અમેરિકામાં સાઉથ કેરોલિનામાં અંધાધૂંધ ગોળીબાર, 11ની હાલત ગંભીર, હુમલાખોર ફરાર
Mass Shooting In South Carolina: અમેરિકામાં રવિવારે રાત્રે અચાનક અંધાધૂધ ગોળીબાર થતાં 11 લોકો ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયા હતાં. સાઉથ કેરોલિનાના બીચ ટાઉનમાં આ ઘટના બની હતી. આ ઘટનાના 90 મિનિટ બાદ પોલીસે વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો હતો. હુમલાખોર ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયાની માહિતી મળી રહી છે.
હોરી કાઉન્ટી પોલીસે જણાવ્યા પ્રમાણે, લીટલ રિવરમાં રવિવારે રાત્રે 9.30 વાગ્યે આ દુર્ઘટના બની હતી. મોટાભાગના ઈજાગ્રસ્તો ખાનગી વાહનોમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જો કે, પોલીસે અંધાધૂધ ગોળીબારમાં ઘાયલોની સ્થિતિ વિશે કોઈ માહિતી આપી ન હતી.
હુમલાનું કારણ અકબંધ
ઓથોરિટીએ હજી સુધી આ હુમલાના શંકાસ્પદ આરોપી વિશે જાણકારી આપી નથી. આ ગોળીબાર એક વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો હતો કે, પછી વધુ હુમલાખોરો સામેલ હોવાની પણ હાલ જાણકારી મળી નથી. હુમલા પાછળનું કારણ પણ જાણી શકાયુ નથી. ઈન્ટ્રાકોસ્ટલ વોટરવે નજીક રહેણાંક વિસ્તારમાં ગોળીબાર થયો હતો. વીડિયો ફૂટેજમાં વિસ્તારમાં ડઝનથી વધુ પોલીસ તૈનાત થઈ છે. મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સ પણ જોવા મળી હતી.