World

સીરિયામાં અમેરિકાનો આઈએસના 70થી વધુ મથકો પર ભીષણ હુમલો

By GS TEAM
20 Dec 20252 mins read
સીરિયામાં અમેરિકાનો આઈએસના 70થી વધુ મથકો પર ભીષણ હુમલો

- અમેરિકાએ ત્રણ જવાનોનાં મોતનો બદલો લીધો

- પાલ્મીરા પર હુમલા પછી અમેરિકન લશ્કરે ૧૦ ઓપરેશન્સ કરીને ૨૩ આતંકીઓને મારી નાખ્યા

- અમેરિકાએ ઇસ્લામિક સ્ટેટના આતંકીઓને ખતમ કરવા મોટા પાયા પર ઓપરેશન હોક આઇ શરૂ કર્યું

દમાસ્કસ: શાંતિદૂત અમેરિકા તેના પર હુમલો થાય પછી શાંતિને કોરાણે મૂકી દે છે. તેનો વધુ એક પુરાવો તેણે આઇએસના ઠેકાણા પર ભીષણ હુમલો કરી આપ્યો છે. આઇએસે ૧૩ ડિસેમ્બરે ત્રણ અમેરિકનોને ખતમ કરતાં ગિન્નાયેલા અમેરિકાએ આઇએસના ૭૦થી વધુ આતંકી મથકો પર ભીષણ હુમલો કર્યો હતો. હજી સુધી કેટલા આતંકીઓની ખુવારી થઈ તે જાણી શકાયું નથી. 

સીરિયાનાં પ્રાચીન નગર પાલ્મીરામાં ૧૩મી ડિસેમ્બરે થયેલા આતંકીહુમલામાં બે અમેરિકાના સૈનિકો અને એક અમેરિકી નાગરિકનાં થયેલાં મૃત્યુ પછી અમેરિકાએ જબરજસ્ત જવાબી કાર્યવાહી કરી હતી. 

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (યુ.એસ.સેન્ટ કોમ) દ્વારા પ્રસિદ્ધ કરાયેલાં એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે તે જવાબી કાર્યવાહીમાં ફાઈટર જેટ્સ, એટેક હેલિકોપ્ટર્સ તથા તોપખાનાનો પણ ઉપયોગ કરી મધ્ય સીરીયા સ્થિત ૭૦થી વધુ આતંકી મથકોને નિશાન બનાવી તેને ખતમ કરી નાખ્યા હતા, અને તેમાં ૧૦૦થી વધુ પ્રિસીશન મ્યુનિશન્સ (શસ્ત્રો)નો ઉપયોગ કરાયો હતો, અને તેમાં રહેલાં આઈ.એસ.આઈ.એસ.નાં ઇન્ફ્રાસ્ટ્રકચર્સ તથા શસ્ત્રાગારો તબાહ કરી નાખ્યા હતા.

આ સાથે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે પોગન સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશ્યલ ઉપર લખ્યું કે અમે તે ખૂની આતંકીઓ ઉપર અત્યંત આકરી જવાબી કાર્યવાહી કરી રહ્યા છીએ. મેં પહેલાં પણ કહ્યું હતું કે જેઓ અમેરિકનો ઉપર હુમલા કરશે તેની ઉપર તે હુમલાથી અનેક ગણી શક્તિ સાથે જવાબી કાર્યવાહી કરવામાં આવશે. પાલ્મીસ હુમલા પછી યુ.એસ. અને તેના સાથીઓએ સીરીયા અને ઇરાકમાં ૧૦ ઓપરેશન્સ કર્યા તેનાં ૨૩ આતંકીઓને મારી નખાયા હતા.

અમેરિકાના સંરક્ષણ મંત્રી ખેર હેગ સેથે સોશ્યલ મીડીયા પર લખ્યું કે સવારે અમેરિકી સેનાએ સીરીયાના આતંકીઓના કેન્દ્રોને ખતમ કરવા ઓપરેશન હૉક આઈ શરૂ કર્યું. આ ૧૩ ડીસેમ્બરે સીરીયાનો પલ્મેરામાં એરિકી સેના પર થયેલ હુમલાના જવાબમાં શરૂ કરાયું હતું. તેમાં ઓછામાં ઓછા ૭૦થી વધુ માર્યા ગયા છે.