશ્કરી કાર્યવાહી કરી અને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીની ધરપકડ કરી, જેમના પર ન્યૂયોર્કમાં ડ્રગ તસ્કરી અને આતંકવાદના આરોપો મૂકવામાં આવ્યા. આ ઓપરેશન બાદ અમેરિકાએ કહ્યું કે વેનેઝુએલામાં ‘સુરક્ષિત સત્તાંતરણ’ થાય ત્યાં સુધી તે વ્યવસ્થા સંભાળશે. કેટલાક વિશ્લેષકોનું માનવું હતું કે આ પગલાનું એક કારણ વેનેઝુએલાના તેલ અને કુદરતી ગેસ જેવા મહત્ત્વપૂર્ણ સંસાધનો પર પ્રભાવ મેળવવો પણ હોઈ શકે.
ઈરાન (2020, 2025)
3 જાન્યુઆરી, 2020ના રોજ અમેરિકાએ ઈરાકની રાજધાની બગદાદ એરપોર્ટ નજીક ડ્રોન હુમલો કર્યો, જેમાં ઈરાનના ટોચના સૈન્ય અધિકારી ઘાસેમ સોલેમાની માર્યા ગયા. અમેરિકાએ કહ્યું કે આ પગલું તેના સૈનિકોને સુરક્ષિત રાખવા માટે લેવામાં આવ્યું હતું. ઈરાને તેને આક્રમક કાર્યવાહી ગણાવી. બંને દેશો વચ્ચે તણાવ ખૂબ વધી ગયો. કેટલાક દેશોએ તેને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું. 22 જૂન, 2025ના રોજ અમેરિકાની એર ફોર્સ અને નેવી દ્વારા ‘ઓપરેશન મિડનાઇટ હેમર’ હેઠળ ઇરાનની ત્રણ મુખ્ય પરમાણુ સુવિધાઓ પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો, જે 1979ની ક્રાંતિ બાદ ઈરાન સામેની સૌથી મોટી પશ્ચિમી લશ્કરી કાર્યવાહી હતી.
ગ્રીનલેન્ડ ગળી જવાની તત્પરતા
ઉપર જાણ્યા એ બધા હસ્તક્ષેપોના લિસ્ટમાં ભવિષ્યમાં ગ્રીનલેન્ડનું નામ પણ ઉમેરાય તો નવાઈ નહીં. અમેરિકાની ગ્રીનલેન્ડ પર કબજો જમાવવાની ઈચ્છા જગજાહેર છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષા અને મુક્ત વિશ્વના સંરક્ષણ માટે ગ્રીનલેન્ડને હસ્તગત કરવાની ઇચ્છા એકથી વધુ વખત વ્યક્ત કરી છે. રિપબ્લિકન કોંગ્રેસમેન રેન્ડી ફાઇને તો ગ્રીનલેન્ડને અમેરિકામાં જોડવા માટેનું બિલ પણ રજૂ કર્યું હતું. ગ્રીનલેન્ડ અને ડેનમાર્કની સરકારોએ સ્પષ્ટપણે કહી દીધું છે કે ગ્રીનલેન્ડ વેચાણ માટે નથી અને તેના ભાવિ અંગેનો નિર્ણય ફક્ત ગ્રીનલેન્ડના લોકો જ લઈ શકે છે. તેમ છતાં અમેરિકાએ ગ્રીનલેન્ડને ગજવે ઘાલવાનું સપનું પડતું નથી મૂક્યું.


