ચીનને વધુ એક ઝટકો, TikTok સહિતની ચીની એપ પર પ્રતિબંધ મુકી શકે છે અમેરિકા
ભારતીય યુઝર્સનો ડેટા સિંગાપુરના સર્વરમાં સેવ થઈ રહ્યો છે અને ચીનની સરકારે કદી ડેટાની માંગ નથી કરી: કંપનીની સ્પષ્ટતા
વોશિંગ્ટન, તા. 7 જુલાઈ 2020, મંગળવાર
જે રીતની ધારણા હતી એ જ પ્રમાણે બની રહ્યું છે. ભારતે ચીનની 59 એપ્લિકેશન્સ પર પ્રતિબંધ મુકીને જે ઝાટકો આપેલો તે ચીનને હવે વધુ ભારે લાગી રહ્યો છે. અમેરિકા પણ ચીનની ટિકટોક સહિતની મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મુકવા માટે ગંભીરતાપૂર્વક વિચારણા કરી રહ્યું છે.
અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ સોમવારે મોડી રાતે આ મામલે જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, અમે નિશ્ચિતરૂપથી ચીની એપ્સ પર પ્રતિબંધ મુકવા વિચાર કરી રહ્યા છીએ. આ તરફ ઓસ્ટ્રેલિયામાં પણ ચીની એપ્સ પર પ્રતિબંધ મુકવાની માંગ તેજ બની રહી છે. ભારતમાં ટિકટોક બેન થવાથી ચીની કંપનીને આશરે છ અબજ ડોલરનું નુકસાન થયું છે.
અગાઉ થોડા દિવસો પહેલા ભારત સરકારે TikTok સહિતની 59 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મુક્યો હતો. ત્યાર બાદ ચીની કંપનીઓએ સરકારને વિનંતી કરી હતી કે તેઓ ભારતીય યુઝર્સનો ડેટા ચાઈનીઝ સરકાર સાથે શેર નથી કરી રહ્યા. ટિકટોકના સીઈઓ કેવિન મેયરે ભારત સરકારને પત્રમાં ચાઈનીઝ સરકારે કદી યુઝર્સના ડેટાની માંગ નથી કરી તેમ જણાવ્યું હતું.
નવાઈની વાત એ છે કે ટિકટોકને ભલે હાલ ભારતમાં બેન કરવામાં આવ્યું હોય પરંતુ ચીનમાં તે ઘણાં લાંબા સમયથી પ્રતિબંધિત છે. જો કે આ એપ જે કંપનીની (ByteDance) છે તે ચાઈનીઝ છે. ભારત સરકાર દ્વારા પ્રતિબંધ લાગુ થયા બાદ તેણે બેઈજિંગથી દૂરી બનાવી લીધી છે. કંપની સતત એ સ્પષ્ટતા કરી રહી છે કે ભારતીય યુઝર્સનો ડેટા સિંગાપુરના સર્વરમાં સેવ થઈ રહ્યો છે અને ચીનની સરકારે કદી ડેટાની માંગ નથી કરી તથા કંપની પણ કદી આ માંગને પૂરી નહીં કરે.
2017માં લોન્ચ થયું હતું ટિકટોક
ByteDanceની સ્થાપના 2012માં થઈ હતી અને કંપનીએ 2016માં ચાઈનીઝ માર્કેટ માટે Douyin એપ લોન્ચ કરી હતી. તે ટિકટોક જેવી એપ જ છે પરંતુ તે ત્યાં આકરા નિયમો અનુસરીને કામ કરી રહી છે. ત્યાર બાદ 2017માં બાઈટડાન્સે વિશ્વ બજારમાં ટિકટોક લોન્ચ કરી હતી.
આ એપ પર ચીનમાં પ્રતિબંધ છે અથવા તો એમ કહી શકાય કે તેને ચીનના માર્કેટમાં લોન્ચ નહોતી કરવામાં આવી કારણ કે ત્યાં ઘણી વસ્તુઓને લઈ પ્રતિબંધ છે. કંપનીએ બંને એપ્સ માટે અલગ અલગ સર્વરનો ઉપયોગ કર્યો છે.